પિયત-ખેતી-સંશોધન–કેન્દ્રો, ગુજરાત : પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સંશોધનની કામગીરી કરતાં કેન્દ્રો. ગુજરાત રાજ્યમાં કુલ વાવેતર-વિસ્તારના 23 %માં પિયતની સુવિધા ઉપલબ્ધ છે. આ માટે વપરાતા પિયત-પાણીના 80 % કૂવા દ્વારા, 18 % નહેર દ્વારા અને 2 % અન્ય રીતે મેળવવામાં આવે છે. રાજ્યમાં પિયત અંગેના સંશોધનની કામગીરી 1970માં મુખ્ય પિયત – સંશોધન-કેન્દ્રની સ્થાપના થતાં સતત ચાલતી રહે છે. શરૂઆતમાં 1978 સુધી 16 જેટલાં પ્રયોગ અને નિદર્શન – ફાર્મ આ કેન્દ્ર સાથે સંશોધનની કામગીરી અર્થે જોડાયેલાં હતાં. રાજ્યના પિયત અને ખેતીવાડી -ખાતાની, ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદની તેમજ ખેતીમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગેની રાષ્ટ્રીય કમિટીની અનુદાનીય યોજનાઓ હેઠળ પિયત – સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવે છે. મુખ્ય પિયત સંશોધન-કેન્દ્ર નવસારી ખાતે તેમજ તેના તાંત્રિક માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ ચાલતાં પરિયા, અછાલિયા, ઠાસરા તેમજ સરદાર કૃષિનગરનાં કેન્દ્રો ખાતે જળ-વ્યવસ્થાપન અંગેનાં સંશોધન સઘન પ્રમાણમાં ચાલી રહ્યાં છે. ખારા પાણીનો પિયતમાં ઉપયોગ કરવા અંગેના સંશોધનની યોજના જૂનાગઢ ખાતે કાર્યરત છે, જ્યારે નર્મદા પિયત પરિયોજના અન્વયે ભારે કાળી જમીનના વિસ્તારો માટેના પિયત-સંશોધનનું કાર્ય કરજણ તાલુકાના ખાંધા કેન્દ્ર ખાતે જળ-વ્યવસ્થાપન યોજનાને ઉપક્રમે શરૂ કરવામાં આવેલ છે. આ સિવાય ગુજરાત કૃષિ – યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો ખાતે વિવિધ વિભાગોના સહકારથી આ કામગીરી અવિરત ચાલે છે.
જળ-વ્યવસ્થાપનની છેલ્લાં 26 વર્ષની કામગીરીના ફળ-સ્વરૂપે રાજ્યમાં લેવામાં આવતા બધા જ પાકોને આવરી લેતી પિયત અંગેની કુલ 18 ભલામણો કરવામાં આવી છે. તે પૈકી પૃષ્ઠીય (surface) પિયત પર 120, ફુવારા-પિયત પર 20, ટપક તથા નાના ફુવારા પદ્ધતિ પર 28 અને વિવિધ આવરણ પર 19 ભલામણો કરવામાં આવેલ છે. આ ભલામણો પાકને પિયત ક્યારે, કેટલું અને કેવી રીતે આપવું તેની વિગતે સમજ આપે છે.
આ ઉપરાંત ટપક-સિંચાઈ-સ્પર્શી 50, ફુવારા-પિયત પર 10, જમીન-આવરણલક્ષી 25, ગ્રીન-હાઉસ અંગે 5 અને પિયતનાં અન્ય પાસાં સંબંધી 10 નવા પ્રયોગો ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથે નિતારની વ્યવસ્થા, રાસાયણિક ખાતરની જરૂરિયાત અને વ્યવસ્થા, જમીન-સુધારણા, જળ, જમીન અને હવાના પ્રદૂષણનાં નવાં ક્ષેત્રો પર પણ સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ, ગુજરાત કૃષિ યુનિવર્સિટીનાં વિવિધ કેન્દ્રો પર વિવિધ આબોહવા, જમીન અને પાકને ધ્યાનમાં લઈને પિયત-પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કયા પ્રકારની પિયત-વ્યવસ્થા હોવી જોઈએ તે અંગેની કામગીરી વણથંભી ચાલી રહી છે.
એસ. રામન