પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul)
February, 1998
પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul) (જ. 22 સપ્ટેમ્બર 1959, શેમ્પેનઅર્બાના, ઈલિનૉય, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કારનો અર્ધભાગ તેમને મળ્યો હતો તથા બીજો અર્ધભાગ બ્રાયન શ્મિટ તથા આદમ રીઝ વચ્ચે વિભાજિત થયો હતો.
પર્લમુટ્ટરના પિતા યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં રસાયણ તથા જીવઆણ્વિક ઇજનેરીના પ્રાધ્યાપક હતા અને તેમનાં માતા ટેમ્પલ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ સોશિયલ ઍડ્મિનિસ્ટ્રેશનમાં પ્રાધ્યાપિકા હતાં. કુટુંબ યહૂદી હતું. પર્લમુટ્ટરના નાના (માતાના પિતા) 1919માં પૂર્વ યુરોપના બેસારાબિયન શહેર ફ્લોરેસ્ટી(હાલનું યુક્રેન)થી સ્થળાંતર કરી કૅનેડામાં સ્થાયી થયા હતા.
પર્લમુટ્ટરે 1981માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી તથા 1986માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ લૉરેન્સ બર્કલે નૅશનલ લૅબોરેટરીના સુપરનોવા કૉસ્મોલૉજી પ્રોજેક્ટના વડા છે. અહીં તેમણે પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડ અંગેના પુરાવાઓ સ્વસંચાલિત દૂરબીન વડે શોધ્યા. આ પુરાવાઓ તેમણે બ્રહ્માંડમાં અત્યંત દૂર એવા Ia સુપરનોવાના નિરીક્ષણ દ્વારા મેળવ્યા. આ જ નિરીક્ષણો હાઈ–Z સુપરનોવા સર્ચ ટીમ – જેના માર્ગદર્શક શ્મિટ અને રિસ હતા – દ્વારા પણ કરવામાં આવ્યાં હતાં. આ બંને જૂથો સ્વતંત્ર રીતે એવા તારણ પર આવ્યાં કે સુપરનોવા જે ગતિથી દૂર જાય છે તે માત્ર હબલ દ્વારા સૂચવેલા પ્રસાર જેટલી સીમિત નથી, પરંતુ તે અબજો વર્ષથી પ્રવેગાત્મક રીતે દૂર ને દૂર ગતિ કરે છે. આ સંશોધનો માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.
ખગોળશાસ્ત્ર ઉપરાંત પર્લમુટ્ટર હાલમાં બર્કલે દ્વારા સંચાલિત પૃથ્વીની સપાટીના ઉષ્ણતામાનને લગતા અભ્યાસમાં જોડાયેલા છે. તેમનો હેતુ વૈશ્વિક સ્તરે થતા ઉષ્ણતામાનમાં વધારાનો અભ્યાસ કરવાનો છે. અત્યારે તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાં પ્રાધ્યાપક છે.
પર્લમુટ્ટરને ઘણાં ઇનામો અને પુરસ્કારો મળ્યાં છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍનર્જી દ્વારા તેમના માનમાં 2020 સુપરકમ્પ્યૂટરનું નામ પર્લમુટ્ટર આપવામાં આવ્યું છે.
પૂરવી ઝવેરી