પારસમણિ (1914) : અસમિયા કૃતિ. અસમિયાનાં પ્રસિદ્ધ કવયિત્રી નલિનીબાલાદેવીના આ કાવ્યસંગ્રહમાં એક તરફ મધ્યકાલીન ભક્ત કવિમાં હોય છે તેવો ઈશ્વરને મળવાનો તલસાટ અને પ્રકૃતિતત્વો દ્વારા પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવાની તથા એમાં વિલીન થઈ જવાની ઊર્મિ સચોટતાથી વ્યક્ત થયાં છે. કાવ્યોમાં ભક્તિનો સૂર એટલો તો પ્રબળ છે કે એ અર્વાચીન કવયિત્રી છે એવું લાગે જ નહિ. આ સંગ્રહની બીજી એક વિશેષતા એ છે કે અસમિયા કવિતાસાહિત્યમાં પ્રથમ વાર દેશભક્તિનાં ગીતો આ સંગ્રહમાંથી મળે છે. એક રીતે કહીએ તો અર્વાચીન અસમિયા કવિતાનો આવિર્ભાવ નલિનીબાલાનાં ‘પારસમણિ’ કાવ્યો દ્વારા થયો. એમાં દેશભક્તિની ઊર્મિ ભક્તિ જેવી જ પ્રબળ છે. એમનાં દેશભક્તિનાં ગીતો માટેની પ્રેરણા એમને બંગભંગના આંદોલનમાંથી મળેલી. એમનાં રાષ્ટ્રભક્તિનાં ગીતોમાં બંગભંગ-આંદોલનમાં જેઓ શહીદ થયાં તેમનાં પ્રશસ્તિ-ગીતો પણ છે.
ચન્દ્રકાન્ત મહેતા