પર્વતો (mountains)

પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને પર્વત અને તેથી ઓછી તથા વધુ ઓછી ઊંચાઈવાળાં સ્વરૂપો ટેકરી કે ટેકરા તરીકે ઓળખાવાય છે. જે પર્વતોના તળભાગ એકમેકથી જોડાયેલા હોય પરંતુ ઊંચાઈ પરના વિભાગો જુદા પડતા હોય તેમ જ લંબાઈમાં વિસ્તરેલા હોય તેને પર્વતીય હારમાળા (range) કહે છે. ઘણી હારમાળાઓથી આવરી લેવાયેલા ભૂમિભાગને પર્વતજૂથ કે પર્વતસંકુલ (mountain system) કહે છે; દા. ત., હિમાલય, આલ્પ્સ વગેરે. બધી જ પર્વત-હારમાળાઓ તેમની પહોળાઈ કરતાં લંબાઈમાં વધુ વિસ્તરેલી હોય છે અને તે અમુક ચોક્કસ દિશાકીય ઉપસ્થિતિ(trend)નું વિશિષ્ટ લક્ષણ રજૂ કરે છે. પર્વતો આજુબાજુના વિસ્તાર કરતાં એકાએક ઊંચાઈ પ્રાપ્ત કરતા હોવાથી અલગ તરી આવે છે. પર્વતસંકુલોમાં રહેલી હારમાળાઓ એક કે અલગ ભૂસ્તરીય વયની હોઈ શકે છે.

પૃથ્વીનો પોપડો ભૂસ્તરીય દૃષ્ટિએ સ્થિર કે સ્થાયી નથી. સમય અને સંજોગ અનુસાર તે પરિવર્તનશીલ રહે છે. ભૂસંચલનને કારણે તેના ભૌતિક પ્રકાર અને પરિસ્થિતિમાં ફેરફારો થયા કરે છે. પોપડા પર થતી ભૂસંચલનજન્ય અસરો મુખ્યત્વે બે પ્રકારની હોય છે : ઊર્ધ્વગમનની અને અધોગમન(અવતલન)ની. ઊર્ધ્વગમનથી પોપડાના ભાગોનું ઉત્થાન થાય છે. ઉત્થાન પણ બે પ્રકારનાં હોય છે : ખંડનિર્માણ (epeirogeny) અને ગિરિનિર્માણ (orogeny). ગિરિનિર્માણક્રિયામાં પર્વતોની રચના થતી હોય છે. હિમાલય-આલ્પ્સ જેવાં પર્વતસંકુલો ગિરિનિર્માણક્રિયાથી ઉદ્ભવેલાં છે.

પર્વતોના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) નિક્ષેપજન્ય (depositional), (2) ઘસારાજન્ય (erosional) અને (3) ભૂસંચલનજન્ય (diastrophic). ભૂસંચલન-પ્રક્રિયામાં જે પ્રકારનાં પ્રતિબળો વધુ અસરકારક બની રહે તે પ્રકારના પર્વતો ઉદ્ભવે. દાબનાં પ્રતિબળોથી ગેડપર્વતો અને તણાવનાં પ્રતિબળોથી સ્તરભંગરચિત ખંડપર્વતોની રચના થાય છે. ઘણી જાડાઈવાળા ખડકસ્તરોની શ્રેણીઓ, મોટા પાયા પર જોવા મળતાં રચનાત્મક લક્ષણો અને સાથે સંકળાયેલી જ્વાળામુખી-પ્રક્રિયા ગેડપર્વત પટ્ટાઓની લાક્ષણિકતાઓ છે; તો ઉગ્ર સમુત્પ્રપાતો, સપાટ તળ સહિત ઊભી બાજુઓવાળી ખીણો એ સ્તરભંગરચિત પર્વતોની લાક્ષણિકતાઓ છે.

આકૃતિ 1(અ) : તણાવનાં પ્રતિબળો અને તેમની અસરો

પર્વતો રચનાત્મક અને વિનાશાત્મક કાલચક્રની અસર હેઠળ ફેરફારોને ગ્રાહ્ય બની રહે છે. ભૂ-તકતીજન્ય સંચલન(plate tectonics) સંકલ્પનાને આધારે પર્વતોની ઉત્પત્તિ-સ્થિતિ અને તેમનાં કારણો વિગતે સમજી શકાયાં છે. ગેડપટ્ટાઓ ભૂ-સંનતિના વિકાસની અંતિમ કક્ષાનો નિર્દેશ કરે છે. પૃથ્વીના સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસકાળ દરમિયાન ઘટેલી ગિરિનિર્માણ-ઘટનાઓનાં, જમાવટથી ઉત્થાન સુધીનાં કાલચક્ર 20 કરોડ વર્ષથી 80 કરોડ વર્ષ સુધી ચાલુ રહે છે અને પ્રત્યેક ગિરિનિર્માણ-ઘટના સરેરાશ 80 કરોડ વર્ષના તફાવતના કાળગાળે થતી રહે છે; દા. ત., હિમાલય પર્વતમાળાનો ઉદ્ભવ, ટેથિયન ભૂ-સંનતિમય થાળામાં કરોડો વર્ષ સુધી જામેલી નિક્ષેપજમાવટ પર ભારતીય ઉપખંડની ભૂ-તકતી એશિયાના વિશાળ ભૂમિસમૂહની ભૂ-તકતી સાથે અથડાવાને કારણે થયેલો છે. હિમાલયનું સ્થાન આ બે ભેગી થતી ભૂ-તકતીઓની સીમા  (convergent plate boundary) પર આવેલું છે.

ભૂસંચલન (diastrophism) : પૃથ્વીનો પોપડો ક્યારેય વિરામની સ્થિતિમાં રહેતો નથી. નાનીમોટી ભૂસંચલનની ક્રિયાઓ અને અસરો ચાલુ જ હોય છે. આ સાથે પૃથ્વીની ભ્રમણગતિ, આંતરિક ઉષ્ણતાની પરિસ્થિતિ અને જુદી જુદી દ્રવ્યઘનતાની સંયુક્ત અસરોને કારણે સંચલનની ક્રિયા-પ્રક્રિયાઓનું ચક્ર ચાલ્યા કરે છે. પરિણામે દાબ અને તણાવનાં અન્યોન્યપૂરક પ્રતિબળો ઉત્પન્ન થતાં રહે છે. આ પ્રતિબળોની સંયુક્ત અસર પૃથ્વીના પોપડાના ખડકપડો પર થાય છે. પ્રત્યક્ષ પરિણામ એ આવે છે કે ખડકોમાં વળાંક, ખસેડ, ગેડીકરણ, ઉત્થાન, અવતલન જેવી ભૂસંચલનક્રિયાઓ ઉદ્ભવે છે. ટૂંકમાં, ભૂસંચલનને ખંડનિર્માણ અને ગિરિનિર્માણ-ઘટનાઓમાં જુદી પાડી શકાય છે.

ખંડનિર્માણક્રિયા (epeirogenesis) : ભૂસંચલનક્રિયાની જે ક્રમિક અસરથી ખંડનિર્માણ (ભૂમિનિર્માણ) થાય તેને ખંડનિર્માણક્રિયા કહેવાય. આ ક્રિયામાં મુખ્યત્વે સ્થાનિક ભૂમિ-ઉત્થાન કે ભૂમિ-અવતલન થતું હોય છે. ભૂકંપ દ્વારા પણ ભૂપૃષ્ઠમાં અનેકવિધ ફેરફારો થઈ જતા હોય છે. ભૂમિનિર્માણની ઘટનાથી સમુદ્રની જલસપાટી પર પ્રત્યક્ષ અસર વર્તાય છે, જેનાથી દરિયાઈ અતિક્રમણ (transgression) કે પ્રતિક્રમણ (regression) થતાં હોય છે.

ગિરિનિર્માણક્રિયા (orogenesis) : ભૂસંચલનક્રિયાની જે ક્રમિક અસરથી પર્વતનિર્માણ થાય તેને ગિરિનિર્માણક્રિયા કહેવાય. આ ક્રિયા તબક્કાવાર થતી રહે છે. જ્યાં સુધી ભૂ-તકતીઓની સંચલન-સંકલ્પના રજૂ થઈ ન હતી ત્યાં સુધી ગિરિનિર્માણ-ઘટનાની ક્રિયાપદ્ધતિ પૂરેપૂરી સમજી શકાઈ ન હતી; તેમાં ત્યારે ત્રુટિઓ હતી, કારણ કે પૃથ્વી પરનાં જુદાં જુદાં પર્વતસંકુલો ઉત્પત્તિ અને રચનાત્મક દૃષ્ટિએ અલગ અલગ લક્ષણો ધરાવતાં માલૂમ પડ્યાં હતાં, પરંતુ ભૂ-તકતીઓના સંચલન-સિદ્ધાંત દ્વારા આ અંગેની સ્પષ્ટ સમજ કેળવી શકાઈ છે.

પર્વતોનું વર્ગીકરણ : પર્વતો માત્ર ભૂખંડો પર જ હોય છે એવું નથી, તે સમુદ્રતળ પર પણ અસ્તિત્વ ધરાવે છે; એટલું જ નહિ, ત્યાં તે વિશિષ્ટ લક્ષણો ધરાવતા હોવાનું પણ જણાયું છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે પર્વતો માત્ર ખંડો પર જ હોય છે અને સમુદ્રતળ તો લાક્ષણિકતાવિહીન માત્ર મેદાની વિસ્તાર હોય છે; પરંતુ સમુદ્રતળ માટે કરવામાં આવેલાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે સમુદ્રતળ ખૂબ જ ક્રિયાશીલ છે, ત્યાં પર્વતનાં લક્ષણો વિકસે છે અને તેમનો ક્ષય પણ થાય છે. અન્ય વિશિષ્ટતાઓ પણ ઘણી છે. જો સમુદ્ર-મહાસાગરનાં જળ સુકાઈ જાય તો ત્યાંનાં ઊંચાણ-નીચાણવાળાં ભવ્ય સ્થળદૃશ્યો જોવા મળે.

જુદી જુદી ઊંચાઈ ધરાવતાં ભૂમિસ્વરૂપો માટે  નીચેના પર્યાયોનો ઉપયોગ થાય છે :

આકૃતિ1(આ) : દાબનાં પ્રતિબળો અને તેમની અસરો

ભૂપૃષ્ઠ પર નજીવી ઊંચાઈ ધરાવતા ભાગોને ટેકરા (hillocks), 610 મીટર કે તેથી ઓછી ઊંચાઈવાળા ભૂમિભાગોને ટેકરીઓ (hills) કહેવાય છે. 610 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો પર્વતો તરીકે ઓળખાય છે, તેમને શિખરો હોઈ શકે છે, અથવા તે લાંબી ડુંગરધારોથી પણ જોડાયેલાં હોઈ શકે છે. સાથે રહેલા પાસપાસેના પર્વતોને પર્વતસમૂહ (mountain group) કહે છે. વય, ઉત્પત્તિસ્થિતિ અને દિશાકીય લક્ષણના સંદર્ભમાં સમાનતા ધરાવતા પર્વતસમૂહોથી બનેલા વિશાળ ભૂમિપ્રદેશને પર્વતીય હારમાળા (mountain range) કહેવાય. એક ભૂસ્તરીય સમયગાળા દરમિયાન તૈયાર થયેલી બે કે તેથી વધુ સમાંતર હારમાળાઓથી બનેલા પર્વતવિસ્તારને પર્વતરચના (mountain system) કહે છે. ખંડના કોઈ ચોક્કસ વિભાગમાં સ્થિત હોય, સર્વસામાન્ય ઉપસ્થિતિ પણ હોય; પરંતુ તેમનાં વય, ઉત્પત્તિ અને સંરચનાત્મક લક્ષણો  જુદાં જુદાં હોય એવા, અનેક હારમાળાઓ ધરાવતા પર્વતીય વિસ્તારને પર્વતશૃંખલા (mountain chain) તરીકે ઓળખાવી શકાય. ખંડના કોઈ વિભાગમાં સ્થિત હોય એવી, ખીણો, મેદાનો, નદીઓ, સરોવરો ધરાવતી પર્વતની હારમાળાઓ, રચનાઓ અને શૃંખલાઓથી બનેલા સંયુક્ત જૂથને કોર્ડિલેરા (cordillera) કહે છે. તેમની સામાન્ય ઉપસ્થિતિ એકદિશાકીય ગણાતી હોવા છતાં પ્રત્યેક ઘટકની ઉપસ્થિતિ અલગ હોઈ શકે. કોર્ડિલેરાને પર્વતસંકુલના અર્થમાં ઘટાવી શકાય.

ભૂપૃષ્ઠ પરના પર્વતો પ્રકાર, લક્ષણો અને ઉત્પત્તિમાં વિવિધતા ધરાવે છે, બધાં દૃષ્ટિબિંદુઓને આવરી લેતું વર્ગીકરણ મુશ્કેલ છે, તેથી તેમની ઉત્પત્તિસ્થિતિ મુજબ વર્ગીકરણ કરવાનું સરળ અને અર્થસૂચક બની રહે છે. આ રીતે કરવામાં આવતું વર્ગીકરણ ત્રણ પ્રકારોમાં વિભાજિત થાય છે : (1) નિક્ષેપજન્ય પર્વતો, (2) ઘસારાજન્ય પર્વતો અને (3) ભૂસંચલનજન્ય પર્વતો. આ ત્રણે પ્રકારોનો સમાવેશ કરતું, સ્થળ, ઉત્પત્તિ, ઉદાહરણ તેમ જ અન્ય લક્ષણો સહિતનું વર્ગીકરણ નીચેના કોઠામાં સામેલ છે :

પર્વતોનું વર્ગીકરણ

પ્રકાર સ્થાન તૈયાર થવાની પ્રક્રિયા ઉદાહરણ પર્વત
1. નિક્ષેપજન્ય સમુદ્રતળ આંતર ભૂ-તકતી, હવાઈ ટાપુઓ, મહાસાગરીય પોપડા પરના બૅસાલ્ટ
અને ખંડો જ્વાળામુખી પ્રક્રિયા, દ્વીપસમૂહ, બંધારણવાળા જ્વાળામુખી પર્વતો,
ખંડો વાતજન્ય નિક્ષેપપ્રક્રિયા રણો રેતીના ઢૂવા
2. ઘસારાજન્ય ખંડો ઘસારો ભારતના પૂર્વ અને પશ્ચિમ ઘાટ અવશિષ્ટ પર્વતો
3. ભૂસંચલનજન્ય ખંડોના અંદરના ભાગ ખંડીય પોપડાની કેન્દ્રાભિમુખી હિમાલય ખંડોના અંદરના ભાગોમાંના ગેડ-પર્વતો
ભૂ-તકતીઓ વચ્ચે થતી
ભૂ-તકતી-સીમાઓની અથડામણ
ખંડોની કિનારીઓ ખંડીય અને મહાસાગરીય એન્ડીઝદક્ષિણ અમેરિકા ખંડીય કિનારીઓ પરના ગેડ-પર્વતો
ભૂ-તકતીઓ વચ્ચે થતી અથડામણ
ખંડોના અંદરના ભાગ ભૂ-સંનતિમય અવતલન, ભૂ-સંનતિ યુ.એસ.ની કાસ્કેડ ખંડીય પોપડા પરના એન્ડેસાઇટ
ન હોય ત્યાં મહાસાગરીય અને હારમાળા બંધારણવાળા જ્વાળામુખી પર્વતો
ખંડીય પોપડા વચ્ચે થતી અથડામણ,
બે મહાસાગરીય પોપડા વચ્ચે એલ્યુશિયન ટાપુઓ, મહાસાગરીય પોપડા પરના એન્ડેસાઇટ
થતી અથડામણ બેરિંગનો સમુદ્ર બંધારણવાળા જ્વાળામુખીઓ
સમુદ્રતળ વિકેન્દ્રિત ભૂ-તકતી સીમા, ખંડીય આફ્રિકાની ફાટખીણ, મધ્ય સ્તરભંગ-પર્વતો, મહાસાગરીય
વિભાજન, સમુદ્રતળ-વિસ્તરણ ઍટલાન્ટિક ડુંગરધાર ડુંગરધારના પર્વતો

1. નિક્ષેપજન્ય પર્વતો : જમાવટને પરિણામે તૈયાર થતા પર્વતો. આજુબાજુના મેદાની વિસ્તારથી સ્પષ્ટપણે અલગ પડી આવતા, ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને ટેકરી કે પર્વતનું નામ આપી શકાતું હોય તો વાત(પવન)જન્ય રેતીના ઢૂવાને માટે પણ આ શબ્દ પ્રયોજી શકાય; જોકે રેતીના ઢૂવા સ્થળાંતર કરતા રહેતા હોવાથી તેમનાં લક્ષણોમાં એકસૂત્રતા જળવાતી નથી, તે પરિવર્તનશીલ રહે છે. ક્યારેક તો તેમનું અસ્તિત્વ પણ રહેતું નથી.

