પિક્ચરસ્ક સ્થાપત્ય : ચિત્રમય અથવા ચિત્રમાં શોભે એવું સ્થાપત્ય. આ પ્રકારની ઇમારત અથવા બાગ આબેહૂબ કલાકૃતિનાં રૂપાંતર જેવાં લાગે. અઢારમી સદીમાં યુરોપીય કલાકારોના મંતવ્ય પ્રમાણે તે સાદૃશ્ય, નિર્મળતા અને સુંદરતા વ્યક્ત કરતી ચિત્રાત્મકતા ધરાવતું હોવું જોઈએ. તેમાં ગાઢ વન, અરણ્યની કુદરતી સુંદરતા જેવું આવે. ઇમારતોની રચનામાં વિવિધ સપાટીઓ તથા અસંતુલિત આકારોની એકસાથે ગોઠવણી વડે તે સિદ્ધ થાય. ખાસ કરીને ઇંગ્લૅન્ડના અઢારમી સદીના સ્થાપત્યમાં – જૉન નૅશના સ્થાપત્યમાં આ વિવિધતા જોવામાં આવતી, જે ખાસ કરીને ઉપવનીય ક્ષેત્રનાં ઘરોમાં પ્રતિબિંબિત થયેલ. આ સ્થાપત્ય-કળા ઇટાલિયન અથવા કિલ્લાવાળી ગૉથિક કળા પર આધારિત હતી.
રવીન્દ્ર વસાવડા