પાયાની સવલતો (infrastructure)
January, 1999
પાયાની સવલતો (infrastructure) : અર્થતંત્રમાં રહેલાં માળખાંમાંથી મળતી એવી સેવાઓ જે ખરીદનાર અને વેચનાર વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને સરળ બનાવે છે.
પાયાની સેવાઓમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. પહેલાં તેના માટે ‘સ્થિર સામાજિક મૂડી’ શબ્દ વપરાતો હતો. કેટલીક વખત પાયાની સેવાઓને આર્થિક અને સામાજિક – એવા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે.
પાયાની આર્થિક સેવાઓમાં સમાવિષ્ટ સેવાઓ આ પ્રમાણે છે :
(1) જાહેર ઉપયોગિતાઓ : તેમાં વીજળી, સંદેશાવ્યવહાર (ટેલિફોન, ટપાલ ઇ.), નળ દ્વારા પાણીપુરવઠાનો પ્રબંધ, ગંદકીના નિકાલનો અને એ રીતે સફાઈનો પ્રબંધ, પાઇપલાઇન દ્વારા ગૅસનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.
(2) જાહેર બાંધકામો : જમીનમાર્ગો, મોટા બંધો, નહેરો દ્વારા સિંચાઈ અને ડ્રેનેજ.
(3) પરિવહનનાં અન્ય ક્ષેત્રો : રેલવે, નગર-પરિવહન-સેવાઓ, બંદરો અને જળમાર્ગો, વિમાની મથકો.
પાયાની સામાજિક સેવાઓમાં શિક્ષણ અને તબીબી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પાયાની સેવાઓમાં આર્થિક સેવાઓ જ અભિપ્રેત હોય છે.
પાયાની સેવાઓમાં દેખીતી રીતે જ ઘણું વૈવિધ્ય છે, પણ તેમાં કેટલાંક લક્ષણો સમાન જોવા મળે છે; દા. ત., તેમાં કદવિસ્તારના લાભો મળતા હોય છે, એટલે કે જેમ જેમ આ સેવાઓનું ‘ઉત્પાદન’ વધતું જાય તેમ તેમ અમુક હદ સુધી એ સેવાના એકમદીઠ ખર્ચ ઘટતું જાય છે. અમુક હદ સુધી વીજળીના ઉત્પાદનમાં વધારો થાય તો વીજળીના એકમદીઠ થતું ઉત્પાદનખર્ચ ઘટે છે. બે શહેરો વચ્ચે પાકો રસ્તો તૈયાર થયા પછી તેના પર દોડતાં વાહનોની સંખ્યા વધતાં, રસ્તો બાંધવા માટે રોકવામાં આવેલી મૂડીનું વધુ વળતર સમાજને પ્રાપ્ત થાય છે. (રોકવામાં આવેલી મૂડી પરના વ્યાજનું ખર્ચ પરિવહનના એકમદીઠ ઘટે છે.)
આ સેવાઓની એક બીજી લાક્ષણિકતાને ‘બાહ્ય લાભો’ અથવા ‘સામાજિક લાભો’ તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે આ સેવાઓનો લાભ તેમના પ્રત્યક્ષ ગ્રાહકો પૂરતો મર્યાદિત રહેતો નથી, તેમના લાભો પરોક્ષ રીતે સમાજમાં વિસ્તરે છે.
આ સેવાઓ એક ત્રીજી લાક્ષણિકતા પણ ધરાવે છે. મોટાભાગની પાયાની સેવાઓ સરકાર દ્વારા કે જાહેર ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારત એનું ઉદાહરણ છે. પરંતુ ભારત સિવાયના અન્ય કેટલાક દેશોમાં ઉપર્યુક્ત સેવાઓમાંથી કેટલીક સેવાઓ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે; અલબત્ત, તેના પર સરકાર વત્તાઓછા પ્રમાણમાં નિયંત્રણો રાખતી હોય છે, કારણ કે આ સેવાઓના ઉત્પાદનમાં ઇજારાશાહી હોય છે. ભારતમાં પણ હવે જાહેર-ખાનગી-ભાગીદારીના નામ નીચે પાયાની સેવાનું ક્ષેત્ર ખાનગી સાહસ માટે ખોલવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય આવકમાં હિસ્સાની દૃષ્ટિએ તપાસીએ તો પાયાની સેવાઓનો હિસ્સો દેખીતી રીતે બહુ મોટો જણાતો નથી. 199૦ના અરસામાં નીચી આવક ધરાવતા વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય પેદાશમાં પાયાની સેવાઓનો હિસ્સો 7 %થી ઓછો હતો, મધ્યમ આવકજૂથના દેશોમાં એ હિસ્સો 9 %થી થોડો વધારે હતો, જ્યારે શ્રીમંત દેશોની રાષ્ટ્રીય આવકમાં તે 11 %થી વધારે હતો. આમ કેવળ રાષ્ટ્રીય આવકમાં હિસ્સાના આધારે તપાસતાં પાયાની સેવાઓ બહુ મહત્વની જણાતી નથી, પરંતુ દેશના આર્થિક વિકાસ સાથે પાયાની સેવાઓ ગાઢ રીતે સંકળાયેલી માલૂમ પડે છે. વિશ્વબૅંકે આપેલા અંદાજ પ્રમાણે પાયાની સેવાઓના ‘જથ્થા’માં થતો 1 %નો વધારો, રાષ્ટ્રીય પેદાશના 1 %ના વધારાની સાથે સંકળાયેલો છે. આને કારણે કેટલીક પાયાની સેવાઓ(રેલવે, વીજળી, સિંચાઈ તથા ટેલિફોન)માં રોકાયેલી મૂડીનું માથાદીઠ મૂલ્ય દેશની માથાદીઠ આવક સાથે વધતું જણાય છે. 199૦માં વિકસિત દેશોમાં માથાદીઠ આવક (આંતરરાષ્ટ્રીય ડૉલરમાં) 2૦,૦૦૦ ડૉલરની આસપાસ હતી. ઉપર્યુક્ત પાયાની સેવાઓમાં રોકાયેલી મૂડીનું માથાદીઠ મૂલ્ય 7,૦૦૦થી 9,૦૦૦ હજાર ડૉલર જેટલું હતું. બીજે છેડે બાંગ્લાદેશ જેવા અગ્નિ એશિયાના ગરીબ દેશો હતા, જ્યાં માથાદીઠ આવક 1,૦૦૦થી 1,2૦૦ ડૉલરની હતી અને પાયાની સેવાઓમાં માથાદીઠ મૂડીરોકાણ 12૦થી 2૦૦ ડૉલર જેટલું હતું.
દેશના આર્થિક વિકાસની સાથે પાયાની સેવાઓમાં થતું મૂડીરોકાણ વધતું જાય છે એ મુદ્દાનું સમર્થન બીજી રીતે પણ કરી શકાય તેમ છે. તેનાં બે ઉદાહરણો : વીજળી પેદા કરવાની ક્ષમતા દર દસ લાખની વસ્તીએ 1975માં નીચી આવક ધરાવતા દેશોમાં 41,૦૦૦ કિ.વૉ. હતી, તે 199૦ સુધીમાં વધીને 53,૦૦૦ કિ.વૉ. થઈ હતી. એ જ સમયગાળા દરમિયાન મધ્યમ આવક ધરાવતા દેશોમાં વીજળીની ઉત્પાદનક્ષમતા 1,75,૦૦૦ કિ.વૉ.થી વધીને 3,73,૦૦૦ કિ.વૉ. પર પહોંચી હતી. આની સરખામણીમાં ઊંચી આવક ધરાવતા દેશોમાં દસ લાખની વસ્તીદીઠ વીજળીની ઉત્પાદનક્ષમતા 199૦માં 21 લાખ કિ. વૉ. હતી.
બીજું ઉદાહરણ છે પાકા રસ્તાઓનું. નીચી આવક ધરાવતા દેશોમાં દર દસ લાખની વસ્તીએ 1975માં 3૦8 કિમી. લંબાઈના રસ્તાઓ હતા, 199૦માં તે 396 કિમી. લંબાઈના હતા. મધ્યમ આવક ધરાવતા દેશોમાં એ જ સમયગાળામાં રસ્તાની લંબાઈ (દર દસ લાખની વસ્તીએ) 1,15૦ કિમી.થી વધીને 1,335 કિમી. થઈ હતી. આની તુલનામાં 199૦માં શ્રીમંત દેશોમાં રસ્તાની લંબાઈ દર દસ લાખની વસ્તીએ 1૦,1૦6 કિમી. હતી.
ઉપર આપેલી વિગતોમાંથી એક મુદ્દો સ્પષ્ટ રીતે ઊપસી આવે છે : દેશના આર્થિક વિકાસ સાથે પાયાની સેવાઓમાં કેવળ નિરપેક્ષ રીતે જ વધારો થતો નથી, માથાદીઠ ધોરણે ગણતાં પણ તેમાં મોટો વધારો થાય છે. નીચી આવક ધરાવતા દેશો અને ઊંચી આવક ધરાવતા દેશો વચ્ચે પાયાની સેવાઓની તુલના કરવાથી એ સ્પષ્ટ થાય છે કે દેશના આર્થિક વિકાસ સાથે પાયાની સેવાઓ પાછળ માથાદીઠ ધોરણે ગણતાં મૂડીરોકાણમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે.
પાયાની સેવાઓ અને દેશના આર્થિક વિકાસ વચ્ચે ગાઢ સહસંબંધ જોવા મળે છે, પરંતુ તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાયો નથી, એટલે કે પાયાની સેવાઓનો વિસ્તાર આર્થિક વિકાસનું કારણ છે કે પરિણામ તે નક્કી કરી શકાયું નથી. એક મુદ્દો સ્પષ્ટ છે : પાયાની સેવાઓના પર્યાપ્ત વિસ્તાર વિના દેશમાં આર્થિક વિકાસને લાંબો સમય ટકાવી રાખી શકાય નહિ. એક ઉપમા દ્વારા આર્થિક વિકાસમાં પાયાની સેવાઓના મહત્વને સ્પષ્ટ કરી શકાય : પાયાની સેવાઓ ભલે વિકાસનું એંજિન ન હોય, તે આર્થિક પ્રવૃત્તિઓના સરળ સંચાલન માટે પૈડાંની કામગીરી તો બજાવે જ છે.
કેવળ આર્થિક વિકાસના દૃષ્ટિબિંદુથી જ નહિ, પર્યાવરણની જાળવણીના દૃષ્ટિબિંદુથી પણ પાયાની સેવાઓનો વિસ્તાર આવશ્યક બની જાય છે. પીવાનું ચોખ્ખું પાણી અને સફાઈ, પ્રદૂષણમુક્ત ઊર્જાસ્રોતો, ઘન કચરાનો સલામતીભર્યો નિકાલ, શહેરી વિસ્તારોમાં વાહનોની અવરજવરનું સુચારુ સંચાલન – આ બધી સેવાઓ દેશનાં તમામ આવકજૂથોને સારા પર્યાવરણના લાભ આપે છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાયાની કેટલીક સેવાઓ ગરીબો માટે સવિશેષ મહત્વની થઈ પડે છે. ગરીબોનો વસવાટ શહેરના ચોક્કસ વિસ્તારોમાં કેન્દ્રિત થયેલો હોય છે. મોટેભાગે એ વિસ્તારો ગંદા હોય છે અને ઉદ્યોગો દ્વારા સર્જાતા પ્રદૂષણથી ઘેરાયેલા હોય છે. તેથી શહેરી ગરીબોને કેટલીક પાયાની સેવાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવે તે ગરીબી-નિવારણના દૃષ્ટિબિંદુથી જરૂરી થઈ પડે છે.
વિકાસશીલ દેશોમાં ગ્રામીણ ક્ષેત્રમાં પ્રવર્તતી ગરીબીના નિવારણના દૃષ્ટિબિંદુથી કેટલીક પાયાની સેવાઓનો વિસ્તાર આવશ્યક અને ઉપયોગી થઈ પડે છે. આ દેશોમાં મોટાભાગના ગરીબો ગ્રામવિસ્તારોમાં વસે છે. તેમની આવક વધે તે માટે ખેતીના ક્ષેત્રે ઉત્પાદકતા વધે તથા કૃષિથી ઇતર ક્ષેત્રોમાં રોજગારી વધે તે જરૂરી હોય છે. ખેતીના ક્ષેત્રે વધતી ઉત્પાદકતા અને ગ્રામીણ ક્ષેત્રમાં સર્જાતી કૃષીતર રોજગારી પાયાની સેવાઓની પ્રાપ્યતા સાથે સંકળાયેલી છે. આના સંદર્ભમાં ચીનના ગ્રામીણ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સ્થપાયેલાં સાહસોનો દાખલો ટાંકી શકાય. ચીનનાં એ ગ્રામીણ સાહસોમાં 1૦ કરોડથી અધિક લોકો રોજગારી મેળવે છે, જે કુલ કામદારોના 18 % છે. ચીનમાં ગ્રામીણ ક્ષેત્રમાં આવશ્યક ન્યૂનતમ ધોરણે પરિવહન, સંદેશાવ્યવહાર અને વીજળીની સેવાઓ પૂરી પાડવામાં આવેલી છે.
ભારતમાં પાયાની સેવાઓ : ભારતમાં આયોજનના આરંભથી જ આર્થિક વિકાસમાં પાયાની સેવાઓના મહત્વનો સ્વીકાર કરવામાં આવેલો છે. વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં પાયાની સેવાઓ માટે જાહેર ક્ષેત્ર દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવ્યાં છે; દા. ત., 1961થી ’66ની ત્રીજી પંચવર્ષીય યોજનામાં જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કુલ ખર્ચમાંથી પાયાની સેવાઓ પાછળ 47 % જેટલાં નાણાં ખર્ચવામાં આવ્યાં હતાં. આ પાયાની સેવાઓમાં સિંચાઈ, વીજળી, પરિવહનસેવાઓ અને સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે. છઠ્ઠી પંચવર્ષીય યોજના(198૦થી ’85)માં જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કુલ ખર્ચમાં ઉપર્યુક્ત પાયાની સેવાઓનો હિસ્સો 54 %થી અધિક હતો. એકંદરે ભારતની પંચવર્ષીય યોજનાઓમાં જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કુલ ખર્ચના 48 %થી અધિક પાયાની સેવાઓ પાછળ ખર્ચાયા છે.
પંચવર્ષીય યોજનાઓમાં પાયાની સેવાઓને આપવામાં આવેલા ઊંચા અગ્રતાક્રમને કારણે ભારતમાં પાયાની સેવાઓનો મોટો વિસ્તાર થયો છે. 196૦માં ભારતમાં પાકા રસ્તાની લંબાઈ 2,54,446 કિમી. હતી, જે વધીને 2૦15માં 52.31 લાખ કિમી. થઈ હતી. ટેલિફોનનાં જોડાણો 1975માં 14.65 લાખ હતાં, તે વધીને 2૦15માં 2.5 કરોડ થયાં હતાં અને મોબાઇલ તો 1૦૦ કરોડનો આંક વટાવી ગયા હતા.
રમેશ ભા. શાહ