પરિસરનિસ્તેજન (limb darkening) : ખગોળીય પદાર્થના કેન્દ્રથી દૂરની બાજુ – પરિસર (limb) તરફ જોતાં દેખાતી નિસ્તેજનની ઘટના. પ્રકાશીય તરંગ-લંબાઈમાં સૂર્યના તેજાવરણ(photosphere)ની થાળી(disc)નું અવલોકન કરવાથી આ ઘટના જોઈ શકાય છે. તેજાવરણના કેન્દ્રથી દૂરની બાજુ પર ત્રાંસી દિશામાં કરાતા અવલોકનની તુલનામાં, લંબ-દિશામાં કેન્દ્રનું અવલોકન કરવાથી તેજાવરણમાં વધારે ઊંડા અને વધારે ગરમ સ્તરો જોઈ શકાય છે. તેની તેજસ્વિતા વધારે હોય છે. તેના પરિણામે નિસ્તેજનની ઉપર્યુક્ત ઘટના જોવા મળે છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા લેવાતી સૂર્ય-પ્રકાશિત પૃથ્વીની તસવીરમાં પણ પરિસર-નિસ્તેજનની ઘટના જોઈ શકાય છે. અલબત્ત, તેમાં લંબ-દિશા કરતાં ત્રાંસી દિશામાં વાતાવરણમાં થતું પ્રકાશનું વધારે શોષણ કારણભૂત હોય છે.

પરંતપ પાઠક