આ પ્રકારમાં મુખ્યત્વે તો જ્વાળામુખ-પર્વતોનો સમાવેશ થાય છે. મોટા પાયા પર થતી જ્વાળામુખી-પ્રક્રિયા દ્વારા જ્વાળામુખી-કંઠની આસપાસ બહાર નીકળતી પેદાશો જમા થઈને શંકુ આકારના પર્વતનું સ્વરૂપ તૈયાર થાય છે (જુઓ આકૃતિ-2). એ જ રીતે સમુદ્રતળ પર ફાટપ્રસ્ફુટન દ્વારા સમુદ્રીય ડુંગરધારો બને છે. આમ જ્વાળામુખી-પર્વતો ભૂમિસપાટી અને સમુદ્રતળ બંને પર જોવા મળે છે, જોકે ભૂપૃષ્ઠ પર તેની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. ખંડીય કિનારીઓના પ્રસ્ફુટનથી બનતા પર્વતોની સંખ્યા વધુ છે, પરંતુ તેમના પરિમાણમાં વિવિધતા જોવા મળે છે. મોટા ભાગના તો સમુદ્ર-જળસપાટીથી નીચે તરફ રહેલા છે, કેટલાક બહાર પણ દેખાય છે; જેમ કે, હવાઈ ટાપુઓનો સમૂહ આ પ્રકારના જ્વાળામુખીઓથી રચાયેલો છે. કેટલાક તો માળાના મણકાની માફક વળાંકમાં ગોઠવાયેલા છે; તેમને દ્વીપચાપ (island arcs) કહે છે. આ દ્વીપચાપનું ખડકબંધારણ એન્ડેસાઇટ અને બૅસાલ્ટનું બનેલું હોય છે, જે ભૂ-તકતીઓના દબાયેલા વિભાગનો નિર્દેશ કરે છે. અમુક દ્વીપચાપ 2000 કિમી.ની લંબાઈવાળા પણ હોય છે. એલ્યુશિયન ટાપુઓ, ક્યુરાઇલ ટાપુઓ, જાવા અને તેની નજીકના ટાપુઓ તેનાં ઉદાહરણો છે. મધ્ય સમુદ્રીય ડુંગરધારો (mid-oceanic ridges) પણ સમુદ્રતળ પરના વિશિષ્ટ પ્રકારના જ્વાળામુખી પર્વતો છે. તેમની ઉત્પત્તિ માટે ભૂ-તકતીજન્ય સંચલન જ જવાબદાર ગણાય છે. આખીય પૃથ્વી ફરતે તે લગભગ સળંગ રીતે વીંટળાયેલા છે. તેમની લંબાઈ આશરે 64,000 કિમી. જેટલી અને ઊંચાઈ 2થી 3 કિમી. જેટલી છે.

જ્વાળામુખી પર્વતોનો વિકાસ ઘણી ઝડપથી થતો હોય છે; દા. ત., મેક્સિકોમાંનો પેરિક્યુટિન જ્વાળામુખી પર્વત દસકાથી પણ ઓછા સમયગાળા દરમિયાન ભૂમિસપાટીથી 410 મીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયો છે.

2. ઘસારાજન્ય પર્વતો : આ પ્રકારમાં અવશિષ્ટ પર્વતોનો સમાવેશ થાય છે. ઉત્થાન પામેલા ઉચ્ચસપાટ પ્રદેશો અને સપાટ શિરોભાગવાળા મેજ આકારનાં ભૂમિસ્વરૂપો જ્યારે ભૂસ્તરીય પરિબળો દ્વારા ઘસારાની અસર હેઠળ આવે ત્યારે આ પ્રકારના પર્વતો બને છે. આવા પર્વતો વાસ્તવમાં તો, પૂર્વ અસ્તિત્વ ધરાવતા ભૂમિજથ્થાઓના અવશેષરૂપ રહી ગયેલાં ભૂમિસ્વરૂપો જ હોય છે, જે ઘસારાજન્ય પર્વતો અથવા અવશિષ્ટ પર્વતો તરીકે ઓળખાય છે; દા.ત., ભારતના પશ્ચિમ ઘાટના અને પૂર્વ ઘાટના પ્રદેશો.

3. ભૂસંચલનજન્ય પર્વતો : પૃથ્વી પર જોવા મળતા મોટા ભાગના બધા જ લાક્ષણિક પર્વતો ભૂસંચલનની ક્રિયા દ્વારા બનેલા છે. ભૂસંચલનની ક્રિયા પૃથ્વીના બાહ્ય પોપડામાં વિરૂપતા લાવી મૂકે છે, જેને પરિણામે ઊંચાઈનો તફાવત ઊભો થાય છે અને આ રીતે ઉદ્ભવતું ઊંચાઈવાળું ભૂમિસ્વરૂપ પર્વત તરીકે ઓળખાય છે. ભૂસંચલનજન્ય પર્વતોના બે પ્રકારો પડે છે : (i) ગેડવાળા પર્વતો, (ii) સ્તરભંગરચિત પર્વતો અથવા ખંડપર્વતો.

ગેડવાળા પર્વતો : આ સમૂહ હેઠળ આવતા પર્વતો દાબજન્ય પ્રતિબળો દ્વારા થતા ભૂસંચલનથી ઊંચકાય છે. મૂળભૂત ક્ષિતિજસમાંતર સ્થિતિમાં જમાવટ પામેલા ખડકસ્તરો પાર્શ્વદાબની અસરથી ગેડમાં ફેરવાઈ જાય છે. ઊંચકાઈ આવતા ગેડવાળા સ્તરોમાંથી જે પર્વતો રચાય તેમને ગેડવાળા પર્વતો કહેવાય છે (જુઓ આકૃતિ-2.) દુનિયાની મોટા ભાગની પર્વતશૃંખલાઓ આ પ્રકારની છે; દા. ત., અરવલ્લી, હિમાલય, આલ્પ્સ, યુરલ, રૉકીઝ, ઍપેલેશિયન, વગેરે. આવા ગેડવાળા પર્વતો સ્તરભંગ અને આગ્નેય પ્રક્રિયાની અસર પામેલા પણ જોવા મળે છે. આ પ્રકારના ગેડવાળા તેમ જ જટિલ લક્ષણો ધરાવતા પર્વતો આલ્પાઇન શૃંખલાના વિશિષ્ટ નામ હેઠળ મુકાય છે.

ગેડવાળા પર્વતોને પોપડામાંના તેમના સ્થાનીકરણની દૃષ્ટિએ મૂલવતાં કહી શકાય કે તે વર્તમાન અને ભૂતકાળની ભૂ-તકતીઓની ભેગી થતી સીમાઓ પર આવેલા છે. આ બાબત સૂચવે છે કે ગેડ પર્વતોની રચના ભૂ-તકતીઓના સંચલન સાથે સંકળાયેલી છે. તેમનું ઉત્થાન ધીમે ધીમે થતું રહે છે, અર્થાત્, પર્વતશૃંખલા રચાવા માટે અમુક કરોડ વર્ષનો કાળગાળો જરૂરી બની રહે છે.

ગેડવાળા પર્વતપટ્ટાઓની લાક્ષણિકતાઓ : જૂના કે નવા ભૂસ્તરીય કાળ દરમિયાન તૈયાર થયેલા ગેડપર્વતપટ્ટાઓ તેમની રચના વખતે કેટલીક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ પ્રાપ્ત કરતા હોય છે, જે તેમની જમાવટની, વિકાસની અને ફેરફારો(વિરૂપતા)ની વિવિધ કક્ષાઓ અને પ્રક્રિયાઓ સમજવામાં ઉપયોગી નીવડે છે.

(1) જળકૃત ખડકોની રચના : ગેડવાળા પર્વતપટ્ટાઓ મુખ્યત્વે જળકૃત ખડકોથી બનેલા હોય છે. આ ખડકો ઘણી (15,000 મીટર સુધીની) જાડાઈવાળા હોય છે. પર્વતપટ્ટાઓ રચાવાના હોય એવા ભૂસંનતિમય થાળા સિવાયના નજીકના અન્ય વિસ્તારોમાં જમાવટનો દર ઓછો અને ધીમો હોય છે. કણનિક્ષેપ-જમાવટના બે પ્રકારો અહીં જુદા પાડી શકાય છે :

(i) સહજાત પર્વતરચનાનો પ્રકાર : પર્વતરચના માટેના કાળગાળા દરમિયાન થતી કણજમાવટ આ પ્રકારમાં આવે છે, જે પર્વતરચનાના સહજાત પ્રકાર તરીકે ઓળખાય છે, તેને ‘ફ્લીશ’ (flysch) પ્રકાર પણ કહે છે. આ ખડકો તે દરમિયાન થતી રહેતી વિરૂપતામાં સંડોવાતા હોય છે અને કેટલાંક રચનાત્મક લક્ષણો પણ ઉદ્ભવતાં રહે છે (જુઓ ફ્લીશ).

