પાળિયા : પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાનના કાર્યને – એના કરનારાઓને પૂજ્યા છે. આદિકાળથી આજ પર્યંત વીર પૂર્વજોને, તેમના વંશજો કે અનુયાયીઓએ સન્માન્યા છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ઢબે પોતાના પૂર્વજોને પૂજે છે. તેઓ આદિમ અથવા પ્રાકૃતિક રીતે તેમનાં સ્મારકો રચે છે, કેટલીક એંધાણીઓ ઊભી કરે છે. મૃતાત્માને ખુશ કરવા, શાતા અર્પવા પરાપૂર્વથી માનવી બધું કરી છૂટતો જણાયો છે અને એમ કરવામાં તો આદિમાનવકુળોને પોતાનું કર્તવ્ય પણ લાગ્યું છે. આધુનિક લોકો તેમના પ્રસિદ્ધ પુરુષોને જાહેર કે પવિત્ર સ્થાને દફનાવી કે તેમની દહનક્રિયા કરી તેમના ઉપર સ્મારક રચે છે. રાજા, કવિ, સંત, સૈનિકનાં સ્મારકો સર્વત્ર છે. આ રીતે સદગતનું ઋણ લોકો અદા કરે છે; દિવંગતના ગુણોની લોકો પૂજા કરે છે.

શામળાજી (જિ. સાબરકાંઠા) ખાતેનો પાળિયો

ભારતીય ઇતિહાસના મધ્યયુગમાં સ્મારકો તરીકે પાળિયા સ્થાપવાનો રિવાજ પ્રસર્યો હતો. ગુજરાતમાં ઈ. સ.ની બીજી સદીના યષ્ટિલેખો મળ્યા છે. કચ્છ જિલ્લાના પચ્છમ ખાવડામાં આવેલા અંધૌ ગામમાંથી ઈ. સ. 130(શક વર્ષ 52)ના ચાર યષ્ટિલેખો પ્રાપ્ત થયા છે. ક્ષત્રપકાલ પછી છેક ગુપ્તકાલમાં પાળિયાઓ પર લેખ કોતરેલા મળે છે. તે પછી સતી-પ્રથા રાજપૂતોમાં ઈ. સ. 1000 પછી વધતી ગઈ અને ઈ. સ. 1200થી 1800 દરમિયાન રાજપૂત અને અન્ય જ્ઞાતિઓમાં પાળિયા મૂકવાનો રિવાજ શરૂ થયો.

પાળિયા અને ખાંભી એ વ્યાપક અર્થમાં મૃત્યુનાં સ્મારકો છે. પાળિયાની સૃષ્ટિ દ્વારા મૃતકો દ્વારા પણ મંગલ થવાની ભાવના ઋગ્વેદના દસમા મંડળના અઢારમા સૂક્તમાંથી મળે છે.

परं मृत्या अनु परेहि पन्थां

यस्ते स्व इतरो देवयानात् ।

चक्षुष्मते शृणवते तं ब्रवीभि

मा न: प्रजां रीरिषो भोत वीरान् ।।

હે મૃત્યુ ! દેવયાનથી ભિન્ન એવા પિતૃયાન દ્વારા (તું) લઈ જજે. આંખ તથા કાન વિના પણ જોઈ શકનાર અને સાંભળી શકનાર તને મૃતકને-પિતૃને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી પ્રજા તથા અમારા વીરોનું રક્ષણ કરજે.

પાળિયા અને ખાંભીમાં કોઈ ભેદ જોવામાં આવતો નથી. મૂળ શબ્દ ‘સ્તંભ’ તે પરથી ‘ખંભ’ અને ‘ખાંભી’; પરંતુ પાળિયાનો શાસ્ત્રીય અર્થ જુદો જ થાય છે. ઋગ્વેદમાં પાળિયા માટે ‘સ્થૂણા’ શબ્દ છે. एतां स्थूळणां पितरो धारयन्तु (10-18-13). ‘પાળિયા’ શબ્દનું મૂળ સંસ્કૃતમાં છે. કવિ કાલિદાસની કૃતિ રઘુવંશમાં ‘પાલયિતૃ’ શબ્દનો ઉપયોગ કરેલો જણાય છે. આ ‘પાલયિતૃ’માંથી ‘પાલિયઉ’ અને તેમાંથી ‘પાલિયો’ કે ‘પાળિયો’ શબ્દ આવ્યો હોવાનું મનાય છે. ‘પાલયિતૃ’ એટલે ‘પાલક’, ‘રક્ષક’ એવો ભાવ જણાય છે. તેથી મૃત પિતૃ દ્વારા થતું રક્ષણ એમ પાળિયાની વિભાવના આપી શકાય.

પાળિયાના મુખ્ય ત્રણ ભાગ પડે છે : પથ્થરના શિરોભાગે ત્રિકોણાકાર કરી તેમાં સૂર્ય-ચંદ્રની આકૃતિ કોતરવામાં આવે છે. વચ્ચેના ભાગમાં અવસાન પામેલ વ્યક્તિની આકૃતિ અને સતી હોય તો હાથની આકૃતિ હોય છે અને નીચેના ભાગે બનાવની વિગત આપતું લખાણ હોય છે. પાળિયાનું આ સ્વરૂપ પરંપરાગત રીતે રૂઢ થઈ ગયેલું છે.

પાળિયા ઊભા કરવાનો હેતુ બનાવની સ્મૃતિ જાળવી રાખવાનો છે. સમાજ, ધર્મ કે વ્યક્તિ માટે આદર્શ એવી કોઈ પણ ઘટના ઘટે તો તેમાં મૃત્યુ પામેલ વ્યક્તિ માટે પાળિયા ઊભા કરવામાં આવે છે.

