પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio)
January, 1999
પારિસી જ્યૉર્જ્યો (Parisi, Giorgio) (જ. 4 ઑગસ્ટ 1948, રોમ, ઇટાલી) : પરમાણુઓથી ગ્રહો સુધીના પરિમાણની ભૌતિક પ્રણાલીઓમાં અવ્યવસ્થા અને ઉચ્ચાવચ(વધઘટ)ની પરસ્પર ક્રિયાની શોધ માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ સ્યુકુશે માનાબે તથા ક્લૉસ હૅસલમૅનને પૃથ્વીના હવામાન તથા વધતા જતા ઉષ્ણતામાનને લગતી મહત્વની શોધ માટે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
1970માં જ્યૉર્જ્યો પારિસીએ યુનિવર્સિટી ઑવ્ રોમ લા સેપિન્ઝામાંથી નિકોલા કાલિબોના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1971થી 1981 દરમિયાન તેમણે લૅબોરેટરી નૅસિયોનાલી દી ફ્રેસ્કાટીમાં સંશોધક તરીકે કાર્ય કર્યું. 1973–74 દરમિયાન તેઓએ યુનિવર્સિટી ઑવ્ કોલંબિયામાં મુલાકાતી વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી. 1976થી 1978ના સમયગાળામાં તેઓએ ફ્રેન્ચ સંશોધન સંસ્થાઓમાં સંશોધનકાર્ય કર્યું. 1981થી 1992 સુધી તેઓ યુનિવર્સિટી ઑવ્ રોમ તોર વગૉટામાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પૂર્ણ પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. હાલમાં તેઓ સેપિન્ઝા યુનિવર્સિટી ઑવ્ રોમમાં ‘પ્રોફેસર ઑવ્ ક્વૉન્ટમ થિયોરીઝ’ તરીકે કામગીરી બજાવે છે.
સંશોધનકાર્યમાં તેમના રસના વિષયોમાં આંકડાકીય ભૌતિકશાસ્ત્ર, ક્ષેત્ર સિદ્ધાંત, ગતિમાન પ્રણાલીઓ, ગાણિતિક ભૌતિકશાસ્ત્ર તથા સંઘનિત દ્રવ્ય ભૌતિકશાસ્ત્રનો સમાવેશ થાય છે. તેઓ પ્રચક્રણ કાચને લગતાં સંશોધનો માટે જાણીતા છે. તેમણે કણ ભૌતિકશાસ્ત્ર તથા ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રમાં પણ પ્રદાન કર્યું છે.
જ્યૉર્જ્યો પારિસી ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, અમેરિકન ફિલૉસૉફિકલ સોસાયટી તથા અમેરિકાની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સભ્ય છે. 1992માં તેમને બોલ્ટ્ઝમૅન ચંદ્રક તથા 1999માં ડિરાક ચંદ્રક પ્રાપ્ત થયા. 2002માં તેમને એન્રિકો ફર્મી પુરસ્કાર તથા 2005માં ડૅની હાઈનમૅન પુરસ્કાર એનાયત થયા. 2005માં નોનિનો પુરસ્કાર (ઇટાલિયન માસ્ટર ઑવ્ અવર ટાઇમ) તથા 2007માં માઇક્રોસૉફ્ટ પુરસ્કાર પ્રાપ્ત થયા. 2009માં તેમને લાગ્રાન્જ પુરસ્કાર તથા 2011માં મૅક્સ પ્લૅન્ક ચંદ્રકથી બહુમાન થયું. આ ઉપરાંત તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વૈજ્ઞાનિક સંશોધનોને ઉત્તેજન મળે તે માટે ઇટાલિયન સરકાર તરફથી વધુ ને વધુ નાણાકીય ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે જ્યૉર્જ્યો પારિસી સતત પ્રયત્નશીલ છે.
પૂરવી ઝવેરી