પારીમૂ રતન (જ. 1932, શ્રીનગર)
January, 1999
પારીમૂ, રતન (જ. 1932, શ્રીનગર) : મહત્વના કળાશિક્ષક તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત કળા-ઇતિહાસકાર. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા ડૉક્ટર. પિતાની શરૂઆતની નારાજગી પછી 1952માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં જોડાયા અને ચિત્રકળામાં બેન્દ્રેસાહેબની નિગરાની હેઠળ સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી કૉમનવેલ્થ સ્કૉલરશિપ મેળવીને લંડન જઈ લંડન યુનિવર્સિટીમાં કળા-ઇતિહાસના અનુસ્નાતક થયા અને લંડનમાં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. ભારત પાછા આવીને વડોદરામાં માતૃસંસ્થા ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કળા-ઇતિહાસ વિભાગના વડા તરીકે જોડાયા. શિસ્ત અને પોતાના પ્રયત્નોથી તેમણે આ વિભાગને આંતરરાષ્ટ્રીય નામના અપાવી. પોતાના અને સાથીઓના એકલદોકલ પ્રયત્નોથી અને આછાંપાતળાં નાણાભંડોળોથી દૃશ્ય કળાઓનો પુરાવસ્તુભંડાર(archives) ઊભો કર્યો, જે ભારતભરમાં પ્રથમ હતો. આ ઉપરાંત ભારતભરમાં આધુનિક ભારતીય કળા પર પીએચ.ડી. કરવામાં પણ પારીમૂ પ્રથમ હતા. 1973માં તેમની આ થીસિસ ‘આર્ટ ઑવ્ થ્રી ટાગોર્સ : અવનીન્દ્રનાથ, ગગનેન્દ્રનાથ, રવીન્દ્રનાથ’ એ નામે પ્રગટ થઈ. આ પછી 1957માં ‘સ્ટડીઝ ઇન મૉડર્ન ઇન્ડિયન આર્ટ’ શીર્ષક હેઠળ 9 વિવેચનાત્મક લેખો પ્રસિદ્ધ કર્યા. આ પછી તો પ્રશિષ્ટ ભારતીય શિલ્પ અને ચિત્ર વિશે તેમનાં લખાણોનો અવિરત પ્રવાહ વહેવો શરૂ થયો. પ્રત્યેક શનિવારે ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં યોજાતા ‘સૅટરડે સેશન’ના પરિણામે કળાકારો અને વિદ્વાનોનો ચર્ચામંચ ઊભો થયો. ‘જાતક સ્ટોરીઝ ઇન ઇન્ડિયા ઍન્ડ એશિયા’ને કારણે તેમને જવાહરલાલ નેહરુ ફેલોશિપ મળી.
પારીમૂએ ચિત્રકળાની આજીવન ઉપાસના પણ કરી છે. તેમાં ભારતીય લઘુચિત્રશૈલીથી માંડીને વાસ્તવવાદ અને આધુનિક પ્રવાહો સુધીનું વૈવિધ્ય જોવા મળે છે; પરંતુ તેઓ પોતાનું ખરું યોગદાન અમૂર્ત ચિત્રકળામાં હોય એમ માને છે.
પોતાની જાતના મનોવિશ્લેષણમાંથી તેમણે આત્મચિત્રોની એક વિશાળ શ્રેણી 1970 પછી તૈયાર કરી. આ શ્રેણીને તેમણે ‘ઇકેરસ ટ્રાન્સફૉર્મ્ડ’ નામ આપ્યું છે. 1980 પછી ચિત્રો દોરવાનું ઘટ્યું, કારણ કે ઘણો બધો સમય કળા-ઇતિહાસના શિક્ષણ, કળા-સંશોધનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને કળા-ઇતિહાસનાં લેખો અને પુસ્તકોનાં લખાણ અને સંપાદનમાં વ્યતીત થતો હતો.
તેમણે ગુજરાતને જ આજીવન પોતાની કર્મભૂમિ માની છે, ગુજરાતી ચિત્રકાર અને મુદ્રણક્ષમ કળાનાં સર્જક નયના દલાલ સાથે લગ્ન કર્યું છે. પુત્રી ડૉ. ગૌરી પારીમૂ સિંગાપુરના રાષ્ટ્રીય મ્યુઝિયમનાં ક્યૂરેટર અને કળાકૃતિઓનો વેપાર કરનાર સૉધબી(Sotheby)નાં એજન્ટ છે.
માધવીના ચિત્રોમાં નારી જીવનની સંવેદનાઓ અને યાતનાઓ મુખર બનતી જણાય છે.
અમિતાભ મડિયા