પારેખ, માધવી (જ. 23 માર્ચ 1942, સંજાયા, જિ. ખેડા) : ગુજરાતનાં મહિલા-ચિત્રકાર. તેમનું બાળપણ ગામ અને ખેતરોમાં તથા વગડામાં રખડવામાં, ડાળીઓ પરથી આંબલી તોડવામાં અને ફૂલો એકઠાં કરવામાં વીત્યું. આ બધી ક્રીડાઓ પુખ્ત વયે માધવીની સર્જનશક્તિને યોગ્ય દિશામાં વાળવામાં કારણભૂત બની. માધવીએ કળાનું કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવા છતાં 1960 પછી ઉત્તરોત્તર પ્રગતિ સાધીને તેઓ આજે ભારતનાં ટોચનાં કળાકારોની હરોળમાં મુકાયાં છે. માધવીના પતિ જાણીતા ચિત્રકાર મનુ પારેખે માધવીની કલામાં જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું. શરૂઆતથી જ માધવીની કલામાં બુદ્ધિવાદનો પ્રતિકાર દેખાય છે. પોતાના વતનમાં લોકોના સામૂહિક અચેતન મનમાં ધરબાયેલાં કલ્પનોને માધવીએ કૅન્વાસ પર ઉતારવાં શરૂ કર્યાં. લોકકલા કે આધુનિક કલા વિશે શરૂઆતમાં તેઓ અજ્ઞાત હતાં, તેથી તેમનું સર્જનકાર્ય ખૂબ સહજ અને મનોરમ થયું છે. માધવીનાં ચિત્રોનાં કલ્પનોમાં વારંવાર ડોકાતાં નાગ અને ગર્ભવતી સ્ત્રીનાં કલ્પનોનો ખુલાસો નાગપંચમી ઉત્સવમાં તેમજ કૃષ્ણના કાલિયનાગદમનમાં પણ જોઈ શકાય.
આ ઉપરાંત તેમનાં ચિત્રોમાં પૌરાણિક હિંદુ કથાઓ, ઈસપની કથાઓ અને કપોલકલ્પિત વિચિત્ર જનાવરો નજરે પડે છે. આ ઉપરાંત શુભ મનાતાં હિંદુ ધર્મનાં ચિહનો, સુશોભન-રચનાઓ અને પ્રજનન-પ્રતીકો માધવીનાં ચિત્રોમાં ઠેર ઠેર નજરે પડે છે.
માધવીને 1975માં ભારત-કેન્દ્રીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ અને વિમેન્સ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ઍવૉર્ડ મળેલા છે. દિલ્હી ખાતે આવેલી નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમની કલાકૃતિઓ કાયમી સ્થાન પામી છે.
આ ઉપરાંત જર્મનીના રેઇડ મ્યુઝિયમમાં પણ તેમની કળાકૃતિઓ છે. તેમણે 1973માં કૉલકાતામાં તથા 1975માં દિલ્હી અને મુંબઈમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં.
માધવીનાં ચિત્રોમાં નારીજીવનની સંવેદનાઓ આયતનાઓ મુખર બનતી જણાય છે.
અમિતાભ મડિયા