પરીખ રસિકલાલ (રાજવૈદ્ય)
February, 1998
પરીખ રસિકલાલ (રાજવૈદ્ય) (જ. અ. 14 નવેમ્બર 1989) : અમદાવાદની પ્રખ્યાત સંજીવની હૉસ્પિટલના સંચાલક વૈદ્ય. ગુજરાતભરમાં તેઓ શુદ્ધ આયુર્વેદના હિમાયતી તરીકે સુપ્રસિદ્ધ હતા. ‘ચરક’ નામનું માસિક પત્ર તેઓ પ્રકાશિત કરતા હતા. ગઢડાવાળા પ્રભાશંકર વૈદ્યના તેઓ પટ્ટશિષ્ય હતા. તન, મન, ધનથી આયુર્વેદની સેવા કરનારાઓમાં એમનું સ્થાન સર્વોપરી ગણાતું. ધૂની હોઈ પૈસા સામે જોયા વિના, તનતોડ મહેનત કરીને દર વર્ષે પોતાના ગુરુની સ્મૃતિમાં શુદ્ધ આયુર્વેદ સંમેલન ભરતા હતા.
અમદાવાદની મેડિકલ સ્કૂલમાં તેઓ દાક્તરી ભણીને એલ.સી.પી.એસ. થયેલા. એ દાક્તર ગઢડાના વૈદ્ય પ્રભાશંકર નાનાભટ્ટ બાપાના સંસર્ગમાં આવ્યા અને એમના શિષ્ય બન્યા. એમની પાસે આયુર્વેદ ભણ્યા અને સંજીવની હૉસ્પિટલ શરૂ કરી. તદ્દન અકિંચન રસિકલાલે જોતજોતાંમાં એ હૉસ્પિટલને ગુજરાતભરમાં જાણીતી કરી દીધી. રવિશંકર મહારાજ આ હૉસ્પિટલમાં સારવાર પામીને સાજા થયેલા.
તેઓ શુદ્ધ આયુર્વેદિક ચિકિત્સા કરતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનું ‘હરડે’ નામનું પુસ્તક સસ્તું સાહિત્ય વર્ધકે પ્રગટ કરેલું. એમના ગુરુ પ્રભાશંકર ‘હરડે વૈદ્ય’ તરીકે જાણીતા હતા. તેઓ ‘સારંગધર સંહિતા’, ‘માધવનિદાન’ તથા ‘ચિકિત્સાકલિકા’ના અનુવાદક તથા ‘ચરકદર્શન’, ‘પ્રસૂતાની સારવાર’, ‘ખોરાકના ગુણદોષ’, ‘સોનેરી સૂચનો’ વગેરે પુસ્તકોના લેખક તરીકે જાણીતા છે.
ગોવિંદપ્રસાદ વૈદ્ય