પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર : પર્યાવરણની ભૂસ્તરશાસ્ત્ર પર થતી અસરનો અભ્યાસ. ભૂસ્તરરચના માટેનાં દ્રવ્યો તૈયાર કરવા માટે જરૂરી બધાં જ ક્રિયાશીલ પરિબળો પર, દ્રવ્યોમાંથી રચાતી નિક્ષેપક્રિયા પર તેમજ તત્કાલીન જીવંત પ્રાણીઓ કે વનસ્પતિ પર અને ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા બાહ્ય સંજોગોની સંયુક્ત અસરનો અભ્યાસ જે શાખા દ્વારા કરી શકાય તેને પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર કહેવાય. આ અંગે કાર્યરત રહેતાં જુદાં જુદાં પરિબળોમાં હવામાન-આબોહવા, પ્રકાશ, તાપમાનના ફેરફારો, પવન, પાણી, ભેજ, હિમ, હિમવર્ષા, વર્ષા, પ્રાણીઓ અને વનસ્પતિ કે કોઈ પણ પ્રકારનાં સેન્દ્રિય (organic) જીવનસ્વરૂપોનો સમાવેશ કરી શકાય.
બિનદરિયાઈ અને દરિયાઈ પર્યાવરણ જુદા જુદા પ્રકારનું હોય છે. બિનદરિયાઈ પ્રકારમાં ખંડીય (સામાન્ય ભૂમિજન્ય અને શુષ્ક-અર્ધશુષ્ક ભૂમિજન્ય), નદીજન્ય, સરોવરજન્ય, ખાડીસરોવરજન્ય, પંકભૂમિજન્ય પરિસ્થિતિ લઈ શકાય. પાર્થિવ જલીય પર્યાવરણના પેટાપ્રકારો નીચે મુજબ છે :
નદીજન્ય : નદીજન્ય, નદીનાળજન્ય અને ત્રિકોણપ્રદેશજન્ય. નદીઓ, સ્વચ્છ જળ અને ખારાં બની જતાં જળવાળા નદીનાળ પ્રદેશોની પરિસ્થિતિ.
પંકભૂમિજન્ય : પંકભૂમિથી ઉદ્ભવતી અસરો.
સમુદ્રમિશ્રિત સરોવરજન્ય : દરિયાઈ પરિસ્થિતિની અસર હેઠળનું સરોવરજન્ય પર્યાવરણ.
સરોવરજન્ય : સરોવરની શુદ્ધજલીય પરિસ્થિતિનો પ્રભાવ.
ખાડી–સરોવરજન્ય : સમુદ્રકિનારા પાસેનાં ખાડી-સરોવરો, કયાલ જેવા વિસ્તારોથી ઉદ્ભવતી અસરો.
ગિરીશભાઈ પંડ્યા