પાસબુક : બૅંકર અને ગ્રાહક વચ્ચેના નાણાકીય વ્યવહારોની ચોક્કસ અને પ્રમાણભૂત નોંધ રાખવાનું સાધન. બૅંકને થાપણોની પ્રાપ્તિ મુખ્યત્વે (1) ચાલુ ખાતું, (2) બચત ખાતું અને (3) બાંધી મુદતનું ખાતું – એ ત્રણ દ્વારા થાય છે. તેમાંથી બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવનાર ગ્રાહકને બૅંક તરફથી તેના ખાતાની નકલ તરીકે એક નોંધપોથી આપવામાં આવે છે, જેને પાસબુક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રિકરિંગ ડિપૉઝિટ, એન્યૂઇટીનાં ખાતાં, હાઉસિંગ ડિપૉઝિટ યોજના, એજ્યુકેશન યોજના વગેરે ખાતાં ખોલવામાં આવે ત્યારે પણ બૅંક તરફથી ગ્રાહકને આવી પાસબુક આપવામાં આવે છે. બૅંકર અને ગ્રાહક સાથેના નાણાકીય વ્યવહારોની નોંધ બૅંકર પોતાના ચોપડામાં ગ્રાહકના ખાતામાં કરે છે. આ નોંધની વિગતો બૅંકર પોતાના ગ્રાહકોને પાસબુક દ્વારા પૂરી પાડે છે. આમ, પાસબુક એ બૅંકના ચોપડામાંના ગ્રાહકના ખાતાની નકલ છે, જેને પરિણામે ગ્રાહક પોતાના ખાતાની વખતોવખતની સાચી પરિસ્થિતિ જાણી શકે છે.
ગ્રાહકે વખતોવખત બૅંકમાં પાસબુક રજૂ કરીને તેમાં પોતાના ખાતા અંગેની વિગતોની નોંધ કરાવી લેવાની હોય છે. પાસબુકમાં ગ્રાહકના ખાતાની વિગતો નોંધી આપવાની ફરજ બૅંકની છે. આવી રીતે આ ચોપડી ગ્રાહકો પાસેથી બૅંકમાં અને બૅંક પાસેથી ગ્રાહકો પાસે ફરતી રહે છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી બૅંકમાં હિસાબી કાર્ય માટે કમ્પ્યૂટરનો ઉપયોગ થઈ રહ્યો છે. તેથી કેટલીક બકો પાસબુકને બદલે નિશ્ચિત ફૉર્મમાં ચોક્કસ સમયને અંતરે હિસાબોની યાદી (statement of accounts) પણ આપે છે.
પાસબુકનું મહત્વ ગ્રાહકો માટે ખૂબ છે. ગ્રાહકે બૅંકમાં જમા મૂકેલ અને ઉપાડ કરેલ રકમ ઉપરાંત પાસબુકમાં જમા કરેલ અથવા ઉધારેલ વ્યાજની રકમ, વસૂલ કરેલ ડિવિડન્ડની રકમ, ચૂકવેલ જીવનવીમાનું પ્રીમિયમ, ચેક પરત થયો હોય તો લગાડેલ ચાર્જ વગેરેની માહિતી પાસબુક દ્વારા જાણવા મળે છે.
ગ્રાહકને પોતાના હિસાબી ચોપડા પ્રમાણે બૅંક ખાતાની બાકી (બૅલેન્સ) અને પાસબુકમાં દર્શાવેલી બાકી વચ્ચે તફાવત માલૂમ પડે ત્યારે તે પાસબુકની મદદથી તફાવતની વિગતો શોધીને બૅંકમેળવણીપત્રક (bank reconciliation statement) તૈયાર કરી શકે છે.
સામાન્ય રીતે પાસબુકની નોંધ બૅંકરને બંધનકર્તા ગણાય. ગ્રાહકે પાસબુકમાં નોંધાયેલ વિગતો યોગ્ય રીતે જોઈ લેવી જોઈએ. તેમાં ભૂલ હોય તો બૅંકરનું ધ્યાન દોરવું જોઈએ. જોકે તેણે નોંધો કબૂલ રાખી હોય તેમજ તપાસી ન હોય તો ભવિષ્યમાં તેની ભૂલો સુધારવાનો તેનો હક્ક રહે છે કે નહિ તે અંગે જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે. પાસબુકની નોંધો ફરજિયાત રીતે તપાસવાની ગ્રાહકની જવાબદારી નથી. બૅંકની ખાતાવહીમાં નોંધેલ વ્યવહારોને આધારે થયેલ ભૂલો ગ્રાહકની અથવા બૅંકની તરફેણમાં હોઈ શકે છે. તે બેમાંથી કોઈ પણ પક્ષકાર ભૂલો સુધારી કે સુધરાવી શકે છે.
પાસબુક અંગે ગ્રાહકે કેટલીક તકેદારીઓ રાખવી ઇચ્છનીય છે; જેવી કે, (1) અમુક ચોક્કસ સમયના અંતરે પાસબુક બૅંકમાં રજૂ કરીને તેમાં નોંધ કરાવવી જોઈએ અને પાસબુકમાં ભૂલ માલૂમ પડે તો સુધરાવી લેવી જોઈએ; (2) નોંધ કરાવ્યા વિના લાંબા સમય સુધી પોતાની પાસે પાસબુક રાખવી હિતાવહ નથી; (3) વ્યવહારમાં પાસબુકની લેવડ-દેવડ અંગે પહોંચ આપવી અને લેવી જોઈએ; (4) પાસબુકમાં નોંધેલ દરેક વિગત અંગે બૅંકના જવાબદાર અધિકારીની સહી કરાવવી જોઈએ, અને (5) પાસબુક ખોવાય તો નવી પાસબુક કઢાવી લેવી જોઈએ.
પાસબુકનું સ્વરૂપ સામાન્ય રીતે આ પ્રકારનું જોવા મળે છે : પાસબુકના પ્રથમ પાના પર (1) બૅંકનું નામ અને શાખાનું નામ, (2) ખાતાનો પ્રકાર, (3) ગ્રાહકનું નામ, (4) ખાતા-નંબર, (5) ખાતાવહીનો નંબર જોવા મળે છે. પાસબુકના બીજા અને ત્રીજા પાન ઉપર બૅંક-ખાતાના નિયમો છાપવામાં આવે છે, જેમાં નાણાં ઉપાડવાની રીત પણ દર્શાવવામાં આવેલ હોય છે અને પાસબુકનાં ઉપર સિવાયનાં પાનાં ઉપર ઉધાર-જમાની નોંધ કરવામાં આવે છે.
પોસ્ટ-ઑફિસમાં બચત ખાતાં ધરાવતા ગ્રાહકોને પણ આ પ્રકારની પાસબુક અપાય છે. આમ પાસબુક ગ્રાહક અને બૅંક/પોસ્ટ-ઑફિસ-સેવિંગ્ઝ બૅંક વચ્ચે થયેલા વ્યવહારો માટેનો પુરાવો છે; તેથી તેના વિશે કાળજી રાખવી ગ્રાહક માટે હિતાવહ છે.
જયેશ પૂજારા
ચંદ્રકાન્ત સોનારા