પાળિયા જેમ લોકસંસ્કૃતિનાં પ્રતીકો છે તેમ ઇતિહાસના અંકોડા પણ છે. ઇતિહાસની કડીઓ જોડી આપવાના માધ્યમ તરીકે પાળિયા અગત્યનું સાધન ગણાય છે. લોકજીવનમાં પાળિયાને મૃત્યુના સ્મારક તરીકે ગણવા કરતાં વીરપૂજાના પ્રતીક તરીકે અપનાવાયા છે.

પુરાતત્વ માનવજીવન અને તેનાં અંગોના અભ્યાસ ઉપરાંત તેમની પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરે છે. પાળિયા પણ માનવજીવનનું એક અંગ હોઈ પુરાતત્વની અભ્યાસસામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પાળિયા ઇતિહાસનો સીધો પુરાવો હોઈ પુરાતત્વવિદને નિર્ણય અર્થે વિશેષ તપાસ કરવી પડતી નથી. અલબત્ત, તેના ખરાપણાની પ્રાથમિક તપાસ જરૂરી છે. તેથી પાળિયા પુરાતત્વના અભ્યાસનું સબળ સાધન ગણાય છે.

મૃત્યુના સ્મારકરૂપ પાળિયાનાં મૂળ તો જગતની તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે.

મહાપાષાણ સ્મારકો ભારતમાં પણ નોંધાયાં છે. ગુજરાતમાં કચ્છમાં આવાં મહાપાષાણ સ્મારકો આવેલાં છે. આ મહાપાષાણ સ્મારકોના પ્રકારમાંથી ‘મેનહીર’ પ્રકાર સૌરાષ્ટ્રના પાળિયાનો પૂર્વજ હોઈ શકે. મહાપાષાણ સ્મારકોનો સમય ઈ. પૂ. 4000થી 1000 સુધીનો માનવામાં આવે છે. ઇંગ્લડના વિલ્ટશાયરમાં આવેલા મહાપાષાણ સ્મારકનો સમય ઈ. પૂ. 2100 ગણવામાં આવ્યો છે. આફ્રિકામાં આવેલ ઇથિયોપિયાના પ્રાચીન એક્સમ સામ્રાજ્યના વિસ્તારમાં આવેલ મેનહીર 33.5 મી.ની ઊંચાઈવાળો છે, જે ઈ. સ.ની પ્રથમ કે બીજી સદીનો મનાય છે. માનવના વિકાસની સાથે સાથે આ પ્રથામાં પરિવર્તન આવ્યું હશે, પણ મૂળ ખ્યાલ સચવાઈ રહ્યો છે અને તેથી જ આ જગતને ઇજિપ્તના પિરામિડો કે બૅબિલોનના હમુરાબીના શિલાખંડો પ્રાપ્ત થઈ શક્યા છે.

મૃત્યુ-સ્મારક તરીકે ઇજિપ્તના પિરામિડો હોય કે સાંચીનો સ્તૂપ હોય, બંનેમાં મૃતાત્માના અમરત્વનો ખ્યાલ સૂક્ષ્મ ભાવે રહેલો જણાય છે. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના અગ્નિસંસ્કારની સ્મૃતિ માટે પ્રભાસપાટણમાં ત્રિવેણી-સંગમ પર રચાયેલા તુલસીક્યારાથી માંડીને દિલ્હીમાં આવેલા મહાત્મા ગાંધીના રાજઘાટના સ્મૃતિસ્મારક સુધીનાં મૃત્યુસ્મારકોમાં ભારતની જીવંત સંસ્કૃતિનો ધબકાર વરતાય છે.

પુરાતત્વને અતીત સાથે સંબંધ છે અને પાળિયા અતીતના પ્રતીકરૂપ છે. અતીત પુરાતત્વનો મુખ્ય વિષય છે. પાળિયા પુરાતત્વની પરિભૌતિક સામગ્રી છે; પરંતુ એનાં યોગ્ય પરીક્ષણ અને કસોટી થવાં જરૂરી છે; અન્યથા એના ઉપરછલ્લા અભ્યાસથી ખોટું તારણ પણ આવી શકે છે. આમ પાળિયાને પુરાવશેષ ગણીએ તો તેના સંદર્ભમાં કેટલાંક પાસાંનો અભ્યાસ અનિવાર્ય ગણાય : પાળિયાનું ભૌગોલિક સ્થાન, તે જેમાંથી બનાવાયો હોય તે પદાર્થસામગ્રી, તેને ઊભો કરવાનો હેતુ, ઉત્કીર્ણ લેખ અને એમાંની ભાષા અને લિપિ, ધાર્મિક ચિહનો, આકૃતિઓ, અંકિત માનવ-આકૃતિનાં પહેરવેશ, અલંકારો, આયુધો, ઉપકરણો અને તેની સાથેનાં પશુઓ, તેનો ઐતિહાસિક સમય, તેના અંગેની લોકકથા વગેરેનો અભ્યાસ કરી, તેનો અન્ય આધારભૂત ગ્રંથો સાથે સંબંધ-સંદર્ભ તપાસી, પાળિયાની પ્રમાણભૂતતા બાબત જે તે ઘટિત નિર્ણય પર આવવાનું થઈ શકે છે.

ગુજરાતનાં છેલ્લાં એક હજાર વર્ષનો ઇતિહાસ આ પાળિયાઓમાં સંગૃહીત છે.

રામજીભાઈ ઠા. સાવલિયા