પાલિ : રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 – 0´  ઉ. અ. અને 73 – 0  પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેની ઉત્તરે  નાગૌર, ઈશાને અજમેર, પૂર્વે અને અગ્નિએ  ઉદેપુર, નૈર્ઋત્યે સિરોહી, પશ્ચિમે જાલોર અને બાડમેર તથા વાયવ્યે જોધપુર જિલ્લા આવેલા છે.

આ જિલ્લાની પૂર્વે અરવલ્લી પર્વતની હારમાળાનો પ્રારંભ થાય છે અને દક્ષિણે બામનેરા ગામ (સુમેરપુર તાલુકો) પાસે તેનો છેડો આવેલો છે. આ હારમાળાની તળેટીની પશ્ચિમ દિશાએ લૂણી નદી વહે છે અન્ય નદીઓમાં સુકરી, લીલરી, મીઠાડી, બન્દી, ગુહીબાલા અને જવાઈ છે. સિંચાઈના હેતુને લક્ષમાં રાખીને તળાવો નિર્માણ કરાયાં છે. નાની નદીઓ ઉપર બંધ બંધાયા છે. જવાઈરાયપુર, હેમવાસ, ખરડા સરદાર સમન્દ ડેમ પણ આવેલા છે. આ જિલ્લાનો મોટો ભાગ સમુદ્રસપાટીથી 200થી 300 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. મહત્તમ ઊંચાઈ ધરાવતા શિખરની ઊંચાઈ 1,099 મીટર છે. પરંતુ પૂર્વના ભાગમાં આવેલો વિસ્તાર અરવલ્લી હારમાળાની નજીક હોવાથી અહીં ઊંચાઈ 600 મીટર છે. કેટલોક વિસ્તાર 1000 મીટરની ઊંચાઈ પણ ધરાવે છે. આ જિલ્લામાં નિક્ષેપકૃત નાના ખડકો (conglo merate) આવેલા હોવાથી આ વિસ્તારને ‘રાષ્ટ્રીય ભૂસ્તર સ્મારક’ જાહેર કરેલ છે. આ નિક્ષેપકૃત ખડકો એક કુદરતી વારસો ગણાતો હોવાથી તેની લાંબા સમય સુધી સાચવણી કરવાનો હેતુ રહેલો છે.

ભૂસ્તર અને ખનિજ : આ જિલ્લામાં અગ્નિકૃત અને નિક્ષેપકૃત ખડકોનું પ્રમાણ અધિક છે. જિલ્લાની પૂર્વ સરહદે શીસ્ટ, ફાઈલાઇટ, આરસપહાણ અને લાવાયિક ખડકો પણ આવેલા છે. જેમાં મોટા ભાગના ગ્રૅનાઇટ અને રાહોલાઇટ ખડકો આવેલા છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં અગ્નિકૃત ખડકો જોવા મળે છે. મોટે ભાગે ગુલાબી રંગના મારબલ વધુ આવેલા છે. જિલ્લાના ઉત્તર ભાગમાં ચૂનાના ખડક, ડોલોમાઇટ, રેતખડકો અને શેલનો જથ્થો વધુ છે.

આબોહવા – વનસ્પતિ : અહીંની આબોહવા તદ્દન સૂકી છે. ઉનાળામાં અતિશય ગરમી અને શિયાળામાં પણ અતિશય ઠંડીનો અનુભવ થાય છે. ઉનાળામાં અને શિયાળામાં સરેરાશ તાપમાન અનુક્રમે 45 સે. અને 0 સે. જેટલું અનુભવાય છે. સરેરાશ વરસાદ 500થી 600 મિમી. જેટલો ચોમાસાની ઋતુમાં પડે છે. સરેરાશ ભેજનું પ્રમાણ 60%થી 70% હોય છે.

આ શુષ્ક વિસ્તારમાં મોટે ભાગે બાવળ, ખેર, ખીજડો, ખજૂરી, બોરડી, થોર વગેરે જોવા મળે છે.

