પાણીનું પ્રદૂષણ : સમુદ્રના પાણી સિવાયના પાણીનો ભાગ ખેતી તથા ઉદ્યોગમાં, પીવા વગેરેમાં વપરાય છે. વિશ્વની વસ્તીમાં થતો સતત વધારો તથા વધતું જતું ઔદ્યોગિકીકરણ – આ બંને કારણોસર પાણીની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે અને જે અનુપાત(ratio)માં આ બંનેમાં વધારો થઈ રહ્યો છે તેના પ્રમાણમાં જળ-પ્રદૂષણ ઘણું પ્રમાણબહાર વધતું જાય છે. આની વિશેષ અસર મોટાં શહેરોમાં દેખાય છે. જીવન ટકાવી રાખવા માટે પીવાયોગ્ય પાણી શુદ્ધ હોવું આવશ્યક અનિવાર્ય છે.

પ્રદૂષિત પાણી દ્વારા અનેક બીમારીઓ ફેલાય છે; દા.ત., ફ્લોરાઇડની અધિકતા(10 લાખમાં બે કે ત્રણ ભાગ)ને કારણે રાજસ્થાન, હરિયાણા તથા આંધ્રમાં અનેક લોકોને ફ્લોરોસિસ નામનો રોગ થયો છે. ઔદ્યોગિકીકરણને લીધે કારખાનાંઓમાંથી છોડાતાં પાણીમાં અનેક ક્ષારો, ઍસિડ તથા વિવિધ ઝેરી વાયુઓ ઓગળેલા હોય છે. આ દૂષિત જળ નજીકની નદીઓમાં ભળી તેમને પ્રદૂષિત કરે છે.

પાકનો નાશ કરતી જીવાતને મારવા માટે અનેક પ્રકારના કીટનાશકો (insecticides) કે જીવનાશકો (biocides) વપરાય છે. આ રસાયણો સિંચાઈના પાણી સાથે ભળી જમીનની નીચેના ભાગમાં વહી પાણીના મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ રસાયણો ખૂબ વિષાળુ હોઈ પાણીમાં તેમનો એક લાખમો ભાગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ આવું દૂષિત જળ કૂવાઓમાંથી સીધું કે હૅન્ડપમ્પ દ્વારા ખેંચી ફરી પીવા માટે વાપરવામાં આવે તો સ્વાસ્થ્ય અંગેના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઘણી વાર વરસાદી પાણી સાથે આ રસાયણો ભળી તે નદી, તળાવ કે સરોવરોના જળને પ્રદૂષિત કરે છે. પાણીમાં ભળેલા આ પદાર્થો મત્સ્ય-ઉદ્યોગ માટે પણ ખૂબ હાનિકારક હોય છે. કાનપુર, કૉલકાતા, મુંબઈ, અમદાવાદ જેવાં શહેરોમાં આ સમસ્યા વિકરાળ રૂપ લઈ રહી છે.

ખેતીમાં પ્રતિજીવી રસાયણોનો વધુ પડતો ઉપયોગ (પશ્ચિમના દેશોમાં) હાનિકારક જણાયો છે.

કાગળ કે લૂગદી, વસ્ત્ર, ખાંડ, ચામડું, વનસ્પતિ ઘી, પેટ્રોરસાયણો, દારૂ વગેરેનાં કારખાનાંઓમાંથી નીકળતા અપશિષ્ટો તથા ઉચ્છિષ્ટ પદાર્થો પણ નદીઓ તથા જળાશયોને પ્રદૂષિત કરે છે.

જળપ્રદૂષણના રાસાયણિક ઘટકો

રાસાયણિક ઘટક

મિગ્રા./ લિટર

ખૂબ સ્વચ્છ પાણી સાધારણ

શુદ્ધ

સામાન્ય

પાણી

સંદિગ્ધ

પાણી

દૂષિત

પાણી

1. જૈવિક-ઑક્સિજન માંગ (biochemical

oxygen demand, B. O. D.)

1.0 3.0 3.0 5.0 10.0
2. દ્રાવિત ઑક્સિજન 7.0 6.0 6.0 5.0 4.0
3. એમોનિયા 0.04 0.7 0.7 2.5 6.7
4. નાઇટ્રેટ 0.5 2.2 2.6 3.0 4.0
5. ફૉસ્ફેટ 0.05 0.5 1.0 2.0 4.0
6. તરતા ઘન પદાર્થો તથા કલિલીય કણો 2.0 14.0 17.0 21.0 35.0

એક બાજુ જળપ્રદૂષણ વર્તમાન ઔદ્યોગિકીકરણનો અભિશાપ છે, તો બીજી બાજુ આર્થિક ઉન્નતિ તથા રાષ્ટ્રીય સમૃદ્ધિ માટે ઔદ્યોગિકીકરણ પણ આવશ્યક છે. આ બંને પરિસ્થિતિઓમાં જળપ્રદૂષણ કેવી રીતે રોકવું તે આજનો પ્રાણપ્રશ્ર્ન  છે.

ભારતમાં લગભગ 80 % વસ્તી ગામડાંમાં રહે છે. તે કૂવા, વાવ, તળાવ કે નહેરનું પાણી વાપરે છે, જે અનેક જીવાણુઓથી પ્રદૂષિત હોય છે. તેમાંયે ખુલ્લા કૂવાનું પાણી વધુ હાનિકારક હોય છે. આને કારણે ઘણા ગ્રામવાસીઓ હાથીપગા જેવા રોગોથી પીડાય છે. એમ મનાય છે કે ભારતમાં એક લાખ વ્યક્તિ પૈકી 360 આંતરડાંના રોગોથી મરે છે. ગામડાંમાં ડહોળું પાણી શુદ્ધ કરવા ફટકડીનો ઉપયોગ થાય છે, જેનાથી જીવાણુઓ નીચે બેસી જાય છે, પણ નાશ પામતા નથી. પાણીને ક્લોરિન કે બ્લીચિંગ પાઉડરની માવજત આપવાથી જીવાણુઓનો સંપૂર્ણપણે નાશ કરી શકાય છે, પરંતુ પાણીમાં ક્લોરિનની વાસ આવવાથી તથા તેના સ્વાદમાં ફેર પડવાથી ગામડાંની પ્રજા આ પ્રથા સ્વીકારતી નથી.

ચર્મશોધન, વસ્ત્ર, ઊન તથા શણમાંથી નીકળતા અપશિષ્ટ પદાર્થોને લીધે કાનપુર પાસે ગંગાનું પાણી ખૂબ પ્રદૂષિત થાય છે. તે જ પ્રમાણે ખાંડનાં કારખાનાં, કાપડ-ઉદ્યોગ, વનસ્પતિ ઘી, પેટ્રોરસાયણો, દારૂ, લૂગદી તથા કાગળ બનાવનારાં કારખાનાંઓ, કૃત્રિમ રબરનાં કારખાનાંઓનું અપશિષ્ટ દ્રવ્ય તથા કોલસા ધોનારી ફૅક્ટરીમાંથી નીકળતી બારીક રાખ તથા ડી.ડી.ટી.નાં કારખાનાંમાંથી નીકળતા અપશિષ્ટ પદાર્થો પણ ગંગાજળને તથા તેની આસપાસનાં નાળાંઓને પ્રદૂષિત કરે છે.

ઘરાળુ કચરો, વાહિતમળ, કારખાનાંઓનાં અપશિષ્ટો નદીમાં મંદ (dilute) કરી, પમ્પ કરી ખેતી માટે દેવાય છે; પણ તે ખૂબ ખતરનાક છે અને આનાથી અનેક મહામારીઓ તથા ચામડીના રોગો ફેલાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં હુગલી ઉપર વસેલું કૉલકાતા પ્રદૂષણનું મુખ્ય કેન્દ્ર છે. નદીની બંને બાજુએ અનેક ઉદ્યોગો આવેલા છે. સોન નદી ઉપરનું દાલમિયાનગર, ગોમતી નદી ઉપરનું લખનૌ, દાહોહા નદી ઉપરનું બરેલી (ઉ. પ્ર.) વગેરે જળપ્રદૂષણ ફેલાવવા મોટેભાગે જવાબદાર છે. જમુના નદીમાં જળ દિલ્હીનાં ડી.ડી.ટી. બનાવનારાં કારખાનાંઓ દ્વારા, દામોદર નદીમાં બિહારના કોલસા-ક્ષેત્ર, બોકારો સ્ટીલ પ્લાન્ટ, સુપર ફૉસ્ફેટ બનાવતી ફૅક્ટરી વગેરે દ્વારા, ભદ્રા નદીમાં સીંદરીનાં કારખાનાં દ્વારા – એ રીતે અનેક ઉદ્યોગો દ્વારા નદીઓમાં પ્રદૂષણ ફેલાય છે. ગોદાવરી નદીનું પાણી આંધ્ર પેપર મિલ્સ દ્વારા, મુંબઈના ઉદ્યોગો દ્વારા દરિયાની ખાડીનું તથા કાલુ નદીનું પાણી પ્રદૂષિત થાય છે. કાલુ નદીમાં જ કારખાનાંના અપશિષ્ટો નંખાતાં તેના પાણીનું pH મૂલ્ય 1.2  2.4 થઈ ગયું છે એટલે કે આખી નદી તેજાબી બની ગઈ છે.

જૈવિક નિયંત્રણ અથવા ઔદ્યોગિક અપશિષ્ટ પદાર્થો માટે જીવનાશકો(biocides)નો ઉપયોગ હમણાંથી  વધી રહ્યો છે. આ જીવનાશકો બૅક્ટેરિયા-નાશક, કેટલાક પ્રકારની ફૂગ (mould) તથા ફૂગનાશીઓ હોય છે. તેમના ઉપયોગથી જનસ્વાસ્થ્ય ઉપર તથા નદીમાંના જીવો ઉપર વિનાશક પ્રભાવ પડે છે.

વાયરસ અથવા વિષાણુઓ જીવનના ઉંબરે ઊભેલા છે. કોશિકાઓની બહાર હોય તો તેઓ નિષ્ક્રિય હોય છે અને તેમાં કોઈ ઉત્સેચકનો અંશ હોતો નથી કે પુનર્જનનની શક્તિ હોતી નથી; પરંતુ જો તે જીવિત કોશિકાઓમાં પ્રવેશે તો જીવંત બની જાય છે તથા પુનર્જનનનો આરંભ કરી દે છે. તેમને સાધારણ સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાતા નથી, પરંતુ પચાસ હજારગણું આવર્ધન કરતાં જોઈ શકાય છે. બૅક્ટેરિયા અકાર્બનિક પોષક પદાર્થ મેળવીને પણ વધે છે, જ્યારે વિષાણુઓ કેવળ જીવિત કોશિકાઓમાં જ વધી શકે છે. ભિન્ન પ્રકારના વાયરસના વર્ધન માટે ભિન્ન ભિન્ન પ્રકારની કોશિકાઓની જરૂર પડે છે.

પાદપો, જંતુઓ, પક્ષીઓ તેમજ બૅક્ટેરિયા  દરેકને પોતપોતાના વિષાણુઓ હોય છે. આમ હજારો પ્રકારના વિષાણુઓ બધા જ પ્રકારનાં જીવજંતુઓ, કીટકો, પક્ષીઓ, માછલીઓ તથા પાલતુ જાનવરોને અસર કરે છે.

પોલિયો તથા કમળો ઉત્પન્ન કરનારા સંક્રામક યકૃતશોથ (કમળો) જેવા વાયરસો માનવીના પાચનતંત્રમાં રહે છે અને વધે છે તથા મળની સાથે માનવશરીરમાંથી બહાર નીકળી જઈ પાઇપો દ્વારા નદી-નાળાંઓમાં પહોંચે છે. કૂવા, તળાવ, નદી-નાળાં જેવાં જળાશયો પણ વિષાણુઓથી સંદૂષિત હોય છે. આંત્ર-વિષાણુ માત્ર રોગી જ નહિ, પરંતુ તંદુરસ્ત માનવી પણ મળ દ્વારા બહાર કાઢતો હોય છે. આ આંત્ર-વાયરસ દ્વારા વિકૃત થયેલ પ્રદૂષિત પાણી ઉકાળ્યા વિના કે ઉપચાર કર્યા વિના પીવાથી સ્વસ્થ શરીરવાળાં માનવોમાં પ્રવેશી તેમને વિપરીત અસર કરે છે. કોઈ વિપરીત અસર પામેલ વ્યક્તિના મળમાં લાખો વિષાણુઓ હોય છે. જીવિત આશ્રયથી બહાર નીકળી જતાં પ્રતિકૂળ પર્યાવરણમાં તે નાશ પામે છે. મળનિકાસ કરનાર પાઇપ કોઈ નદી-નાળા પાસે પહોંચે ત્યારે 1 લિટર પાણીમાં ચાર કે પાંચ વિષાણુઓ જ હોય છે; પણ જીવિત કોશિકાને સંક્રમિત કરવા એક વિષાણુ પણ પૂરતો હોય છે. માનવમળમાંથી ઉત્સર્જિત 100 પ્રકારના વિષાણુઓ પાણી દ્વારા ફેલાઈને પોલિયો, કમળો, આંત્રશોથ, અતિસાર વગેરે રોગો ફેલાવે છે. સંભવત: કૅન્સર પણ નીપજી શકે છે. લ્યૂકેમિયા, લિમ્ફોમા જેવાં કૅન્સરનું કારણ દૂષિત પાણી હોય તે સંભવિત છે.

પીવાના પાણીમાંના ફ્લોરાઇડને કારણે જુવાન માણસો કૂબડા તથા અલ્પાયુ બની જાય છે. રાજસ્થાનમાં 1945ના દુકાળ બાદ રઘુનાથ ગામની તળમાં રહેલું પાણી ખૂબ ફ્લોરાઇડ માત્રાવાળું બની જતાં, દસ-બાર વર્ષમાં તો લોકો કૂબડા બની ગયા. સ્ત્રીઓમાં વંધ્યત્વ વધતું ગયું. સામાન્ય રીતે ભૂમિજળમાં ફ્લોરાઇડની માત્રા 1.5 ppm હોય છે, જ્યારે રઘુનાથ ગામના પાણીમાં તે 300 ppm થઈ ગઈ હતી. અજ્ઞાનને કારણે આ દૈવી પ્રકોપ ગણાયો અને છેવટે પાણીમાં કંઈક પ્રદૂષણ હોવાની શંકા ગઈ અને ફ્લોરાઇડ કારણભૂત હોવાનું શોધાયું. પાકિસ્તાન સરહદ પાસે જેસલમેર અને બાડમેર જિલ્લાઓનાં પાણીમાં ક્ષારની માત્રા વધુ પડતી છે. વાંસવાડા, ડુંગરપુર, ઉદયપુર વગેરેનો આદિવાસી પટ્ટો ખૂબ વિચિત્ર બીમારીઓથી પીડાય છે. બારેમાસ ઊલટી તથા ઝાડાના કેસો, ઊંચું બાળમરણપ્રમાણ વગેરે માટે પ્રદૂષિત પાણી કારણભૂત છે.

વાહિત મળ દ્વારા ફેલાતા રોગોમાં ટાઇફૉઈડ, પૅરાટાઇફૉઈડ, દંડાણુઓ (bacillii)  દ્વારા નીપજતો અતિસાર (સંગ્રહણી) તથા કૉલેરા મુખ્ય છે.

ગટર સાફ કરનાર મજૂરો વાહિત મળના સંપર્કમાં આવતા હોવાથી ક્ષય, શ્વાસની બીમારી, ચામડીના રોગો, અનિદ્રા, ચક્કર, ઝાડા, પાચનતંત્રમાં ખામી, આંખો બળવી વગેરે બીમારીઓથી પીડાતા હોય છે. ઉપરાંત ગટરમાં કાર્બન મૉનૉક્સાઇડ, કાર્બનડાયૉક્સાઇડ, મિથેન વગેરે વાયુ ભેગા થવાથી તથા ઑક્સિજનની કમીને કારણે કેટલાયે મજૂરો મૃત્યુ પામે છે.

શુદ્ધ પીવાના પાણી સિવાય અન્ય જાતનાં જળમાધ્યમો દ્વારા ફેલાતી બીમારીનું કારણ (1) વાહિતમળ (sewage), (ii) માનવમળમૂત્ર તથા અવમળ (sludge), (iii) માનવમળમૂત્ર ખાનારી માખીઓના સંપર્કથી દૂષિત ફળો-શાકભાજી વગેરે, (iv) મળસંદૂષિત માટીનો સંસર્ગ, (v) પ્રદૂષિત જળથી સાફ કરેલાં પાત્રોમાં રાખવામાં આવેલ દૂધ જેવા ખાદ્ય પદાર્થો છે.

ક્ષયની હૉસ્પિટલોમાંથી નીકળતા વાહિતમળ દ્વારા સિંચેલાં ખેતરોમાં ચરનારી ગાયોના દૂધથી આ બીમારી ફેલાય છે; સુએઝના પાણીથી ઉગાડેલાં શાકભાજી કાચાં કે અર્ધ કાચાં પકાવી ખાવાથી આ રોગના વિષાણુઓ માનવશરીરમાં પ્રવેશે છે.

હમણાંથી સમુદ્રી પ્રદૂષણ પણ ધ્યાનપાત્ર બન્યું છે. છેલ્લાં 20 વર્ષમાં માછલી તથા પાદપો ઉત્પન્ન કરતા સાગરોની ક્ષમતા 30થી 50 ટકા ઘટી છે. સમુદ્રી પાણીમાં ઑક્સિજનની માત્રા ખૂબ ઘટી છે.

જળપ્રદૂષણ-નિયંત્રણ મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે : (1) નદીઓ તથા જળાશયોમાં સ્વત: શુદ્ધીકરણની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે; જેમાં સૂર્યપ્રકાશ, હવા તથા સૂક્ષ્મ વનસ્પતિ-જીવો સહાયક હોય છે; તેથી તેમના પર્યાવરણનું રક્ષણ કરવાથી. (2) જળને વિવિધ સ્તરે શુદ્ધ કરીને વપરાશમાં લેવાથી.

જ. પો. ત્રિવેદી