પરિસ્થિતિ-અનુકૂલન
February, 1998
પરિસ્થિતિ–અનુકૂલન : વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે સમાયોજન (adjustment) સાધવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં વ્યક્તિ કાં તો વાતાવરણને અનુરૂપ થાય છે અથવા તે તેને બદલે છે.
એક બાજુ વ્યક્તિની જરૂરિયાતો અને બીજી બાજુ વાતાવરણની માગણીઓ પૂરેપૂરી સંતોષાય તેવી પરિસ્થિતિ એટલે અનુકૂલન. બીજી રીતે કહીએ તો પરિસ્થિતિ-અનુકૂલન એટલે વ્યક્તિ અને તેના સામાજિક પર્યાવરણ વચ્ચેની સુસંવાદિતા.
વર્તમાન જગતમાં માનવી જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતો જોવા મળે છે. કુટુંબ, શાળા, કૉલેજ, ભિન્ન ભિન્ન વ્યવસાયો અને લગ્નજીવન જેવાં અનેક ક્ષેત્રોમાંથી સરળતાપૂર્વક પસાર થવા માટે માનવીએ પોતાની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડે છે. આ માટે વ્યક્તિ પાસે સમાયોજિત વ્યક્તિત્વ હોવું જરૂરી છે.
પરિસ્થિતિ-અનુકૂલન જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા છે. માનવીને અનુભવથી સમજાય છે કે તેની દરેક જરૂરિયાત ચોક્કસ પ્રકારની અનુકૂળ પરિસ્થિતિમાં જ સંતોષી શકાય છે. પરિસ્થિતિ-અનુકૂલન માટે વ્યક્તિએ કોઈની શરણાગતિ સ્વીકારવાની નથી, પણ અન્ય લોકો સાથે સુમેળ સાધવાનો હોય છે. પરિસ્થિતિ-અનુકૂલનનું અંતિમ ધ્યેય સામાજિક વાતાવરણમાંથી જન્મતી સામાજિક સમસ્યાઓના ઉકેલ દ્વારા સંતોષપ્રાપ્તિનું છે.
પરિસ્થિતિ-અનુકૂલનના નીચે મુજબ પ્રકાર પાડવામાં આવ્યા છે :
1. કૌટુંબિક અનુકૂલન : કૌટુંબિક અનુકૂલન રુચિકર અને સ્થાયી સામાજિક સંબંધો માટેનાં દ્વાર ખુલ્લાં કરે છે, જેનાથી એકલતાની લાગણી દૂર થાય છે. વ્યક્તિને પોતાને પોતે ઉપયોગી હોવાની લાગણી થાય છે, જેથી જીવનને અર્થપૂર્ણ બનાવવામાં સહાયતા મળે છે.
2. શાળાકીય અનુકૂલન : શાળાકીય જીવનમાં બાળકને ઘણા નવીન અનુભવો થાય છે. ઘર અને શાળા વચ્ચેનો સંબંધ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, સહાધ્યાયીઓ વચ્ચેનો પરસ્પર સંબંધ વગેરે પરિબળો પર શાળાકીય અનુકૂલનનો આધાર રહેલો છે.
3. વ્યાવસાયિક અનુકૂલન : જે વ્યક્તિએ મનપસંદ વ્યવસાય શોધી કાઢ્યો હોય તે ધન્ય બની જાય છે. વ્યાવસાયિક સંતોષ ઉપર વ્યક્તિના અનુકૂલનનો આધાર રહેલો હોય છે.
4. મનોજાતીય અનુકૂલન : પ્રેમસંબંધ અને લગ્નસંબંધમાં જાતીય અનુકૂલન અનિવાર્ય છે.
5. વૃદ્ધાવસ્થાનું અનુકૂલન : વૃદ્ધાવસ્થામાં સામાજિક એકલતા અને નિરુપયોગિતાના ખ્યાલ વિરુદ્ધ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું જરૂરી બને છે.
વ્યક્તિ જ્યારે પોતાની બાહ્ય પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી શકતી નથી ત્યારે સૌમ્ય અને તીવ્ર મનોવિકારોનો ભોગ બને છે, જેમાં મનશ્ચિકિત્સા અનિવાર્ય બને છે.
મૃગેશ વૈષ્ણવ