પારેખ, કિશોર (જ. – 1930, ભાવનગર, ગુજરાત; અ. – 1982) : ભારતના અગ્રણી ફોટોગ્રાફર અને ફોટોજર્નાલિસ્ટ. ભાવનગરમાં તેમનો જન્મ અને ઉછેર. અહીં અભ્યાસ વેળા તેમણે ફોટોગ્રાફી શરૂ કરી.
1955માં ફોટોગ્રાફીના ગહન અભ્યાસ માટે અમેરિકા ગયા. કૅલિફૉર્નિયામાં લૉસએન્જલસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયામાં પાંચ વરસ સુધી ડૉક્યુમેન્ટરી (દસ્તાવેજી) ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગ (ફિલ્મનિર્માણ) વિષયોનો અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમિયાન વિખ્યાત ફોટો-મૅગેઝિન ‘લાઇફ’માં તેમનો એક ફોટોગ્રાફ ડબલસ્પ્રેડ રીતે એટલે કે સામસામા બે પાનાંમાં બંને પાનાને છેડા સુધી પૂરા રોકી લે તે રીતે, ફોટો-એસે (ફોટા વિશે ફોટોગ્રાફરના નિબંધ) સાથે છપાયો અને અમેરિકામાં તેમને ખ્યાતિ મળી. ‘લાઇફ’ મૅગેઝિને તેમને સવેતન ઇન્ટર્નશિપ આપી.
કિશોર પારેખ 1960માં ભારત પાછા ફરીને 1969માં ખ્યાતનામ અખબાર ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ચીફ ફોટોગ્રાફર તરીકે જોડાયા. તેઓ બીજા તમામ ફોટોગ્રાફરોને પણ અચૂક ક્રૅડિટ આપતા, ફોટોનું કદ મોટું છપાવતા અને ફોટો-એસે સાથે છપાવતા. આ જોઈને ભારતનાં બીજાં અખબારો પણ પારેખના આ વલણને અનુસર્યાં. અખબારોમાં ફોટોગ્રાફરોની માંગ, મહત્ત્વ વધ્યાં. 1962માં ભારત-ચીન યુદ્ધ અને 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધનું તેમણે ફોટોગ્રાફિકલ દસ્તાવેજીકરણ કર્યું. યુદ્ધની વરવી વાસ્તવિકતાને તેમણે ફોટોગ્રાફીમાં દર્શાવી. સૈનિકોના ચહેરા પરનાં થાક, હતાશા, તણાવ, વિહવળતા તેમાં સ્પષ્ટ થયાં. 1966-67માં બિહારમાં પડેલા ભીષણ દુકાળ વેળા મૃતપ્રાય હાલતમાં જીવતા લોકોની લાચારી અને કરુણતાને તેમણે ફોટોગ્રાફી મારફતે ઉજાગર કરી. 1966માં તાશ્કંદ ખાતે સોવિયેત સંઘમાં યોજાયેલ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાયેલી શાંતિ-વાટાઘાટનું ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ પારેખે કર્યું. તેમાં ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જીવનના અંતિમ દિવસો અને અંતિમ પળોની પારેખે પકડેલી ઝલક ખાસ નોંધનીય બની. આ તસવીરો બદલ ‘સોવિયેત લૅન્ડ’ મૅગેઝિને તેમને ગોલ્ડ મેડલ આપ્યો. અગાઉ જવાહરલાલ નહેરુની પણ પારેખે ખૂબ લાક્ષણિક તસવીરો લીધી હતી, જેમાં તેમના વિવિધ મનોભાવ વ્યક્ત થયા હતા. સુરક્ષા અધિકારીઓની મનાઈ છતાં નહેરુ પારેખને ખૂબ નજીક આવવાની છૂટ આપતા. 1964માં નહેરુના થયેલા મૃત્યુ લગી પારેખે તેમની અનેક તસવીરોમાં અનેક મનોભાવ અને અદાઓ કંડારી.
હિંદુસ્તાન ટાઇમ્સમાં છ વર્ષ કામ કર્યા પછી પારેખ 1967માં હૉંગકૉંગ ખાતેના ‘એશિયા મૅગેઝિન’માં ફોટો એડિટર તરીકે જોડાયા. (નોબેલ પારિતોષિક વિજેતા પર્લ બક તેના તંત્રીમંડળમાં સામેલ હતા. આ મૅગેઝિનની સ્થાપના 1898માં અમેરિકન એશિયાટિક ઍસોસિયેશને કરી હતી) પારેખ સહકુટુંબ હૉંગકૉંગમાં સ્થિર થયા. 1967થી 1971 – એમ ચાર વર્ષ પારેખે તેમાં કામ કર્યું. 1970માં પાકિસ્તાનના પૂર્વ બંગાળ પ્રાંત(હાલના બાંગ્લાદેશ)માં પાકિસ્તાની લશ્કરના ક્રૂર જુલમના અહેવાલ સાંપડતાં હૉંગકૉંગથી વાયા કૉલકાતા ભારતના લશ્કરી હેલિકૉપ્ટરમાં ઢાકા પહોંચ્યા.
કિશોર પારેખે પાકિસ્તાની લશ્કરના સૈનિકો દ્વારા પૂર્વ બંગાળના સ્થાનિક લોકો પર આચરવામાં આવેલાં અમાનુષી દમન, પાશવી કૃત્યો તથા મહિલાઓ પરના સામૂહિક બળાત્કારનાં દૃશ્યોની તસવીરો ઝડપીને વિશ્વ સમક્ષ મૂકી. આ માટે તેમણે ચોરીછૂપીથી પોતાના કૅમેરા-રોલ કૉલકાતા સ્મગલ કરવા પડેલા. સમગ્ર વિશ્વનાં અખબારો અને ટેલિવિઝનમાં આ તસવીરો પ્રસિદ્ધ થઈ. 1971ના જાન્યુઆરીમાં પૂર્વ બંગાળ ખાતેના પાકિસ્તાની લશ્કરના 93,000 સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું તે ઘટનાને પણ પારેખે કૅમેરા વડે ઝડપીને કચકડે કંડારી. આ તસવીરો પણ દુનિયાભરનાં અખબારો અને ટેલિવિઝનમાં પ્રસિદ્ધ થઈ. પૂર્વ બંગાળમાં લશ્કરના ક્રૂર દમન, લોકોની યાતના અને તારાજીની આ હૂબહૂ તસવીરો પારેખે 1972માં પોતાની ફોટો-બુક (પુસ્તક) ‘બાંગ્લાદેશ : એ બ્રુટલ બર્થ’માં પ્રસિદ્ધ કરી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની તત્કાલીન ભારત સરકારે તરત જ આ પુસ્તકની વીસ હજાર નકલ ખરીદી લીધી. આ પુસ્તક ઉપશીર્ષક ‘બાંગ્લાદેશ લિબરેશન વૉર’ હેઠળ જાણીતું બન્યું છે.
પારેખના ફોટોગ્રાફ સન્ડે ટાઇમ્સ, લાઇફ, ટાઇમ, નૅશનલ જ્યોગ્રોફિક મૅગેઝિન, સ્ટર્ન, પોપ્યુલર ફોટોગ્રાફી જેવાં ટોચનાં ફોટો-મૅગેઝિનોમાં પ્રસિદ્ધ થયા. 1972 પછી પારેખે ફૅશન ફોટોગ્રાફી અને હિમાલયના કુદરતી સૌંદર્યની ફોટોગ્રાફી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હિમાલયમાં પરિભ્રમણ કરતી વેળા 1982માં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના અવસાન સમયે તેમનો પુત્ર સ્વપન સોળ વર્ષની ઉંમરનો હતો, તેણે આગળ જતાં એક ફોટોગ્રાફર તરીકે ખાસ્સું કાઠું કાઢ્યું.
અમિતાભ મડિયા