પાંખ (wings) : ઉડ્ડયન માટે અનુકૂલન પામેલાં પ્રાણીઓનાં પ્રચલનાંગો. સંધિપાદ સમુદાયના મોટા ભાગના કીટકો અને પૃષ્ઠવંશી પક્ષીઓ ઊડવા માટે જાણીતાં છે. સસ્તન વર્ગનું પ્રાણી ચામાચીડિયું પણ ઊડવા માટે અનુકૂલન પામેલું છે.
ઉડ્ડયન કરતા કીટકોમાં પાંખની એક અથવા બે જોડ આવેલી હોય છે, જે ઉરસના પૃષ્ટ ભાગમાંથી બહિરુદભેદ રૂપે પેદા થાય છે. ઘરમાખી, મચ્છર, સેત્સેમાખી અને ઘોડામાખ જેવા કીટકોમાં પાંખની એક જોડ હોય છે. આવા કીટકોની પાંખની આ જોડ ઉરસ-પ્રદેશના મધ્યખંડ પરથી નીકળે છે. પાંખની બે જોડ ધરાવતા કીટકોમાં ફૂદાં, પતંગિયાં, વાણિયો, ભમરી અને મધમાખી જેવાંનો સમાવેશ થાય છે. આવા કીટકોમાં પાંખની પહેલી જોડ ઉરસ-પ્રદેશની મધ્યખંડની પાર્શ્વ બાજુએથી, જ્યારે બીજી જોડ પશ્ચખંડમાંથી નીકળે છે.
કીટકોમાં ઊડવાની ક્ષમતા મુખ્યત્વે ઉરસ પ્રદેશમાં આવેલા સ્નાયુઓનાં બે જૂથોને આભારી હોય છે. તેમાંનું એક જૂથ ઉરસ-પ્રદેશના ઉપલા ભાગથી તેના તલસ્થ પ્રદેશ સુધી વિસ્તરેલું હોય છે. આ સ્નાયુઓના સંકોચનથી પાંખ ઉપરની દિશાએ ગતિ કરે છે. બીજા જૂથના સ્નાયુઓ ઉર: પ્રદેશમાં લંબદિશાએ વિસ્તરેલા હોય છે. આ સ્નાયુઓના સંકોચનથી ઉર: પ્રદેશ, કમાનસ્વરૂપ ધારણ કરે છે. પરિણામે પાંખ નીચલી દિશાએ ગતિ કરે છે. સ્નાયુઓ ક્રિયાશીલ બનવાથી પાંખો ફફડે છે. પાંખના કેટલાક સ્નાયુઓ તેના તલસ્થ પ્રદેશ પરથી નીકળે છે. આ સ્નાયુઓ કીટકોને યોગ્ય દિશાએ વાળવામાં મદદરૂપ નીવડે છે.
પાંખની બે જોડ હોય તેવા મોટા ભાગના કીટકોમાં, પાર્શ્વ બાજુએ આવેલી પાંખની જોડ જાણે એક જ ન હોય તેમ એકીસાથે ગતિ કરે છે. જ્યારે વાણિયામાં આ જોડ એકાંતરે ફફડે છે. તેની અસર હેઠળ મધ્યખંડ પ્રદેશની જોડ ઉપરની દિશાએ ગતિ કરતી હોય છે અને પશ્ચ પ્રદેશની પાંખો નીચલી દિશાએ ગતિ કરતી જણાય છે. ભમરાની આગલી પાંખ શૃંગી હોય છે અને તે ઊડવા માટે અનુકૂલન પામેલ અત્યંત કોમળ એવી પાછલી પાંખને વિશ્રાંતિકાળ દરમિયાન ઢાંકીને તેમનું રક્ષણ કરે છે.
વાણિયો ઝડપી ગતિ માટે જાણીતો છે. તેની ઝડપ કલાકે 95 કિમી. જેટલી હોઈ શકે છે. કેટલાંક પતંગિયાં અને તીડ એકીસાથે 160 કિમી. ઊડી શકે છે; જ્યારે મધમાખીની પાંખ એકીસાથે માત્ર 15 મિનિટ સુધી ઊડી શકે છે. પતંગિયાનો ફફડાટ સેકંડદીઠ 4થી 20 વખત જેટલો હોય છે, જ્યારે ઘરમાખી શીઘ્ર ગતિએ એટલે કે સેકંડદીઠ 200 વખત સુધી ફફડે છે.
‘ઊડવું’ તે પક્ષીઓની વિશિષ્ટતા છે. બધી રીતે પક્ષીનું શરીર ઊડવા માટે અનુકૂલન પામેલું હોય છે. તેથી પર્યાવરણની વિપરીત અસર ટાળવા પક્ષીઓ સ્થળાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. ધ્રુવપ્રદેશનાં ટર્ન પક્ષી તો વિપરીત ઠંડીથી દૂર રહેવા માટે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી સતત પ્રયાણ કર્યા કરે છે. તેના વાપસી પ્રયાણની શરૂઆત દર છ મહિને થાય છે.
પક્ષીઓના અગ્રપાદોનાં હાડકાં સાથે તેમનાં ઊડવાનાં પીંછાં અને સ્નાયુઓ જોડાયેલાં હોય છે. પાંખની ઉપલી સપાટી સાવ લીસી અને સુંવાળી હોય છે. નીચલી સપાટીએ હવાનો ભરાવો થવાનો અવકાશ હોય છે. પરિણામે કોઈ પણ ઊંચે સ્થાને પક્ષી સ્થિર રહી શકે છે. ઉડાણ માટેના મુખ્ય સ્નાયુને સ્કંધ-સ્નાયુ કહે છે, જેમાં સામાન્યપણે પહોળા (broad) અને સાંકડા (narrow) આમ બે પ્રકારના સ્નાયુતંતુકો હોય છે. વળી ટૂંકા સમયની શીઘ્ર ગતિ માટે તે બળતણ તરીકે ગ્લાયકોજનનો ઉપયોગ કરે છે, જ્યારે સમૂહમાં થાક્યા વગર લાંબું અંતર કાપવામાં મેદ બળતણ તરીકે વપરાય છે.
ચામાચીડિયાના અગ્રપાદો પાંખની ગરજ સારે છે. તેની લાંબી આંગળીઓ પાંખની નમ્ય (flexible) ત્વચાનો આધાર બને છે. તેના બાહુ (upper arm), અગ્રબાહુ (forearm) તેમજ બીજી અને ત્રીજી આંગળી ત્વચામય પાંખની આગળની કિનારી બને છે, જ્યારે પાંખની અંદરની કિનારી પાર્શ્વ બાજુએથી પગની ઘૂંટી (ankle) અને તળિયા (foot) સુધી વિસ્તરેલી હોય છે. મોટા ભાગનાં ચામાચીડિયાં કલાકદીઠ 8થી 13 કિમી. અંતર કાપતાં હોય છે, જ્યારે કેટલાંકની ઝડપ કલાકદીઠ 24 કિમી. જેટલી હોઈ શકે છે. પ્રમાણમાં ચામાચીડિયાની પાંખ પહોળી હોય છે. પરંતુ શીઘ્ર ગતિએ ઊડનાર ચામાચીડિયાની પાંખ લાંબી અને સાંકડી હોય છે.
અરુણ રામશંકર ત્રિવેદી