પાયરોલ્યૂસાઇટ : મૅંગેનીઝ માટેનું આર્થિક મહત્વ ધરાવતું ખનિજ. રામ્સ્ડેલાઇટ સાથે વિરૂપતાધારક. રાસાયણિક બંધારણ : મૅંગેનીઝ ડાયૉક્સાઇડ MnO2. સ્ફટિકવર્ગ : ઑર્થોરૉમ્બિક; MnO2ના સુવિકસિત સ્ફટિકો-પોલિયેનાઇટ (સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ) કુદરતમાં ભાગ્યે જ મળે છે. પાયરોલ્યૂસાઇટ સામાન્ય રીતે તો વિકેન્દ્રિત રેસાદાર અથવા વૃક્કાકાર આચ્છાદન-સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ ક્યારેક ટૂંકાથી લાંબા પ્રિઝમૅટિક સ્ફટિકો C અક્ષને સમાંતર લંબાયેલા તો ક્યારેક સમપરિમાણવાળા પણ મળે છે. મોટેભાગે તો તે દળદાર, ઘનિષ્ઠ, સ્તંભાકાર, કાંકરીમય, દાણાદાર, વૃક્ષાકાર કે અધોગામી સ્તંભના સ્વરૂપે મળે છે. ઘણી વાર તે મૅંગેનીઝનાં અન્ય ખનિજો (વિશેષે કરીને મૅંગેનાઇટ) પર પરરૂપ બની રહે છે. યુગ્મતા (૦31) અને (૦32) ફલક પર આપે છે, પરંતુ વિરલ હોય છે. આ ખનિજ અપારદર્શક હોય છે. સ્ફટિકો (11૦) ફલક પર સંભેદ દર્શાવે છે. ભંગસપાટી ખરબચડી હોય છે અને ખનિજ બરડ હોય છે. ચળકાટ ધાત્વિકથી ઝાંખો. રંગ : કાળો. અથવા પોલાદ જેવો ઘેરો રાખોડી. ચૂર્ણરંગ : કાળો અથવા ભૂરો કાળો. કઠિનતા : દળદાર-મૃદુ, 1થી 2; પકડવાથી આંગળીઓ પર ડાઘ પડે. સ્ફટિકો સખત 6થી 6.5. વિ. ઘ : સ્વરૂપભેદે 4.75થી 5.1 પ્રાપ્તિસ્થિતિ : પાયરોલ્યૂસાઇટ એ મૅંગેનાઇટ, સિલોમિલેન, રૉડોક્રોસાઇટ – અને રૉડોનાઇટ જેવાં મૅંગેનીઝનાં અન્ય ખનિજોની પરિવર્તન-પેદાશમાં પરિણમતું હોવાથી પરિણામી (secondary) ખનિજ છે. ખડકોમાં ફરતાં રહેતાં દ્રાવણો મારફતે દ્રવીભૂત થઈને મૅંગેનીઝ પાયરોલ્યૂસાઇટ તરીકે તડોની દીવાલો પર આચ્છાદન-રૂપે પુન:નિક્ષેપિત થાય છે અથવા તે સમુદ્રતળ પર ગઠ્ઠાઓ રૂપે એકત્રીકરણ પામે છે અથવા અવશિષ્ટ માટીમાં પડ રૂપે જમાવટ પામે છે.
પ્રાપ્તિસ્થાનો : મુખ્યત્વે રશિયા, ઘાના, ભારત, દ. આફ્રિકા, મોરૉક્કો, બ્રાઝિલ અને ક્યૂબા. આ ઉપરાંત તે યુ. એસ., કૅનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ચેક રિપબ્લિકન, સ્લોરૅકિઆ અને રુમાનિયામાંથી પણ મળે છે.
ઉપયોગો : પાયરોલ્યૂસાઇટનો મુખ્ય ઉપયોગ પોલાદ તૈયાર કરવા માટે વપરાતા સ્પિગેલીઝન અને ફેરોમૅંગેનીઝની બનાવટમાં થાય છે. ક્લોરિન, બ્રૉમીન અને ઑક્સિજનના ઉત્પાદનમાં તે ઑક્સિડાઇઝર તરીકે વપરાય છે. 8૦ % – 86 % MnO2વાળું અને Fe, A1 માત્રા 1૦ %થી ઓછી હોય એવું પાયરોલ્યૂસાઇટ વિદ્યુત-સેલ અને બૅટરી બનાવવામાં વપરાય છે. આ ઉપરાંત વિવિધ રાસાયણિક સંયોજનો, કાચ, રંગો અને રેણ કરવાના સળિયાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. કાચમાંની રંગનાબૂદી માટે પણ તે વપરાય છે.
ભારતમાં પાયરોલ્યૂસાઇટ અન્ય મૅંગેનીઝ-ખનિજો સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઓરિસામાં વધુ પ્રમાણમાં છે. આંધ્રપ્રદેશ, ગોવા, બિહાર, ગુજરાતમાં તે ઓછા પ્રમાણમાં છે. ગુજરાતમાં તે વડોદરા અને પંચમહાલમાં રહેલું છે. શિવરાજપુર, બામણકૂવા અને પાણી પાસે તેના અગત્યના જથ્થા આવેલા છે. ત્યાં તે બ્રૉનાઇટ સહિત મળે છે અને તેમાં 44 % – 5૦ % Mn, 3 % – 6 % Fe, 3 % – 11 % SiO2 અને ૦.15 %થી ૦.27 % P રહેલાં છે; અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનું આ ખનિજ કાર્યોપયોગી નીવડતું ન હોવાથી તેનું ખનનકાર્ય બંધ કરવામાં આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા