પારુલ, વિનોદ (જ. 1938, અમદાવાદ; અ. 1998) : ગુજરાતી ચિત્રકાર. મૂળ નામ વિનોદ બ્રહ્મભટ્ટ, પરંતુ બદલેલી અટક ‘પારુલ’ વડે તે જાણીતા થયા. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં તેમણે બે વર્ષ અભ્યાસ કરી ‘આર્ટ માસ્ટર’નો ડિપ્લોમા મેળવ્યો. આ પછી તેમણે થોડાં વરસ અમદાવાદની વિવિધ શાળાઓમાં ચિત્રકળાના શિક્ષકની કામગીરી બજાવી.
તેમણે વિપુલ સંખ્યામાં ચિત્રોનું સર્જન કર્યું છે. ચિત્રકાર પીરાજી સાગરાને ગુરુપદે સ્થાપી આધુનિક કલાના અનેક પ્રયોગો કર્યા છતાં માધ્યમ સાથેની કે સપાટીની તોડફોડ ન કરતાં રંગ અને રેખા પરત્વે જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વિનોદ પારુલનાં ચિત્રોનો મુખ્ય વિષય સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામીણ તથા આદિવાસી લોકો અને તેમનું જીવન રહ્યાં છે. એ લોકજીવનના ચિત્રણની તેમની આગવી શૈલીમાં રંગો સુંવાળા ઉપરાંત અસાધારણ ભભકવાળા તેજસ્વી હોય છે અને જાડી કાળી રેખા વડે આ રંગો ભરેલા આકારને બાંધે છે. પહેલી નજરે દર્શક જરા ઓઝપાઈ જાય તેવી અસર ઊભી થાય છે. સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રપરિધાનમાં તેમનો ઊંડો રસ ચિત્ર જોતાં પરખાઈ આવે છે. મૌખિક વિગતો અને ભાવોને તે ટાળે છે, એટલે કે તે ઈંડા જેવું સપાટ મોં ચીતરે છે અને આંખ, નાક, હોઠ, ભ્રમર જેવી વિગતો જોવા મળતી નથી. પારુલને વ્યક્તિવિશેષમાં નહિ, પણ સમગ્ર જાતિ કે કોમના વ્યક્તિત્વમાં રસ હોય છે.
પારુલ સારા ફોટોગ્રાફર હતા. તેમણે ગુજરાતનો ખૂણેખૂણો ખૂંદી વળી ફોટોગ્રાફી કરી હતી. અમદાવાદની ‘નિહારિકા’ અને ‘કર્ણાવતી કૅમેરા ક્લબ’ના તેઓ સક્રિય સભ્ય હતા. ચિત્રો ચીતરવા માટે ઘણી વાર તેઓ પોતાના ફોટોગ્રાફોનો આધાર લેતા, અને એ રીતે તે ફોટોગ્રાફીનો સ્કેચિંગના વિકલ્પ તરીકે ઉપયોગ કરતા. જીવનનાં છેલ્લાં ચાર વરસોમાં તેમણે અમદાવાદના નીચલા સ્તરના લોકોના જીવનનું આલેખન કૅન્વાસ પર કરવા માંડ્યું હતું.
પારુલે અમદાવાદ અને મુંબઈમાં 1971, ’72, ’73, ’76, ’85, ’91, ’94 અને 1996માં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં હતાં. 1977માં દુબઈમાં તથા અમેરિકામાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં હતાં. 1975માં તેમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો.
હૈદરાબાદ મ્યુઝિયમ, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, ગુજરાત રાજ્યનું રાજભવન તથા દુબઈના રાજવી મ્યુઝિયમમાં તેમનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે. 1998માં હૃદયરોગના હુમલાથી તેમનું અકાળ અવસાન થયું.
અમિતાભ મડિયા