પાહોઈહો લાવા (રજ્જુ-લાવા) (Pahoehoe lava Ropy lava)
January, 1999
પાહોઈહો લાવા (રજ્જુ–લાવા) (Pahoehoe lava, Ropy lava) : લાવા-પ્રવાહોમાંથી તૈયાર થતી દોરડા જેવી સંરચના. પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળી આવતો મોટાભાગનો લાવા સામાન્યત: પ્રવાહી સ્થિતિવાળો, બેસાલ્ટ બંધારણવાળો તેમજ ઊંચા તાપમાનવાળો હોય છે. તેની સ્નિગ્ધ કે તરલ સ્થિતિ મુજબ બે પ્રકાર પાડવામાં આવેલા છે : (1) ‘આ’ લાવા, જે સ્નિગ્ધ અને ઘટ્ટ હોય છે, મંદ ગતિથી વહે છે અને ઓછો વિસ્તાર આવરી લે છે. (2) ‘પાહોઈહો’ લાવા : તે તરલ અને પાતળો હોય છે, ઝડપથી વહે છે અને વધુ વિસ્તાર આવરી લે છે. તેની વહનગતિ મનુષ્યની દોડવાની ગતિથી વિશેષ ઝડપી હોય છે.
પ્રારંભિક કક્ષાએ જ્યારે પ્રસ્ફુટન થાય છે ત્યારે જ્વાળામુખીની બાજુઓ પર તે ઝડપથી પથરાઈ જાય છે. ઉપરનો સપાટીનો ભાગ જલદી ઠરી જવાથી ઘનપોપડી બંધાય છે. અંદરના ભાગો પ્રવાહી સ્થિતિમાં રહીને ધીમે ધીમે ઠરે છે. ઉપલી સપાટી ખૂબ જ લીસી અને ડામરની જેમ ચમકવાળી બની રહે છે. વિવૃત ભાગનો સમગ્ર દેખાવ વળેલા દોરડા જેવો લાગતો હોવાથી તેને રજ્જુ-લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સપાટીવળ આછા ઘૂમટ આકારના દેખાય છે, જેનો વ્યાસ થોડાક મીટરની આજુબાજુનો હોય છે. બહારની ઘન અને અંદરની પ્રવાહી સ્થિતિના તફાવતને કારણે આ પ્રકારના લાવામાં વિકેન્દ્રિત તડો ઊપસી આવે છે. ‘પાહોઈહો’નું મૂળ આઇસલૅન્ડના ‘હેલ્લુહ્રૉન’ (એટલે ‘લીસું’ શબ્દ) સાથે સંબંધ ધરાવે છે; જૅગરે તેને ત્વચાપાષાણ (skin-stone) તરીકે ઓળખાવ્યો છે. આ પ્રકારનું સ્વરૂપ બેસાલ્ટમાં બહુધા જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા