પાંડુરોગ અને કમળો (anaemia & jaundice) : રક્તક્ષયથી થતો રોગ. ‘પાંડુ’ શબ્દનો અર્થ છે સફેદાઈવાળો પીળો, ફિક્કો રંગ. શરીરમાં ફિક્કાશ કે થોડી પીળાશ લાવતો રોગ. આ રોગ શરીરમાં લોહીની અછત કે રક્તક્ષયથી ઉત્પન્ન થાય છે.
પ્રકારો : આયુર્વેદને મતે પાંડુરોગ પાંચ પ્રકારનો થાય છે : (1) વાતદોષજન્ય, (2) પિત્તદોષજન્ય, (3) કફદોષજન્ય, (4) ત્રિદોષજન્ય અને (5) માટી ખાવાથી (મૃદભક્ષણજન્ય).
રોગનાં કારણો : આયુર્વેદવિજ્ઞાનના મતે પાંડુરોગ મૈથુનનો અતિરેક થવાથી; ખોરાકમાં ખાટા, ખારા, તીખા-તીક્ષ્ણ પદાર્થોનું વધુ સેવન કરવાથી, અતિ મદ્યપાનથી, દિવસે સૂવાની ટેવથી અને માટી ખાવાની ટેવથી થાય છે.
રોગની ઉત્પત્તિ (સંપ્રાપ્તિ) : પિત્તદોષ જ્યારે શરીરમાં વધુ પ્રકુપિત થાય છે, વધી જાય છે, ત્યારે તેનાથી શરીરમાં ભારેપણું અને શિથિલતા પેદા થાય છે. ત્યારબાદ દર્દીના વર્ણ (રંગ), બળ, સ્નેહ (ચીકાશ) તથા ઓજનો ક્ષય થાય છે. તેથી દર્દીના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. તે સાથે તેના શરીરમાં ચરબી અને બળ પણ ઘટી જાય છે. તે શિથિલ ઇંદ્રિયોવાળો અને ફિક્કો બને છે. આ રોગમાં હૃદયમાં રહેલું પિત્ત બળવાન વાયુ દ્વારા દેહની ધમનીઓમાં ફેંકાય છે અને તે રક્ત સાથે મળી આખા શરીરમાં ફેલાય છે. તેથી દેહમાં કફ, વાત, લોહી, ત્વચા અને માંસ જેવી ધાતુઓમાં વિકૃતિ પેદા કરી, શરીરનો રંગ પીળો, લીલો કે હળદરિયો બનાવે છે.
રોગનાં સામાન્ય લક્ષણો : પાંડુરોગમાં મંદાગ્નિ, નબળાઈ, અંગોમાં થકાવટ, કાનમાં અવાજ થવો, શ્રમ વિના થાક લાગવો, ચક્કર, અંગોમાં શૂળ-પીડા, તૂટ; વારંવાર તાવ આવવો, શ્વાસ ચડવો, શરીર ભારે લાગવું, અરુચિ થવી, આંખ ફરતે સોજો, વાળ ખરવા, કાંતિ વિલાઈ જવી, ક્રોધ થવો, ઠંડી ન ગમવી, ઊંઘ વધુ આવવી, મુખમાં થૂંક આવવું, ઓછું બોલવું, પગની પિંડીઓમાં પીડા; કમર, સાથળ અને પગમાં શૂળ અને શૂન્યતા, ચઢાણ ચડતાં શ્રમ અને શ્વાસ જેવાં લક્ષણો ખાસ થાય છે.
રોગનાં પૂર્વલક્ષણો : પાંડુરોગ ખરા રૂપમાં પ્રગટ થાય તે પહેલાં શરીરમાં હૃદયનો થડકો (સ્પંદનો) થવો, રુક્ષતા વધવી, પરસેવો ન થવો, થાક લાગવો, ત્વચા ફાટવી, થૂંક આવવું, અંગોમાં પીડા, માટી ખાવાની ઇચ્છા થવી, આંખ પર સોજો, ઝાડો-પેશાબ પીળા રંગના થવા અને અપચો જેવાં લક્ષણો પ્રગટે છે.
પાંડુરોગના પ્રકારો મુજબ લક્ષણો : (1) વાતિક પાંડુ : આ પ્રકારમાં ત્વચા, મૂત્ર અને આંખ વગેરે વધુ લૂખાં, શ્યામ કે આછા ગુલાબી રંગનાં થાય છે. કંપ, સોય ભોંકાવા જેવી પીડા, આફરો તથા ભ્રમ (ચક્કર) પણ થાય છે.
(2) પિત્તજ પાંડુ : આ પ્રકારના પાંડુમાં ઝાડો, પેશાબ તથા આંખ સવિશેષ પીળાં થાય છે. દાહ, તાવ, તૃષા (તરસ), ઝાડા ઉપરાંત શરીર પીળું પડી જાય છે. તે ઉપરાંત પરસેવો, ઠંડી વસ્તુની ઇચ્છા, મુખ કડવું થવું, અન્ન પચતું હોય ત્યારે ખાટા ઓડકાર થવા અને ખોરાકમાં ખાટા અને ગરમ પદાર્થો માફક ન આવવા જેવાં લક્ષણો થાય છે.
(3) કફજ પાંડુ : આ પ્રકારના પાંડુમાં મુખમાં લાળ વધુ થવી; તંદ્રા, આળસ, શરીર ભારે લાગવું; વાણી અને અવાજ જકડાવાં; ત્વચા, પેશાબ, નેત્ર અને મુખ સફેદ જેવા રંગ(વર્ણ)નાં થવાં; મુખનો સ્વાદ મીઠો થવો અને ખોરાકમાં તીખા, લૂખા અને ગરમ પદાર્થોની વધુ ઇચ્છા થવી જેવાં લક્ષણો થાય છે.
(4) ત્રિદોષજ પાંડુ : તાવ, અરુચિ, ઊલટી, તરસ, શ્રમ વિના થાક તથા વાયુ-પિત્ત અને કફદોષનાં મિશ્ર લક્ષણો જોવા મળે છે. આ રોગમાં શરીર વધુ ક્ષીણ થાય અને ઇંદ્રિયોની શક્તિ નાશ પામે તો આવો પાંડુ અસાધ્ય બને છે.
(5) માટી ખાવાથી થતો પાંડુ : આ પ્રકારના પાંડુમાં માટીના સ્વાદ (રસ) ઉપરથી કોઈ ખાસ દોષ બગડી પાંડુ પેદા કરે છે; જેમ કે તૂરા રસવાળી માટી ખાવાથી વાયુદોષ પ્રકુપિત કરી પાંડુ પેદા કરે છે. ખારી કે ક્ષારવાળી માટી ખાવાથી પિત્તદોષ પ્રકુપિત થઈ, પાંડુ પેદા કરે છે. મધુર (મીઠી) માટી ખાવાથી કફનો પ્રકોપ થતાં, પાંડુ પેદા થાય છે. માટી ખાવાથી શરીરની રસ-રક્તાદિ ધાતુઓ દૂષિત થાય છે, ભોજન રુક્ષ થાય છે અપચો થાય છે અને નાડી-માર્ગો પુરાઈ જતાં અવરોધ થાય છે. પરિણામે માટી ખાવાથી બળ, તેજ, વીર્ય અને ઓજ ઘટે છે કે તેનો નાશ થાય છે. આ પ્રકારના પાંડુમાં આંખના ખાડા, ભ્રમર, લમણાં, પગ, નાભિ, મૂત્રેન્દ્રિય જેવાં અંગો પર ખાસ સોજા થાય છે, પેટમાં કૃમિ થાય છે અને લોહી તથા કફવાળા ઝાડા થાય છે.
અસાધ્ય પાંડુનાં લક્ષણો : જે પાંડુરોગ લાંબા સમયથી દર્દીને થયો હોય અને એ કારણે દર્દીને સોજા આવ્યા હોય, દર્દીને બધું પીળું પીળું દેખાતું હોય, તેનો ઝાડો કફ(જળસ)વાળો, લીલા રંગનો હોય, દર્દી દીન (ઉદાસ) રહેતો હોય, તેનો વાન સફેદ પૂણી જેવો થયો હોય, તેને અવારનવાર ઊલટીઓ થતી હોય ને મૂર્ચ્છા આવતી હોય તથા તેનામાં લોહી સાવ ઘટી ગયું હોય તો એવા દર્દીના પાંડુરોગને અસાધ્ય લેખવો.
જે પાંડુરોગીના હાથ-પગ અને મુખ પર સોજા હોય, પેટ સાવ પાતળું (કૃશ) હોય અથવા તેથી ઊલટું હાથ-પગ પાતળા અને પેટ પર સોજો હોય; ગુદા, ઇંદ્રિય તથા વૃષણ (અંડકોષ) પર સોજા હોય; આંખે અંધારાં આવતાં હોય, ભાન-સાન કે સંજ્ઞા ઓછાં હોય, તેમજ જે તાવ અને ઝાડાના દર્દથી પીડાતો હોય તેવા દર્દીને પણ આયુર્વેદ અસાધ્ય દર્દવાળો લેખે છે.
પાંડુરોગની જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તેમાંથી વધુ ઉપદ્રવ રૂપે કમળો અને હલીમક (હરિત પાંડુ) નામે રોગો થાય છે. ખાસ કરીને તેમાંથી કોષ્ઠ-શાખાશ્રિત કમળો અથવા પૈત્તિક કમળો વધુ થાય છે.
કમળો (jaundice) : કમળો એ શુદ્ધ પિત્ત-વિકૃતિનો રોગ છે. કોઈ પણ કારણે લોહીમાં પિત્તરંજક(bile pigments)ની હાજરી હોય ત્યારે ‘કમળો’ થાય છે. આ રોગમાં પાંડુની જેમ શરીરે સોજા નથી હોતા; પણ આંખ, નખ, પેશાબ, ઝાડો તથા ત્વચા આ બધાં હળદર જેવાં પીળાં પડી જાય છે. માટે લોકભાષામાં તેને ‘પીળિયો’ અને સંસ્કૃતમાં ‘કામલા’ કહે છે.
પ્રકાર : આયુર્વેદે કમળો બે પ્રકારનો કહ્યો છે : (1) કોષ્ઠ-શાખાશ્રિત કમળો અથવા પૈત્તિક કમળો અને (2) શાખાશ્રિત કમળો અથવા માર્ગાવરોધથી થયેલો કમળો.
(1) કોષ્ઠ-શાખાશ્રિત કમળો : (પેટ અને હાથ-પગના આશ્રયે થયેલ કમળો) : જે પાંડુરોગી પિત્તદોષકર્તા (ગરમ, ખારા, ખાટા, તીખા, દાહકર્તા) આહાર-વિહારનું અતિસેવન કરે છે, તેનું પિત્ત, લોહી અને માંસ બળી જતાં આ જાતનો ‘કમળો’ પેદા થાય છે. પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિમાં આ પ્રકારનો કમળો પ્રથમ પાંડુરોગ થયા વિના સીધો પણ થઈ શકે છે.
રોગનાં લક્ષણો : પૈત્તિક કમળામાં આંખો, નખ, મુખ, પેશાબ, ઝાડો વગેરે હળદરના રંગ જેવાં પીળા રંગનાં થાય છે. ઝાડો ને પેશાબ કદીક વધુ પીળા કે લાલ રંગનાં અને શરીરનો રંગ દેડકા જેવો પીળો થાય છે. તે સાથે ઇંદ્રિયોની શક્તિ ઘટે છે. દાહ, અપચો, નબળાઈ, અંગતોડ અને અરુચિ હોય છે. આ પ્રકારમાં પિત્તદોષની પ્રધાનતા હોય છે.
(2) શાખાશ્રિત કમળો : આ પ્રકારના કમળાના દર્દીને ઝાડો વાટેલા તલની લૂગદી જેવો (સફેદ) થાય છે. આમાં પિત્તનો માર્ગ કફદોષથી અવરોધાય છે અને તેથી ઝાડો ચીકણો સ્નેહયુક્ત થાય છે.
રોગનાં લક્ષણો : આ પ્રકારમાં શાખા અર્થાત્ દર્દીનાં હાથ-પગ અને ત્વચા હળદર જેવા રંગનાં થાય છે, પરંતુ તેનો ઝાડો વાટેલા સફેદ તલ જેવો (સફેદ માટી જેવો) થાય છે. તે સાથે પેટમાં ગડગડાટી, ઝાડો-પેશાબ રોકાવાં, છાતીમાં ભારેપણું, નબળાઈ, મંદાગ્નિ, પડખાંનું શૂળ, હેડકી, શ્વાસ, અરુચિ અને તાવનાં લક્ષણો થાય છે. આ રોગમાં પિત્તદોષ ધીમે ધીમે શાખા અર્થાત્ હાથ-પગ-ત્વચામાં ફેલાઈને રહે છે.
કમળાના અન્ય પ્રકારો : આયુર્વેદમાં ઉપર્યુક્ત ‘કમળા’ ઉપરાંત તેના બીજા પ્રકારો બતાવ્યા છે; જેમાં કુંભકમળો, હલીમક અને પાનકીની ગણના થાય છે.
(1) કુંભકમળો : લાંબો સમય કમળો રોગ રહે પછી, તે કમળો ખરો (પાકો) થઈ જતાં. તે ‘કુંભ-કમળા’માં ફેરવાય છે. ‘કુંભ’ એટલે કોઠો (પેટ) અને ‘ખરીભૂત’ એટલે કઠણ થયેલો. આ પ્રકારમાં દર્દીની ધાતુઓ ખૂબ લૂખી અને ચીકાશરહિત (કઠણ) થઈ જાય છે.
લક્ષણો : કમળાની સમયસર યોગ્ય સારવાર ન થાય તો આખા શરીરે સોજા આવી જાય છે અને પેટ મોટું થઈ જાય છે, ત્યારે તેને ‘કુંભકમળો’ કહે છે. આ પ્રકારમાં ઝાડો અને પેશાબ શ્યામ કે પીળા રંગના થાય છે, આખા શરીરે સોજા આવે છે. ઝાડો પાતળો થાય છે; આંખ, મોં, ઊલટી, ઝાડો તથા પેશાબમાં લોહી જાય છે. આંખે અંધારાં આવે છે; દાહ, અરુચિ, તરસ, આફરો, તંદ્રા, મંદાગ્નિ અને મોહ થાય છે.
આ પ્રકારનો કમળો ‘અસાધ્ય’ ગણાય છે.
(2) હલીમક : જ્યારે પાંડુરોગીના શરીરનો રંગ (વર્ણ) લીલો, શ્યામ કે પીળો થાય છે, બળ અને ઉત્સાહ ઘટી જાય છે; મંદાગ્નિ, મંદ તાવ, અંગતોડ, તરસ અને ભ્રમ (ચક્કર) થાય છે તથા સ્ત્રી તરફ હર્ષ નથી થતો ત્યારે વાયુ અને પિત્તદોષના પ્રકોપથી થતો ‘હલીમક’ રોગ કહેવાય છે. આ રોગને અવરોધજન્ય જૂનો કમળો પણ કહી શકાય.
(3) પાનકી : પાંડુરોગીને શરીરની દશે ઇંદ્રિયોમાં ક્લેશ (સંતાપપીડા) થાય છે, પાતળા ઝાડા થાય છે અને શરીરની અંદરનો તથા બહારનો રંગ પીળો થઈ જાય છે, તેને ‘પાનકી’ રોગ કહે છે. આ રોગપ્રકારમાં સંતાપ, ઝાડા, નેત્ર, પાંડુતા (ફિક્કાશ) તથા શરીરની અંદર-બહાર પીળાશપણું એવાં લક્ષણો થાય છે. (‘પાનકી’ માટે ‘થાનકી’ શબ્દ પણ યોજાય છે.)
પાંડુ અને કમળાની ચિકિત્સા : ચિકિત્સા-સિદ્ધાંત : પાંડુરોગીને પ્રથમ સ્નેહપાનવિધિ કરાવાય છે. તે પછી તેને ભારે (તીક્ષ્ણ) વમન (ઊલટી) તથા વિરેચન (ઝાડા) કરાવવાં જોઈએ. કમળાના દર્દમાં દર્દીની મૃદુ અને કડવાં ઔષધથી શોધનક્રિયા કરવી પડે છે.
કોઠો ચોખ્ખો થયા પછી દર્દીને પથ્ય ખોરાક આપે છે. પથ્ય ખોરાકમાં જૂના રાતા ચોખા, જવ, ઘઉં, મગ, તુવેર, મસૂરનો સૂપ, જાંગલ પશુ-પક્ષીનો માંસરસ; તથા દોષ હોય તે પ્રમાણે ઔષધ આપવાં જોઈએ; જેમ કે, વાતજ પાંડુમાં સ્નેહ(ઘી-તેલપ્રધાન)દ્રવ્યો; પિત્તપ્રધાન પાંડુમાં કડવાં અને ઠંડાં દ્રવ્યો અને કફજ પાંડુમાં કડવાં-તીખાં અને ગરમ ઔષધો આપવામાં આવે છે.
જલપાન : પાંડુરોગમાં પંચમૂળથી સિદ્ધ (ઉકાળેલું) પાણી અપાય છે. કમળાના રોગમાં કાળી દ્રાક્ષ અને આમળાં (સૂકાં) નાંખી ઉકાળેલું પાણી અથવા લીલા આમળાનો રસ આપવામાં આવે છે.
ઔષધ-સારવાર : પાંડુમાં મુખ્ય ઔષધ ‘લોહભસ્મ’ છે; પણ કાષ્ઠાદિ ઔષધો પણ વાપરી શકાય છે. લોહનાં ઔષધોમાં નવાયસ લોહ, પુનર્નવાદિ મંડૂર, મંડૂરવટક, લોહાસવ, આરોગ્યવર્ધિની રસ આદિ છે. અન્ય ઔષધોમાં ચંદ્રપ્રભાવટી, પાંડુપંચાનન રસ, ત્રૈલોક્યસુંદર રસ, અષ્ટાદશાંગ લોહ, ત્ર્યુષણાદિ મંડૂરવટક, અમૃતલતાદિ ઘૃત, હરિદ્રાદિ ઘૃત, દશમૂલારિષ્ટ, ત્રિફલારિષ્ટ, ફલત્રિકાદિ ક્વાથ, ધાત્ર્યારિષ્ટ, બીજકારિષ્ટ, ગૌડારિષ્ટ, ગોમૂત્ર, ત્રિફળા, ગળો, દારુહળદર, હરડે અને લીમડો વગેરે ઉપયોગી ઔષધો છે. આ ઔષધો હલીમક રોગમાં પણ લાભપ્રદ છે.
કમળાના રોગમાં કામલાહર રસ, ફલત્રિકાદિ ક્વાથ, મહામૃગાંક રસ, લોહભસ્મ, સુવર્ણભૂપતિ રસ, પર્પટાદ્યરિષ્ટ, આરોગ્યવર્ધિની તથા જૂના કમળામાં લક્ષ્મીવિલાસ રસ, નવાયસ ચૂર્ણ, ચંદનાદિ લોહ, અમૃતારિષ્ટ, મંડૂરભસ્મ + શિલાજિત અપાય છે.
માટી ખાવાથી થયેલા પાંડુરોગમાં લોહભસ્મ, તાપ્યાદિ લોહ, મંડૂરભસ્મ, લઘુવસંતમાલતી અને હળવાં વિરેચન અપાય છે. નબળાઈ કે વીર્યક્ષયથી થયેલા પાંડુરોગમાં દ્રાક્ષાસવ, ત્રિફલારિષ્ટ, લક્ષ્મીવિલાસ રસ, લોહભસ્મ, બંગભસ્મ, વૈક્રાન્તભસ્મ તથા મહામૃગાંક રસ અપાય છે.
શાખાશ્રિત કમળાના દર્દમાં પ્રથમ કફનાશક ચિકિત્સા કરાય છે.
આ દર્દીને કડવા, તીખા, તીક્ષ્ણ, ગરમ, ખારા અને ખાટા પદાર્થો આપવામાં આવે છે. દર્દીને શરૂઆતમાં સૂંઠ, મરી, પીપર અને બિજોરાના રસ સાથે મધ અપાય છે. સૂકા મૂળાનો ઉકાળો અથવા મૂળાનો રસ; મૂળા-કળથી સાથે પથ્ય ખોરાક આપવો જોઈએ.
જે લોકો માંસાહારી હોય તેઓ ચાહે તો મોર, કૂકડા અને તેતરના માંસરસ લૂખા, ખાટા અને કડવા પદાર્થો સાથે લઈ શકે.
ઔષધમાં કડુ, આરોગ્યવર્ધિની, કામિની-કુલમંડન રસ, નસોતર વગેરે આપવાં જોઈએ. તે પછી પાંડુકોષ્ઠ-શાખાશ્રિત કમળાની સારવાર કરાય છે.
હલીમક રોગની ચિકિત્સા : નસોતર અને આમળાંથી દર્દીને પ્રથમ રેચ અપાય છે. ત્યારપછી વાયુ-પિત્તનાશક મધુરપ્રધાન ઔષધ અપાય જેમ કે દ્રાક્ષાવલેહ. દર્દીનો જઠરાગ્નિ વધારવા માટે તેને પંચકર્મ-વૈદ્ય દ્વારા યાપના-બસ્તિ, અનુવાસન-બસ્તિ અપાવાય છે અને દ્રાક્ષારિષ્ટ વગેરે પણ અપાય છે.
ચં. પ્ર. શુક્લ
બળદેવપ્રસાદ પનારા