પિટકેર્ન ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો ટાપુ. ભૌગોલિક સ્થાન : 25o 04′ દ. અ. અને 130o 06′ પૂ. રે. પૉલિનેશિયાના અસંખ્ય ટાપુઓ પૈકીનો એક એવો આ ટાપુ ઑસ્ટ્રેલિયાથી પૂર્વમાં આશરે 8,000 કિમી.ના અંતરે મકરવૃત્તની તદ્દન નજીક દક્ષિણ તરફ આવેલો છે. તે બ્રિટિશ નૌકાજહાજ ‘બાઉન્ટી’ના બળવાખોરોના નિવાસસ્થાન તરીકે ખૂબ જ ખ્યાતિ પામેલો છે. તેનું ક્ષેત્રફળ માત્ર 5 ચોકિમી. જેટલું જ છે. મહાસાગરની જળસપાટીથી તેની વધુમાં વધુ ઊંચાઈ 250 મીટરની છે. ટાપુની અંદર તરફનું ભૂપૃષ્ઠ ખૂબ જ ખરબચડું છે, પરંતુ જમીન ફળદ્રૂપ છે. અહીંની આબોહવા સમધાત રહે છે. ફેબ્રુઆરીનું સરેરાશ તાપમાન 24o સે. અને ઑગસ્ટનું સરેરાશ તાપમાન 19o સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ લગભગ 2,000 મિમી. જેટલું રહે છે.

આ ટાપુ બ્રિટિશ શાસનના રક્ષણ હેઠળ છે. ડ્યુસી, હેન્ડરસન અને ઓએના જેવા અન્ય ટાપુઓ નજીક આવેલા છે, પરંતુ તે નિર્જન છે. ન્યૂઝીલૅન્ડના બ્રિટિશ હાઈકમિશનર આ ટાપુના વહીવટી વડા ગણાય છે. પિટકેર્ન ટાપુના નિવાસીઓથી રચાયેલી કાઉન્સિલ સ્થાનિક વહીવટ સંભાળે છે.

આ ટાપુની વસ્તી માત્ર 50 (2018) લોકોની જ છે. આ પૈકીના ઘણાખરા અને તેમની પૉલિનેશિયન પત્નીઓ બાઉન્ટી બળવાખોરોનાં વંશજો છે. ઍડમ્સ્ટાઉન એ ટાપુની એકમાત્ર વસાહત છે. લોકો તેમના જીવનનિર્વાહ માટે ખેતી અને માછીમારીનું કામ કરે છે. કેળાં, ખાટાં ફળો, નારિયેળ, કોળું, તડબૂચ વગેરે અહીંની મુખ્ય પેદાશો છે. ‘પિટકેર્ન ટાપુઓ’ શબ્દાંકિત કરેલી પોસ્ટની ટિકિટોનું વેચાણ કરીને આ ટાપુ માટે જરૂરી આવક મેળવવામાં આવે છે.

પ્રાગૈતિહાસિક કાળ દરમિયાન પોલિનેશિયનોએ અહીં વસવાટ કરેલો હોવાની માહિતી મળે છે. યુરોપિયનો પૈકી 1767માં અહીંની પ્રથમ મુલાકાત લેનાર અંગ્રેજ દરિયાખેડુ ફિલિપ કાર્ટેરેટ અને તેની ટુકડી જ્યારે અહીં પહોંચેલી ત્યારે ત્યાં કોઈ વસ્તી હતી નહિ. આ ટુકડીના એક સભ્ય રૉબર્ટ પિટકેર્નની આ ટાપુ પર પ્રથમ નજર પડેલી. તેથી કાર્ટેરેટે તેને પિટકેર્ન નામ આપેલું.

1789માં ફ્લેચર ક્રિશ્ચિયનની દોરવણી હેઠળ બળવાખોરોએ દક્ષિણ પૅસિફિકમાં કૅપ્ટન બ્લાઈ પાસેથી બાઉન્ટીનો કબજો મેળવેલો. બ્લાઈ અને બળવાખોરો ન હતા એવા 18 માણસોને એક નાનકડી હોડીમાં બેસાડી તેમના નસીબ પર દરિયામાં છોડી દેવામાં આવેલા. 1790માં બળવાખોરો પૈકીના નવ અહીં આવીને વસ્યા. આ બ્રિટિશ ખલાસીઓ તેમની સાથે 19 જણ(6 પુરુષો, 12 સ્ત્રીઓ અને 1 નાની છોકરી)ને લાવેલા.

1808 સુધીમાં, જ્યારે અમેરિકી વહાણે બળવાખોરોની સંતાવાની જગા શોધી કાઢી, ત્યારે તેમને જૉન ઍડમ્સ સિવાય બધા જ મૃતપ્રાય સ્થિતિમાં મળેલા, પરંતુ તેઓ 25 જેટલાં બાળકો છોડી ગયેલા. 1856માં પિટકેર્નના નિવાસીઓ પૈકીના ઘણા નૉરફોક ટાપુ પર સ્થળાંતર કરી ગયેલા.

ગિરીશભાઈ પંડ્યા