(ii) પશ્ચાત્ પર્વતરચનાનો પ્રકાર : ગિરિનિર્માણ થઈ ગયા બાદ કેટલીક નિક્ષેપરચના થતી હોય છે, જેને પશ્ચાત્ પર્વતરચના પ્રકાર અથવા ‘મોલાસ’ (molasse) પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નિક્ષેપોમાં વિરૂપતા જોવા મળતી નથી (જુઓ મોલાસ).

આ બંને પ્રકારના નિક્ષેપોનું વય નક્કી થાય તે પરથી ગિરિનિર્માણ-કાળગાળાનું વયનિર્ધારણ શક્ય બને છે.

(2) ભૂસંચલન : ગિરિનિર્માણ દરમિયાન ખડકસ્તરોની વિરૂપતા પણ સંકળાયેલી હોય છે. દરેક ગેડપર્વતપટ્ટામાં ગેડીકરણ અને ઘસારા સ્તરભંગ જેવી રચનાઓ સર્વસામાન્ય લાક્ષણિકતાઓ બની રહે છે. ક્યારેક વિરૂપતા એટલા મોટા પાયા પર થાય છે કે સ્તરોના મૂળ આકારનું નિરૂપણ કરવાનું મુશ્કેલ બની જાય છે; જેમ કે, સ્તરબંધારણ પૈકીનો કોઈ ગોળાકાર ઘટક વિરૂપતામાં સંડોવાઈને, વીંટળાઈને, ખેંચાઈને લાંબો સળિયા જેવો બની જાય છે. જીવાવશેષો પણ, તેમના મૂળ આકારો જાળવી શકતા નથી, વિરૂપ બની રહે છે. આ પ્રકારની વિસ્તૃત વિરૂપતા ઘસારા સ્તરભંગ સહિતની, ક્ષિતિજસમાંતર અક્ષીય તલસપાટીવાળી (recumbent) ગેડરચનામાં એટલે કે નેપે રચનામાં પરિણમે છે. હિમાલય અને આલ્પ્સ પર્વતોમાં આ પ્રકારની નેપે રચનાઓ વિકસેલી છે. આ ઉપરાંત પર્વતીય પટ્ટાના અમુક ભાગોમાં વિકૃત ખડકોમાં પરિણમેલો સમુદ્રીય પોપડો પણ સંડોવાયેલો જોવા મળે છે.

(3) અગ્નિકૃત અને વિકૃત ખડકો : ગેડપર્વતોના કેન્દ્રીય ભાગો અગ્નિકૃત અને વિકૃત ખડકો પણ ધરાવતા હોય છે. મોટે ભાગે દરેક ગિરિનિર્માણક્રિયામાં અગ્નિકૃત ખડકોથી બનેલા વિશાળ બેથોલિથ સ્થાનીકરણ પામતા હોય છે. પર્વતોનાં મૂળ સંસર્ગવિકૃતિ તેમ જ દાબઉષ્ણતા-વિકૃતિમાં આગળ પડતાં લક્ષણોવાળાં બની રહે છે. પ્રાચીન ભૂસ્તરીય કાળની ગેડપર્વતરચનાઓનાં મૂળ લાંબા કાળગાળા દરમિયાન થતા રહેલા ઘસારાને કારણે ખુલ્લાં બન્યાં હોય છે, જે ત્યાં રહેલા ખડકોની અને રચનાઓની જટિલતાનો આબેહૂબ ખ્યાલ આપે છે.

ઘુમ્મટ આકારના પર્વતો (domical mountains) : આ પ્રકારના પર્વતો છૂટાછવાયા મળે છે અને તેમાં થયેલાં આગ્નેય અંતર્ભેદનોને કારણે તે ઉત્થાન પામેલા હોય છે. આગ્નેય ખડક-બંધારણવાળું અંતર્ભેદન જ્યારે નીચેથી ઉપર તરફ ખડકસ્તરોમાં પ્રવેશે ત્યારે ઉપરનાં સ્તરજૂથ ઘુમ્મટ આકારમાં ફેરવાતાં હોય છે, પરિણામે આ પ્રકારના-આકારના પર્વતોનું નિર્માણ થાય છે. (જુઓ આકૃતિ-2.)

સ્તરભંગરચિત ખંડપર્વતો (fault block mountains) : પોપડાના ખડકોમાં થતી સ્તરભંગશ્રેણીઓ દ્વારા જ્યારે વચ્ચેનો વિભાગ ખસેડને કારણે ઊંચકાઈ આવે ત્યારે અરસપરસ ઊંચેનીચે ખસેડ પામેલા વિભાગો સ્તરભંગરચિત ખંડ કહેવાય છે, ઊંચકાયેલો ભાગ પર્વત તરીકે ઓળખાય છે. (જુઓ આકૃતિ-2.) ઊંચકાયેલા વિભાગોની સીમાઓ સામાન્ય સ્તરભંગ(normal fault)થી બંધાયેલી હોય છે. સ્તરભંગની અસરવાળો વચ્ચેનો વિભાગ ઊંચકાયેલો હોય તો તેને સ્તરભંગ-ખંડ (horst) અને અવતલન પામેલો હોય તો તેને સ્તરભંગ-ગર્ત (graben) કહે છે. સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ હૉર્સ્ટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતની તળભૂમિની વચ્ચેનો ખંભાતના અખાતનો ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો વિભાગ ગર્ત છે. યુ.એસ.નો બેસિન અને રીજ પ્રોવિન્સ પણ આ બંને પ્રકારનાં સંયુક્ત ઉદાહરણ છે. યુરોપમાંના બ્લૅક ફૉરેસ્ટ અને વૉસ્જિસ પર્વતો હૉર્સ્ટ છે, જ્યારે તેની વચ્ચે આવેલી હ્રાઇન નદીખીણ ગર્ત છે.

પોપડો જ્યારે તણાવનાં પ્રતિબળોની અસર હેઠળ આવીને ખેંચાય ત્યારે સ્તરભંગ ઉદ્ભવે છે અને હૉર્સ્ટ-ગ્રેબન પરિણમે છે. સ્તરભંગરચિત ખંડ-વિભાગો ઊંચકાવાથી અને અવતલન પામવાથી ભૂપૃષ્ઠરચનામાં ફેરફારો થાય છે. બંને પ્રકારના ખંડ-વિભાગોની બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી બને છે અને ગર્ત ખીણના ભૂમિસ્વરૂપમાં ફેરવાય છે, તેનાં તળ સપાટ લક્ષણવાળાં હોય છે.

પર્વતોનું જીવનચક્ર (life cycle of mountains) : પર્વતો કાયમ માટે એકસરખી સ્થિતિમાં રહેતા નથી. તેમનાં રચના, વિકાસ અને ક્ષય થતાં રહે છે. બધા જ પ્રકારના પર્વતો ઘસારાની અસર હેઠળ આવે છે. ગિરિનિર્માણ થયા પછી ઘસારાનાં વિવિધ પરિબળો કાર્યશીલ બને છે. આ પ્રકારના ફેરફારો સળંગ ચાલુ રહેતા હોવા છતાં પર્વતોનાં જીવનચક્ર દરમિયાનની ચાર કક્ષાઓ જુદી પાડી શકાય છે : (1) પ્રારંભિક અવસ્થા, (2) યુવાવસ્થા, (3) પ્રૌઢાવસ્થા, (4) વૃદ્ધાવસ્થા. પ્રત્યેક અવસ્થા કરોડો વર્ષોનો સમયગાળો આવરી લે છે.

(1) પ્રારંભિક અવસ્થા (initial stage) : આ કક્ષા દરમિયાન પર્વતો રચાવા માટેનું બીજારોપણ થતું રહે છે. ખડકચૂર્ણ જથ્થો નિક્ષેપ રૂપે એકત્રિત થતો જઈ જમાવટ થાય છે. બોજ વધતો જતાં પ્રતિબળો કાર્યશીલ બને છે. નિક્ષેપજમાવટ પર વિરૂપતાની અસર હેઠળ ગેડીકરણ અને સ્તરભંગરચનાઓ ઉદ્ભવતી રહે છે. બોજવૃદ્ધિથી સ્તરો દબાતા જાય છે, આગ્નેય અંતર્ભેદનો ઉત્પન્ન થતાં રહે છે. આ અવસ્થાનાં પરખલક્ષણો આ પ્રમાણે તારવી શકાય : (i) ઉગ્ર ભૂકંપીય ક્રિયાઓ થાય, જે ક્વચિત્ જ્વાળામુખી-પ્રક્રિયા સાથે પણ સંકળાયેલી હોય; (ii) ઓછાવત્તા પૂર્ણ સ્વરૂપવાળી ગેડ અને સ્તરભંગરચનાઓ (નૅપ) જેવાં રચનાત્મક લક્ષણો દર્શાવે; (iii) ગિરિનિર્માણ થવાની સાથે ઘસારાનાં પરિબળો કાર્યશીલ બની રહે.