પાલિથી આશરે 130 કિમી. દૂર ‘દક્ષિણે જવાઈ બંધ આરક્ષિત’ વિસ્તારમાં દીપડાને સુરક્ષા મળે તે હેતુથી એક અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે. અહીં રીંછ, વરુ, શિયાળ, ચિંકારા અને મગર પણ જોવા મળે છે. આ સિવાય શિયાળામાં યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે. રાજસ્થાનમાં આ સૌથી મોટો જવાઈ બંધ આવેલો છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં ઘઉં, જુવાર, બાજરી, તેલીબિયાં, કપાસ જે અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. અહીં કાપડઉદ્યોગના અનેક એકમો સ્થપાયા છે. સુતરાઉ કાપડ, રેયૉનની અન્ય રાજ્યોમાં નિકાસ થાય છે. બંગડીઓ બનાવવાનાં, મારબલ કાપવાનાં અને સફાઈ કરવાનાં કારખાનાં આવેલાં છે. મહારાજા શ્રી ઉમેદ કાપડની મિલ આવેલી છે. આ જિલ્લામાં ત્રણ ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. જેમાં પાલિ, પુનાયાટા અને માંડીયા છે. સાડીઓના છપાઈકામ માટે પાલિ જિલ્લો વધુ જાણીતો છે. આ સિવાય અહીં ચર્મ, કોતરણી અને નકશીકામના ઉદ્યોગ, ખેતીના ઓજારો બનાવવાના, સિમેન્ટ, રાસાયણિક ખાતર બનાવવાના તેમજ ખનિજ ઉપર આધારિત એકમો પણ આવેલા છે. આ વિવિધ ઉદ્યોગોને કારણે અહીં હવા અને પાણીના પ્રદૂષણના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

આ જિલ્લામાં સિંચાઈ હેઠળનો વિસ્તાર 2,824 ચો. કિમી. છે. 92 બંધ આવેલા છે. કુલ સિંચાઈમાં 20% તળાવો છે. 5% ટ્યૂબવેલ છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે આયોજન થયું છે.

આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 14 અને 65 પસાર થાય છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગનો પણ લાભ મળ્યો છે. બિયાવર, જોધપુરને સાંકળતો બ્રૉડગેજ રેલમાર્ગ પણ ઉપયોગી બન્યો છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 12,387 ચો.કિમી. જ્યારે વસ્તી 20,37,573 (2011 મુજબ) છે. અહીં હિન્દુ (92.79%), મુસ્લિમ (5.87%) અને જૈનો (1.12%) વસે છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 987 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 63.23% છે. 22.58% લોકો શહેરી વિસ્તારોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 19.80% અને 8.90% છે. આ જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષા રાજસ્થાની (59.45%), મારવાડી (35.17%), હિન્દી (3.24%) છે.

જોવાલાયક સ્થળો : રાણકપુર મંદિર, સોમનાથ મંદિર, જવાઈ બંધ, જાડન આશ્રમ, પરશુરામ મહાદેવ મંદિર, નીમ્બુકા નાથ, મુછાળા મહાવીર, ઓમ બન્ના ધામ, આશાપુરા માતા મંદિર વગેરે.

રાજસ્થાન સંસ્કૃતિની વિશેષતા મહેમાનોની આગતા-સ્વાગતા છે. અહીંની શાકાહારી અને બિનશાકાહારી વાનગીઓ વધુ જાણીતી છે. રાજસ્થાની વાનગીમાં જુવાર, બાજરીના રોટલા, ચટણી, કઢી, દાલ-બાટી-ચૂરમું વગેરે છે. આ જિલ્લાને વહીવટી સુગમતા ખાતર 10 તાલુકામાં વહેંચેલ છે.

પાલિ (શહેર) : રાજસ્થાન રાજ્યના પાલિ જિલ્લાનું આ શહેર પાટનગર છે.

તે 25.77´ ઉ. અ. અને 73.33´  પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી આશરે 214 મીટર ઊંચાઈએ આવેલું છે. બાન્દી નદીને કિનારે વસેલું શહેર જોધપુરથી આશરે 70 કિમી. દૂર આવેલું છે.

આ શહેર જૂના વખતથી આજુબાજુના ગ્રામીણ વિસ્તાર માટેનું વેપારી મથક બની રહેલું છે. વર્તમાનમાં આ શહેરનો વિકાસ વધુ થયો હોવાથી તે બે વિભાગમાં વહેંચાયું છે. જૂનું પાલિ અને નવું પાલિ એવા બે વિભાગો અલગ પડે છે. આ શહેરમાં સુતરાઉ કાપડની મિલો, તેલ મિલો, સુતરાઉ કાપડ પરનું છાપકામ, રંગકામ, ધાતુ પરની કારીગરીનું કામ, હાથીદાંત અને સુખડના લાકડા પરની હસ્તકલાકારીગરી જેવા નાનામોટા ઉદ્યોગો વિકસ્યા છે. સોના-ચાંદીના દાગીના બનાવવાનો ગૃહઉદ્યોગ વધુ જાણીતો છે. આથી રાજસ્થાનના ‘ઔદ્યોગિક શહેર’ તરીકે ઓળખ ઊભી કરી છે.

આ જિલ્લાનું દરેક ગામ આ શહેર સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. અહીંનાં બે મોટાં પરિવહનનનાં મથકો જેમાં પાલિ અને ફાલના છે. મારવાડ જંકશન જે જોધપુર, અજમેર, અમદાવાદ અને ઉદેપુર સાથે સંકળાયેલ છે. આ જિલ્લામાં આવેલો મીટરગેજ રેલમાર્ગ બ્રૉડગેજમાં રૂપાંતરિત થયેલ છે. રાજ્ય પરિવહનની બસોનું મુખ્ય મથક છે. ગુજરાત – મહારાષ્ટ્ર રાજ્યની પરિવહનની બસોની સુવિધા છે.

આ શહેરની વસ્તી (2011 મુજબ) 2,29,956 છે. જેમાં પુરુષો અને મહિલાઓની ટકાવારી અનુક્રમે 52.2% અને 47.8% છે. સાક્ષરતાનું પ્રમાણ 68.2% છે. અહીં હિન્દુઓનું પ્રમાણ 75.59% જ્યારે મુસ્લિમોનું પ્રમાણ 18.79% છે.

અહીંની જાણીતી મીઠાઈમાં ગુલાબનો હલવો મુખ્ય છે. અહીંની મેંદી ખૂબ વખણાય છે. પાલિથી 40 કિમી. દૂર આવેલું સોજત શહેર કે જ્યાંથી મેંદીની નિકાસ ભારત અને વિદેશોમાં પણ થાય છે. પાપડ બનાવવાનો સૌથી મોટો ગૃહઉદ્યોગ જોવા મળે છે. રાજસ્થાનમાં આ શહેર કાપડઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

રાજસ્થાન યુનિવર્સિટી સાથે સંકળાયેલી કૉલેજો અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ અહીં આવેલી છે. CBSC અભ્યાસક્રમ સાથે સંકળાયેલી શાળાઓ આવેલી છે.

પાલિ પહેલાં પાલિકા તરીકે ઓળખાતું હતું. 11મી સદીમાં પાલિ ઉપર મેવાડના ગોહિલોનું પ્રભુત્વ હતું. 12મી સદીમાં નાડોલના રાજા અને ચૌહાણ લોકોનું પ્રભુત્વ હતું. 1836માં અહીં પ્લેગના રોગને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. 1949માં મેવાડ રાજ્યનું પાટનગર  બન્યું હતું.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા