પાલ, બચેન્દ્રી (જ. 24 મે 1954, ઉત્તરકાશી, ઉત્તરપ્રદેશ) : એવરેસ્ટ આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક. બચેન્દ્રી પાલે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી, ઉત્તરકાશીમાં આવેલી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગમાં પર્વતારોહણનો પ્રાથમિક અને એડવાન્સ કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. 1982-1983માં એવરેસ્ટની તૈયારી રૂપે યોજાયેલાં બે આરોહણોમાં ભાગ લીધો અને 23,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યાં. 1984ની 24મી મેએ એવરેસ્ટ પર ટુકડીના ત્રણ સભ્યો સાથે સફળ આરોહણ કર્યું. એવરેસ્ટ પછી 1984માં મા બ્લાંક, 1988માં કૈલાસ શિખર અને 1989માં કામેટ અને અબી ગામીન પર અને એ પછી 1990માં ન્યૂઝીલૅન્ડમાં માઉન્ટ અર્નસ્લો અને માઉન્ટ એગીરસ પર સફળ આરોહણ કર્યું.

બચેન્દ્રી પાલ
તેઓ મુંબઈની હિમાલયન ક્લબ અને દાર્જિલિંગની હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનાં આજીવન સભ્ય છે. અખિલ ભારતીય જૂડો અને કરાટે ફેડરેશનનાં ચૅરપર્સન છે. જમશેદપુરની ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડના સાહસિક કાર્યક્રમોના વિભાગોમાં કામ કરતાં બચેન્દ્રી પાલ ડિવિઝનલ મૅનેજરનો હોદ્દો ધરાવે છે. અરુણાચલ પ્રદેશથી સિયાચીનના ઇન્દિરા કોલ સુધી પાર-હિમાલય આરોહણમાં બચેન્દ્રી પાલ સહિત કુલ આઠ મહિલાઓની ટુકડી 1997ની 15મી ઑગસ્ટે સિયાચીન ગ્લેસિયર સુધી પહોંચી હતી. આ અત્યંત કપરા આરોહણમાં સફળ થનાર બચેન્દ્રી પાલે ‘પદ્મશ્રી’ ખિતાબ, ‘અર્જુન ઍવૉર્ડ’, ‘નૅશનલ એડવેન્ચર ઍવૉર્ડ’ અને ‘આઇ. એફ. એમ. ગોલ્ડ મેડલ’ મેળવ્યા છે.
કનક દવે