(2) યુવાવસ્થા (young stage) : આ કક્ષાની શરૂઆતમાં પર્વતોનું ઉત્થાન થતું રહે છે, ઉત્થાનદર ઘસારાના દર કરતાં વધુ હોય છે. પરિણામે ઉન્નત ગિરિમાળા રચાય છે, પર્વત-ઢોળાવો સીધા (steep) હોય છે અને તળેટીમાં ઘસારાજન્ય પંખાકાર કાંપનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પર્વતશૃંગો ધારદાર અણીવાળાં થતાં જાય છે. સીધા દીવાલોવાળાં કોતરો રચાય છે. જળધોધની સ્થિતિ પણ સર્જાતી રહે છે. નદીઓ વેગવાળી, પૂરપ્રવાહવાળી બને છે. ભૂપાત-હિમપ્રપાત થતા રહે છે. હિમાલય આ પ્રકારની અવસ્થા માટેનું જ્વલંત ઉદાહરણ છે.

(3) પ્રૌઢાવસ્થા (mature stage) : આ કક્ષા દરમિયાન ઉત્થાન અટકી જાય છે. ઘસારાનો દર વધતાં ઘસારાજન્ય લક્ષણો પ્રધાનપણે તરી આવે છે. પર્વતોની ઊંચાઈ ક્રમશ: ઘટતી જાય છે. પર્વતશૃંગો ગોળાકાર સ્વરૂપમાં ફેરવાતાં જાય છે, વનસ્પતિ-આવરણ વધે છે. આછા ઢોળાવ-વિસ્તારો પંખાકાર કાંપના ઢગલાઓથી આચ્છાદિત બની રહે છે.

(4) વૃદ્ધાવસ્થા (old stage) : આ કક્ષાએ પહોંચતાં પર્વતો સ્મૃતિચિહ્નોની જેમ અવશેષરૂપ બની રહે છે. ઊંચાઈ ખૂબ જ ઘટી જાય છે, કેટલાક વિસ્તારો ધોવાણની સમભૂમિ માફક નીચાણવાળા દેખાય છે. સમગ્ર સ્થળશ્ય તદ્દન ઓછી ઊંચાઈવાળું, ખાડાટેકરાઓ જેવું તેમ જ છૂટીછવાઈ અવશિષ્ટ ટેકરીઓવાળું બની રહે છે.

નદી અને પર્વત અન્યોન્યપૂરક ભૂમિલક્ષણો ધરાવતાં હોવાથી બંનેનાં જીવનચક્ર પરસ્પર આધારિત બની રહે છે.

પર્વતોની ઉત્પત્તિ : પર્વતોની ઉત્પત્તિને બે પ્રકારે સમજાવવામાં (મૂલવવામાં) આવેલી છે :

(i) ગિરિનિર્માણ પર આધારિત સિદ્ધાંતો મુજબ, (ii) આધુનિક સંકલ્પના મુજબ.

જૂની સંકલ્પનાઓ : (1) સંકોચન-સિદ્ધાંત : સુકાયેલા ફળનાં છોતરાં પર પડતી કરચલીઓની માફક પૃથ્વી પર પર્વતો બનેલા હોવાનું અગાઉ માનવામાં આવતું હતું. પૃથ્વીની ઉત્પત્તિ વખતે તે ગરમ હતી, ઠંડી પડતી ગઈ તેમ સંકોચાતી ગઈ. સંકોચનથી પોપડા પર કરચલીઓ ઊપસી આવી. પર્વતો આ પ્રકારના ઊપસી આવેલા ભાગો છે એવી માન્યતા પ્રચલિત હતી. ત્યારે એક બાબત તો સ્વીકારવામાં આવેલી છે કે પૃથ્વીનો ગોળો ઠંડો પડતો જાય છે; કારણ કે કિરણોત્સારી ખનિજો ગરમી ઉત્પન્ન કરે છે. આ બંને હકીકતો પરથી સંકોચનની સંકલ્પનાનું મહત્ત્વ રહેતું નથી.

(2) ઘર્ષણથી ઉદ્ભવતી ગરમીનો સિદ્ધાંત : નિક્ષેપજમાવટથી થતા વધુ પડતા બોજને કરાણે ભૂ-સંનતિમય થાળાના તળમાં ફાટો પડતી જતી હોય, જેનાથી ઘર્ષણજન્ય ગરમી ઉદ્ભવતી હશે એમ મનાય છે. આ ગરમી નિક્ષેપોને વિસ્તરવા માટે પૂરતી થઈ પડતી હશે. આ રીતે નિક્ષેપો ઊંચકાતા હશે. પર્વતો સાથે સંકળાયેલાં દાબનાં બળોની સમજ માટે આ સિદ્ધાંત બંધ બેસતો નથી.

(3) ભૂસંનતિમય સિદ્ધાંત : જે લાંબા, દબાતા જતા દરિયાઈ થાળામાં નિક્ષેપજમાવટ થતી રહે છે, તેને ભૂ-સંનતિમય થાળું કહે છે. તેમાં કણજમાવટ થતી રહે છે અને થાળું છીછરું રહે છે. વજન ઉમેરાતું જાય છે, થાળું દબાતું જાય છે, જગા થતાં વધુ બોજ ઉમેરાય છે. ભૂ-સંનતિમય થાળાની બંને બાજુઓ ક્રમે ક્રમે નજીક ને નજીક આવતી જાય છે, પરિણામે દાબનાં બળો ક્રિયાશીલ બનતાં જાય છે, છેવટે થાળાના સ્તરોનું ગેડીકરણ થાય છે, સ્તરભંગવાળા બને છે અને દાબને કારણે છેવટે ઉત્થાન પામતા જઈ પર્વતોમાં ફેરવાય છે.

(4) સમતુલાત્મક પુનર્ગોઠવણી સિદ્ધાંત : વજનમાં હલકું દ્રવ્ય ભારે દ્રવ્યની ઉપર તરફ ગોઠવણી પામે છે. ઘનતા મુજબ પૃથ્વીનાં હલકાં ભૂમિસ્વરૂપો ઊંચકાઈને ઉપર તરફ આવે છે અને ભારે ભૂમિસ્વરૂપો દબાઈને નીચે તરફ જાય છે; પરંતુ આ સિદ્ધાંત ક્ષિતિજસમાંતર સંચલન માટે બંધબેસતો આવતો નથી.

(5) ખંડીય પ્રવહન સિદ્ધાંત : વેજનરના મત મુજબ, ખંડીય પ્રવહન થવાથી ખંડો અરસપરસ અથડાયા હશે અને અથડામણથી ખંડો પર પર્વતો ઊંચકાઈ આવ્યા હશે.

(6) ઉષ્ણતાચક્ર અધિતર્ક : જોલી દ્વારા પ્રતિપાદિત થયેલો આ અધિતર્ક કહે છે કે ‘સિમા’(sima)થી બનેલાં પડ પર ‘સિયલ’(sial)થી બનેલાં પડ તરે છે. બંને પડમાં કિરણોત્સારી દ્રવ્ય રહેલું હોય છે. તેમાંથી ગરમી છૂટી પડે છે. સિયલમાં ઉદ્ભવતી ગરમી પોપડામાંથી વિકિરણ દ્વારા જતી રહેતી ગરમી સાથે સમતુલા જાળવી રાખે છે; પરંતુ સિમામાં ઉદ્ભવતી ગરમી જતી રહેતી ન હોવાથી સિમા પીગળે છે, તેથી ઘનતા ઘટે છે. આ કારણે સિયલ સિમામાં દબાય છે. આથી તે ગરમી ગુમાવે છે અને ઘનતાનું પ્રમાણ જળવાય છે. આથી સિયલ ઉત્થાન પામે છે. આ પ્રકારનું ચક્ર ચાલુ જ રહે છે.

(7) ઉષ્ણતાનયનપ્રવાહ સિદ્ધાંત : હોમ્સના મત મુજબ, પોપડાની નીચે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઉષ્ણતાનયન-પ્રવાહો વહે છે, જેને કારણે પોપડામાં વિરૂપતા આવે છે, જે ગિરિનિર્માણ માટે જવાબદાર છે.

ઉપરના સિદ્ધાંતો હવે કાલગ્રસ્ત (નિરર્થક) બન્યા છે. તે પૂરેપૂરા સંતોષકારક ન હોવાથી આધુનિક સંકલ્પનાનો ઉદય થયેલો છે.

આધુનિક સંકલ્પના (modern concept) : પર્વતોના ખડકબંધારણમાં રહેલા દ્રવ્યજથ્થાનો તેમ જ તેમના ઉત્થાન પાછળ રહેલી ઘટના અને પ્રક્રિયા(ક્રિયાપદ્ધતિ)ની સ્પષ્ટતા આધુનિક સંકલ્પના દ્વારા થઈ જાય છે. દુનિયાની જટિલ ગણાતી આલ્પ્સ કે હિમાલય જેવી ગેડવાળી પર્વતરચના ઘણી જાડાઈના જળકૃત ખડકોથી બનેલી છે. આ ખડકો ઉગ્રપણે ગેડીકરણ પામેલા છે અને સ્તરભંગોની વિશિષ્ટ અસરોવાળા છે. ભૂ-સંનતિમય થાળામાં મૂળભૂત ક્ષિતિજસમાંતર સ્થિતિમાં જમાવટ પામેલા જળકૃત ખડકસ્તરો ગેડીકરણ-સ્તરભંગ પ્રક્રિયામાં કેવી રીતે સંડોવાયા તેમ જ ઉન્નત ગિરિમાળાઓમાં કેવી રીતે ઊંચકાયા તે સમજવા માટે અમુક ચોક્કસ પ્રકારે તબક્કાવાર થયેલી ઘટનાઓની જરૂરિયાત પર તે ભાર મૂકે છે.

પર્વતોમાં જોવા મળતાં નીચેનાં જટિલ લક્ષણોને વ્યવસ્થિત રીતે સમજાવી શકે એવો સિદ્ધાંત જ પર્વતોની ઉત્પત્તિસ્થિતિ માટે યોગ્ય નીવડી શકે : 1. ગેડવાળા પર્વતો ઘણી જાડાઈવાળા જળકૃત ખડકોથી બનેલા હોય છે. 2. નિક્ષેપજમાવટનો છીછરી ઊંડાઈનો જળનિક્ષેપ-પ્રકાર. 3. નિક્ષેપોમાં થયેલી ગેડ-સ્તરભંગ જેવી વિરૂપતા. 4. આગ્નેય અંતર્ભેદકો અને વિકૃતિનું સંકલન. 5. પર્વતોનું સ્થાનીકરણ. 6. પર્વતોની ઉપસ્થિતિ. 7. ગુરુત્વ-અસાધારણતા.

આ માટે આલ્પ્સનું ઉદાહરણ લેતાં તેમાં રહેલા જળકૃત ખડકો 15,000 મીટરની જાડાઈના છે, પરંતુ તેમ છતાં તે છીછરો જળનિક્ષેપ-પ્રકાર દર્શાવે છે. આટલી જાડાઈ છતાં છીછરી ઊંડાઈ હોય તો તે બાબત સ્પષ્ટ થતી નથી; પરંતુ તે માટે ભૂ-સંનતિમય સંજોગસ્થિતિ હોવાનું જરૂરી બની જાય છે.

ભૂ-સંનતિ એટલે ખંડીય કિનારીઓની નજીક રહેલાં લાંબાં દરિયાઈ થાળાં, જેમાં નિક્ષેપજમાવટ થતી રહે. થાળાં છીછરાં હોય, જેમ જેમ તેમાં બોજ વધતો જાય તેમ તેમ દબાતાં જાય અને જગ્યા થતાં તેમાં વધુ બોજ ઉમેરાતો જાય. આ પ્રકારના નિક્ષેપો દરિયાઈ જળઉત્પત્તિવાળા છે. તે તેમાં રહેલા દરિયાઈ જીવાવશેષો દ્વારા સમજી શકાય. ઊંડામાં ઊંડા સમુદ્રની ઊંડાઈ કરતાં પણ વધુ જાડાઈવાળા ખડકસ્તરો કેવી રીતે જામી શક્યા તે થાળાની વધુ ને વધુ ક્રમશ: દબાતા જવાની સ્થિતિ પરથી સમજી શકાય છે. સમુદ્રતળ દબાતું જવાથી ફાટતું ગયું, ભૂમધ્યાવરણ(mantle)માં ભળતું ગયું, બાજુઓ પરના નિક્ષેપોમાં કરચલીઓ પેદા થતી ગઈ, બાજુઓ વધુ નજીક આવતી ગઈ. ભૂમધ્યાવરણમાં દબાતા જતા ભાગનું મૅગ્મામાં રૂપાંતર થતું ગયું, આગ્નેય અંતર્ભેદનો ઊપસતાં ગયાં અને ઉપરના સ્તરોમાં પ્રવેશતાં ગયાં, ક્યારેક જ્વાળામુખી-પ્રસ્ફુટનો પણ થતાં ગયાં. ગરમી અને દબાણની સંયુક્ત અસરોથી દાબ-ઉષ્ણતા-વિકૃતિ થઈ, મૅગ્માજન્ય અંતર્ભેદનોની નજીક સંસર્ગ-વિકૃતિની અસર થઈ. વચ્ચેના ભાગમાં અંતર્ભેદકો, ત્યાંથી બંને બાજુઓ તરફ અમુક અંતર સુધી વિકૃતિની અસર અને બાહ્ય વિભાગો વિકૃતિરહિત માત્ર જળકૃત ખડકો બન્યા. વિકૃતિની કક્ષાઓ અંદરથી બહારના ભાગો તરફ ઓછી ને ઓછી અસરવાળી બની રહી.

ભૂ-સંનતિમય થાળામાં કરોડો વર્ષો સુધી જમાવટના બોજની સ્થિતિ માઝા મૂકે ત્યારે તે વિસ્તાર સમતુલા ગુમાવે છે, ઉત્થાનની સ્થિતિ સર્જાય છે, સમગ્ર થાળાનો વિભાગ તમામ લક્ષણોસહિત તબક્કાવાર ઊંચકાઈને ઉન્નત ગિરિમાળામાં ફેરવાય છે. આ ઘટનાઓ પરથી અત્યંત જાડાઈવાળા ખડકસ્તરો, ઉગ્ર વિરૂપતા, આગ્નેય અંતર્ભેદનો, વિકૃતિનું પ્રમાણ, રચનાત્મક લક્ષણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યાં તે સર્વ સ્પષ્ટ બની રહે છે. આ બધાં લક્ષણોની એકસાથે મળતી સ્થિતિ આલ્પ્સ કે હિમાલય જેવી ઉન્નત ગેડપર્વતમાળાઓમાં જોવા મળે છે અને તેથી જટિલ લાક્ષણિકતાઓ સમજવાનું સરળ બની જાય છે. ભૂ-સંનતિમય થાળાની પ્રારંભિક કક્ષાથી માંડીને ઉન્નત ગિરિમાળામાં ફેરવાવાનો આખોય ઘટનાક્રમ નહિ નહિ તો 2080 કરોડ વર્ષનો કાળગાળો આવરી લે છે, જેમાં ઉત્થાનની પ્રક્રિયા તો પ્રમાણમાં થોડાંક જ કરોડ વર્ષ લે છે. પશ્ચાત્ ભૂસંચલન-નિક્ષેપો ‘મોલાસ’ના સ્વરૂપમાં જમા થાય છે, જે ગિરિનિર્માણક્રિયાના અંતનો નિર્દેશ આપી જાય છે.

આકૃતિ 4 : પ્રત્યેક ખંડનો ઊંચામાં ઊંચો પર્વત. તુલનાત્મક ઊંચાઈ દર્શાવતું રેખાંકન.

સ્થળકાળ મુજબ ગિરિનિર્માણક્રિયાઓ : ઉત્થાન પામેલી ગિરિમાળાઓમાં જોવા મળતાં વિવિધ લક્ષણો પરથી ગિરિનિર્માણક્રિયાનો ઇતિહાસ ઊભો કરી શકાય. આ ઉપરથી પૃથ્વીના જુદા જુદા વિભાગોમાં પ્રાચીન કાળમાં થયેલી ગિરિનિર્માણક્રિયાઓ અને સંકળાયેલી ભૂ-તકતીઓનાં સંચલનનો ખ્યાલ મેળવી શકાય. અમુક પ્રકારના નિક્ષેપો પરથી ગિરિનિર્માણ-ઘટનાના અંતનો સમય નક્કી કરી શકાય છે; જેમ કે, વાયવ્ય યુરોપમાં મળતા ઓલ્ડ રેડ સેન્ડસ્ટોન પરથી કૅલિડોનિયન ગિરિનિર્માણ ડેવોનિયનના અંતિમ ચરણમાં પૂરું થયેલું ગણાય છે. એ જ રીતે પર્મિયનમાં મળતો ન્યૂ રેડ સૅન્ડસ્ટોન હર્સિનિયન ગિરિનિર્માણ પૂરું થયાની સ્પષ્ટતા કરી આપે છે.

હિમાલયની વિશાળ પર્વતમાળાઓ અને વિશ્વમાં તેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ

પૃથ્વી પરનાં ભૂકવચો પર થયેલી ગિરિનિર્માણ-ઘટનાઓનો ઇતિહાસ ઉખેળીએ તો તેમાંના ભૂસ્તરીય સંગ્રહ પરથી જાણવા મળે છે કે પ્રી-કૅમ્બ્રિયન કાળગાળામાં આજથી અનુક્રમે 280, 190 અને 110 કરોડ વર્ષ અગાઉ એક પછી એક એમ ત્રણ ગિરિનિર્માણની ઘટનાઓ થયેલી છે. અરવલ્લી-ગિરિનિર્માણનો કાળ 170 કરોડ વર્ષ અગાઉનો મુકાયેલો છે. આનો અર્થ એવો નથી કે 280 કરોડ વર્ષ અગાઉ ગિરિનિર્માણ થયેલું નથી, પણ તેના પુરાવા હજી ચોક્કસપણે મળી શક્યા નથી.

હિમાલયનું ઉદાહરણ : ભારતીય ઉપખંડની ઉત્તર સરહદે ભવ્ય અને ઉન્નત હિમાલય હારમાળાઓથી બનેલો કમાનાકાર તેમ જ જટિલ લક્ષણોવાળો ગેડપર્વતનો પટ્ટો આવેલો છે. આ પર્વતોની ઉત્પત્તિ માટે દ્વીપકલ્પીય ભારતની એશિયાઈ ખંડ સાથે થયેલી અથડામણને કારણભૂત ગણાવેલી છે. ખંડ ખંડ વચ્ચે થયેલી અથડામણના પ્રકારમાં તે મુકાય છે. 20 કરોડ વર્ષ અગાઉ હિમાલયનું કોઈ અસ્તિત્વ ન હતું, પરંતુ તે વખતે ટેથીસ નામે ઓળખાતો, યુરોપ અને એન્ટાર્ક્ટિકાને અલગ પાડતા પાન્થાલસા મહાસાગરનો ફાંટો તે સ્થાને ઘૂઘવતો હતો. ત્યારે વર્તમાન આકારવાળા ભારતને બદલે માત્ર દ્વીપકલ્પીય ભારતીય ભાગ દક્ષિણ ગોળાર્ધમાં એન્ટાર્ક્ટિકા સાથે (ગોંડવાના ખંડ સ્વરૂપે) જોડાયેલો હતો. ગોંડવાના ખંડમાં જ્યારે ભંગાણ થયું ત્યારે, 20 કરોડ વર્ષ અગાઉ, અન્ય ખંડોની જેમ ભારત છૂટો પડ્યો. ભારતે તેની ભવ્ય સફર શરૂ કરી, શરૂઆતમાં ઈશાનતરફી અને પછી ઉત્તરતરફી પ્રવહન કરીને 9000 કિમી.નો પ્રવાસ ખેડી, છેવટે એશિયાઈ ખંડ સાથે અથડાયો. (જુઓ નીચેની આકૃતિ.) બે ખંડ વચ્ચે આજથી 3.8 કરોડ વર્ષ અગાઉ અથડામણ થઈ હોવાની ગણતરી મુકાઈ છે. અથડામણની આ ઘટનામાં ભારતીય ભૂ-તકતી એશિયાઈ ભૂ-તકતીની નીચે તરફ દબાતી ગયેલી છે. જોડાણને સ્થાને પોપડાની જાડાઈ 100 કિમી.થી વધુ હોવાનો અંદાજ છે. પરિણામે ત્યાં હિમાલય અને ઉત્તરીય વિભાગ 8000 મીટરથી વધુ ઊંચાઈ સુધી ક્રમશ: ઊંચકાઈ આવ્યો છે.

આકૃતિ 3 : દ્વીપકલ્પીય ભારતીય ભાગની ભવ્ય સફર

આ જોડાણ થયું ત્યાં સુધીના લાંબા કાળગાળા દરમિયાન એશિયા ખંડમાંથી અને સ્થળાંતર કરતા રહેતા દક્ષિણસ્થિત ભારતીય ભાગમાંથી ઘસારાજન્ય નિક્ષેપદ્રવ્ય જથ્થો ટેથીસમાં ઠલવાતો રહ્યો અને નિક્ષેપજમાવટ થતી રહી. ઘણી જાડાઈના સ્તરો જામ્યા. તૃતીય જીવયુગ દરમિયાન ટેથીસનું તળ ઊંચકાતું ગયું, અથડામણનાં પગરણ મંડાતાં ગયાં તેમ તેમ નિક્ષેપજથ્થો દાબનાં પ્રતિબળોની અસર હેઠળ ભીંસાતો ગયો અને છેવટે હિમાલયની ગેડપર્વતશૃંખલાના સ્વરૂપે તે ઉત્થાન પામતો રહ્યો. સમુદ્રીય પોપડાનો કેટલોક ભાગ પણ આ અથડામણમાં (આ ખંડોના અધોવિભાગમાં) સંડોવાયેલો છે.

સંભવિતપણે હિમાલયનું ઉત્થાન મુખ્યત્વે ચાર (કેટલાક નિષ્ણાતોના મત મુજબ પાંચ) તબક્કાઓમાં વહેંચાયેલું છે, જે નીચેની સારણી પરથી સ્પષ્ટ થાય છે :

હિમાલયનું ઊર્ધ્વગમન

કાલખંડ વર્ષ અગાઉ તબક્કો વિશિષ્ટ લક્ષણો
ઊર્ધ્વ 3.8 પ્રથમ મંદ ઊર્ધ્વગમન. નરી-, ગજ-,
મરી-નિક્ષેપોની જમાવટ
મધ્ય 1.5 દ્વિતીય ઉગ્ર ઊર્ધ્વગમન. શિવાલિક
માયોસીન કરોડ વર્ષ રચનાના ખડકોનો વિકાસ
ઇયોસીન કરોડ વર્ષ
અંતિમ 40 તૃતીય મંદ ઊર્ધ્વગમન. પ્લાયસ્ટોસીન
પ્લાયોસીન લાખ વર્ષ હિમયુગનો પ્રારંભ. શિવાલિક.

સસ્તન પ્રાણીઓની વિલુપ્તિ

અંતિમ 2.5 ચતુર્થ મંદ ઊર્ધ્વગમન.
પ્લાયસ્ટોસીન લાખ વર્ષ પીરપંજાલ હારમાળાએ તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી. હિમયુગનો છેલ્લો તબક્કો.

દુનિયાની મુખ્ય પર્વતમાળાઓ

નામ સ્થાન ઊંચામાં ઊંચું શિખર પર્વતમાળાની  
    (ઊંચાઈ મીટરમાં)   લંબાઈ (કિમી.)
હિમાલય એશિયા માઉન્ટ એવરેસ્ટ 8848 2400
એન્ડીઝ દ.અમેરિકા એકોનકાગ્વે 6959 7200
આલ્પ્સ યુરોપ મૉંટ બ્લૅન્ક 4807 1200
રૉકીઝ ઉ.અમેરિકા માઉન્ટ આલ્બર્ટ 4399 5300
એટલાસ આફ્રિકા જબેલ તૌબકલ 4165 2400
સ્કૉટિશ-નૉર્વેજિયન

ઉચ્ચભૂમિ-પ્રદેશ

યુરોપ ગ્લિટરટીંડ 2470 2500
ગ્રેટ ડિવાઇડ ઑસ્ટ્રેલિયા કૉસ્કિવ્સ્કો 2228 3700
ઍપેલેશિયન ઉ.અમેરિકા માઉન્ટ મિશેલ 2037 3100
યુરલ રશિયા માઉન્ટ નારોદનાયા 1894 2400

દુનિયાનાં મુખ્ય પર્વતશિખરોની માહિતી : 1

નામ દેશ/પર્વત ઊંચાઈ (મીટર) પ્રથમ આરોહણ તારીખ
 1. એવરેસ્ટ નેપાળ-તિબેટ, હિમાલય 8848 મે 29, 1953
 2. ગોડવિન ઑસ્ટિન (K2) ભારત-કારાકોરમ 8611 જુલાઈ 31, 1954
 3. કાંચનજંઘા નેપાળ, હિમાલય 8598 મે 25, 1955
 4. લ્હોત્સે હિમાલય 8511 મે 18, 1956
 5. મેકેલુ I હિમાલય 8481 મે 15, 1955
 6. ધવલગિરિ I હિમાલય 8167 મે 13, 1960
 7. માનસ લુ I હિમાલય 8156 મે 9, 1956
 8. ચો યુયો હિમાલય 8153 ઑક્ટો. 19, 1954
 9. નંગા પર્વત હિમાલય 8125 જુલાઈ 3, 1953
10. અન્નપૂર્ણા I નેપાળ, હિમાલય 8078 જૂન 3, 1950
11. ગેશરબ્રમ I કારાકોરમ 8068 જુલાઈ 5, 1958
12. બ્રૉડ પીક કારાકોરમ 8047 જૂન 9, 1957
13. ગેશરબ્રમ II કારાકોરમ 8034 જુલાઈ 7, 1956
14. ગોસાઇન્થાન (= શીશા પેન્ગ્મા) હિમાલય 8013 મે 2, 1964
15. ગેશરબ્રમ III કારાકોરમ 7952 ઑગસ્ટ 11, 1975
16. અન્નપૂર્ણા II હિમાલય 7937 મે 17, 1960
17. ગેશરબ્રમ IV કારાકોરમ 7924 ઑગસ્ટ 6, 1958
18. ગ્યા ચુંગ કાંગ હિમાલય 7921 એપ્રિલ 10, 1964
19. કાંગ બૅચેન હિમાલય 7902 મે 26, 1974
20. દિસ્તેઘીલ સર I કારાકોરમ 7884 જૂન 9, 1960
21. હિમલ ચુ લી હિમાલય 7864 મે 24, 1960
22. ખિન્યાંગ છીશ કારાકોરમ 7852 ઑગસ્ટ 26, 1971
23. નુપ્ત્સે હિમાલય 7841 મે 16, 1961
24. માનસ લુ II હિમાલય 7835 ઑક્ટો. (?) 1970
25. મેશરબ્રમ ઈસ્ટ કારાકોરમ 7821 જુલાઈ 6, 1960
26. નંદાદેવી હિમાલય 7817 ઑગસ્ટ 29, 1936
27. ચોમો લોન્ઝો હિમાલય 7815 ઑક્ટો. 30, 1954
28. ન્ગોજુમ્બા રી I હિમાલય 7805 મે 5, 1965
29. રાકાપોશી કારાકોરમ 7788 જૂન 25, 1958
30. બતુરા મુઝતાઘ I કારાકોરમ 7785 જૂન 30, 1976
31. ઝેમુ ગૅપ પીક હિમાલય 7780 આરોહણવિહીન
32. કંજત સર કારાકોરમ 7760 જુલાઈ 19, 1959
33. કામેટ હિમાલય 7756 જૂન 21, 1931
34. નામચા બર્વા હિમાલય 7755 આરોહણવિહીન
35. ધવલગિરિ II હિમાલય 7751 મે 18, 1971
36. સાલ્ટોરો કાંગરી I કારાકોરમ 7741 જુલાઈ 24, 1962
37. બતુરા મુઝતાઘ II કારાકોરમ 7730 1978
38. ગુર્લા માન્ધાતા તિબેટ, હિમાલય 7728 આરોહણવિહીન
39. ઉલુઘ મુઝતાઘ કુન લુન શાન 7725 આરોહણવિહીન
40. કુન્ગુર (કોન્ગુર) II પામીર 7719 જુલાઈ 12, 1981
41. ધવલગિરિ III હિમાલય 7715 ઑક્ટો. 23, 1973
42. જન્નુ હિમાલય 7709 એપ્રિલ 27, 1962
43. તિરિચ મીર પાકિસ્તાન, 7706 જુલાઈ 21, 1950
44. સાલ્ટોરો કાંગરી II કારાકોરમ 7705 આરોહણવિહીન
45. દિસ્તેઘીલ સર E કારાકોરમ 7700 આરોહણવિહીન
46. સસેર કાંગરી I કારાકોરમ 7672 જૂન 5, 1973
47. ચોગો લીસા SW કારાકોરમ 7665 ઑગસ્ટ 2, 1975
48. ફોલા ગંગછેન હિમાલય 7661 આરોહણવિહીન
49. ધવલગિરિ IV હિમાલય 7661 મે 9, 1975
50. મેકેલુ II હિમાલય 7660

દુનિયાનાં મુખ્ય પર્વતશિખરોની માહિતી : 2

નામ દેશ/પર્વત ઊંચાઈ (મીટર)
 1. મિન્યા કોન્કા ચીન 7590
 2. માઉન્ટ કૉમ્યુનિઝમ તાઝિકસ્તાન 7495
 3. પોબેદા પીક કિર્ગિઝસ્તાન 7439
 4. મુઝતાઘ અતા ચીન 7434
 5. મુઝતાઘ ચીન 7282
 6. ચોમો લ્હારી ભારત-તિબેટ 7100
 7. બદરીનાથ    ’’  (કુમાઉં હિમાલય) 7073
 8. એકોનકાગુઆ આર્જેન્ટીના 6959
 9. ઓજોસ ડેલ સેલેડો આર્જેન્ટીના-ચિલી 6868
10. સેરો આર્જેન્ટીના 6773
11. મર્સીડેરીઓ હૉસ્કેરન પેરુ 6768
12. લિવલેઇલેકો ચિલી 6723
13. ગંગોત્રી હિમાલય 6594
14. તુપુનગાટો ચિલી-આર્જેન્ટીના 6550
15. સજામા વૉલ્કેનો બોલિવિયા 6520
16. લ્લામ્પુ બોલિવિયા 6482
17. વિલ્કેનોટા પેરુ 6300
18. ચિમ્બોરાઝો ઇક્વેડોર 6267
19. મેકકિનલે અલાસ્કા દ. શિખર 6194
        ઉ. શિખર 5934
20. લોગાન કૅનેડા 5951
21. એલ્બુ્રસ કોકેસસ 5633
22. માઉન્ટ કેન્યા કેન્યા 5199
23. વિલહેમ પાપુઆ, ન્યૂગિની 4509
24. રેનિયર વૉશિંગ્ટન, યુ.એસ. 4392
25. માઉન્ટ વિક્ટોરિયા પાપુઆ, ન્યૂગિની 4036
26. માઉન્ટ આલ્બર્ટ એડવર્ડ પાપુઆ, ન્યૂગિની 3993
27. એરીબસ ઍન્ટાર્ક્ટિકા 3794
(રૉસ ટાપુના સંદર્ભમાં ઊંચાઈ)
28. ફ્યૂજી જાપાન 3776
29. કૂક ન્યૂઝીલૅન્ડ 3764
30. એટના સિસિલી 3390
31. એપો ફિલિપાઇન્સ 2954
32. રૂઆપેહુ ન્યૂઝીલૅન્ડ 2797
33. દોદાબેટા, નીલગિરિ ભારત, પશ્ચિમઘાટ 2652
34. સેન્ટ હેલેન્સ વૉશિંગ્ટન, યુ.એસ. 2549
35. એગમોન્ટ ન્યૂઝીલૅન્ડ 2518
36. કૉસ્કિવ્સ્કો ઑસ્ટ્રેલિયા 2230
37. ટાઉનસૅન્ડ ઑસ્ટ્રેલિયા 2210
38. બોગોન્ગ ઑસ્ટ્રેલિયા, વિક્ટોરિયા 1986
39. બલર ઑસ્ટ્રેલિયા, વિક્ટોરિયા 1807
40. લેમિંગ્ટન પાપુઆ, ન્યૂગીની 1798
41. પિનાટુબો ફિલિપાઇન્સ, લ્યુઝોન 1745
42. બફેલો ઑસ્ટ્રેલિયા, વિક્ટોરિયા, આલ્પ્સ 1723
43. ગુરુશિખર ભારત, અરવલ્લી 1722
44. ઓસ્સા ટસ્માનિયા 1617
45. બાર્ટલ ફ્રેરી ઑસ્ટ્રેલિયા, ક્વીન્સલૅન્ડ 1611
46. ઝીલ ઑસ્ટ્રેલિયા (ઉત્તર) 1531
47. વૂડરોફ ઑસ્ટ્રેલિયા (દક્ષિણ) 1440
48. વિસુવિયસ ઇટાલી 1277
49. વેલિંગ્ટન ટસ્માનિયા 1270
50. બ્રુસ ઑસ્ટ્રેલિયા (પશ્ચિમ) 1227
51. ગિરનાર ભારત, ગુજરાત 1174
52. ઑગસ્ટસ ઑસ્ટ્રેલિયા (પશ્ચિમ) 1106

ગિરીશભાઈ પંડ્યા