પાબ્ના : બાંગ્લાદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. 4,936 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો, ‘રાજશાહી’ વહીવટી વિભાગમાં આવેલો આ જિલ્લો પદ્મા (ગંગા નદીનો વિભાગ) અને જમુના (બ્રહ્મપુત્ર નદીનો વિભાગ) નદીના સંગમથી રચાતા ખૂણા પર વિસ્તરેલો છે. આ જિલ્લામાં ઘણી નદીઓ જાળ રૂપે ફેલાયેલી હોવાથી વર્ષાઋતુમાં અહીંનાં ઘણાં ગામો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર કરવી પડે છે.
જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અવારનવાર આવતાં પૂરનાં પાણી સાથે જમા થતા કાંપને લીધે જમીન ફળદ્રૂપ રહે છે. જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, કઠોળ, શેરડી અને શણનો સમાવેશ થાય છે. જિલ્લામાં શણની બનાવટો ઉપરાંત હસ્તકારીગરીની ચીજવસ્તુઓ જેવા મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ થયેલો છે.
પાબ્ના નગર 24o 01′ ઉ. અ. અને 89o 18′ પૂ. રે. પર પદ્માની ઉપનદી ઇચ્છામતીના કાંઠા પર વસેલું છે. 2022 મુજબ તેની વસ્તી 29.1 લાખ જેટલી હતી. નગરમાં ‘જોર બાંગલા’ નામનું પ્રાચીન હિંદુ મંદિર આવેલું છે. 1887માં તૈયાર કરાયેલું પાબ્ના જ્યુબિલી જળાશય પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે. નગરના મધ્યમાં એક ઉદ્યાન પણ છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ-સંસ્થાઓ ઉપરાંત રાજશાહી વિશ્વવિદ્યાલયને સંલગ્ન બે કૉલેજો પણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે