પાતુઆખાલી : બાંગ્લાદેશના ખુલના વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની ઉત્તર અને પૂર્વમાં બરીસાલ (બાકરગંજ) જિલ્લો, દક્ષિણે બંગાળાનો ઉપસાગર, નૈર્ઋત્યમાં ખુલના જિલ્લો આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 4,338 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર હારીનઘાટા, બિશખાલી અને બુરીશ્વર નદીઓનાં પૂરનાં મેદાનોથી બનેલો હોવાથી તે હકીકતમાં સુંદરવનનો એક ભાગ છે.

અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, શણ, શેરડી, નારિયેળ, મરચાં અને તમાકુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં મીઠા તથા ખારા જળની માછલીઓ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે.

પાતુઆખાલી (નગર) અરિયાલખાનના ફાંટારૂપ પાતુઆખાલી નદી પર આવેલું છે. ભૌગોલિક સ્થાન :2221′ ઉ. અ. અને90o 21′ પૂ. રે.. તે ડાંગર, શણ, તેલીબિયાં, શેરડી અને સોપારીના પાકોનું અગત્યનું વેપારી મથક છે. અહીં ચોખા છડવાની મિલો છે તથા દીવાસળી બનાવવાનું કારખાનું આવેલું છે. તે રસ્તા તથા નદી-જળ-માર્ગ મારફતે બરીસાલ સાથે જોડાયેલું છે. અહીં ઢાકા યુનિવર્સિટીને સંલગ્ન પાંચ કૉલેજો આવેલી છે. વસ્તી : 65 હજાર (2011)

ગિરીશભાઈ પંડ્યા