પાલમપુર : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું સૌંદર્યધામ. ભૌ. સ્થાન : 32o 07′ ઉ. અ. અને 76o 32′ પૂ. રે.. તે રાજ્યના કાંગરા વૅલી વિસ્તારમાં 1,219 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ચાના બગીચા તથા પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલા પાલમપુરની પાછળ આખુંય વર્ષ હિમાચ્છાદિત રહેતાં શિખરોવાળી ધવલધર પર્વતમાળા આવેલી છે. તે કુલુ, સિમલા, ધરમશાલા તથા કાંગરા સાથે ભૂમિમાર્ગે જોડાયેલું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ચામુંડાદેવીનું મંદિર, બૈજનાથ, જોગીન્દરનગર, એન્ડ્રેરા, બંદલા તથા ન્યુગાલખંડનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ માટે અહીં ખાનગી હોટેલ તથા ટૂરિસ્ટ બંગલાની વ્યવસ્થા પણ છે. અહીંની વસ્તી 2011 મુજબ 40,385 હતી.
ગિરીશભાઈ પંડ્યા