પરિવેષ્ટિત કિનારી (kelyphitic border)
February, 1998
પરિવેષ્ટિત કિનારી (kelyphitic border) : એક ખનિજની આજુબાજુ મોટે ભાગે વિકેન્દ્રિત સ્થિતિમાં જોવા મળતો અન્ય ખનિજવિકાસ થતાં બનેલો કિનારીવાળો ભાગ અથવા બે ખનિજો વચ્ચેની સંપર્ક-કિનારીવાળો ભાગ. આ પર્યાય પ્રક્રિયા-કિનારી કે ખવાણ પામેલી કિનારી (પ્રાથમિક ખનિજ-કિનારી પરની પરિવર્તન કે ખવાણપેદાશ) માટે અથવા પ્રાથમિક ખનિજ ઉપર પછીથી વિકસેલા ખનિજ-આચ્છાદન (ગ્રોસ્યુલેરાઇટ ઉપર ઇડોક્રેઝના પડનું આચ્છાદન) માટે અથવા મૂળભૂત સ્ફટિકીકરણ પામેલી ખનિજ-કિનારીવાળા ભાગ માટે પણ ઉપયોગમાં લેવાય છે.
અગાઉ બનેલાં ખનિજો અને મેગ્મા વચ્ચે ક્યારેક પ્રક્રિયા થતાં તેની અસર તે ખનિજ-કિનારીની આજુબાજુ રહી જાય છે. પૂર્ણ પ્રક્રિયાની અસરથી મૂળ ખનિજ મેગ્મામાં ભળી જાય છે, પરંતુ અપૂર્ણ પ્રક્રિયામાં કિનારી ખવાણની અસરવાળી રહી જાય છે. પરિણામે ખડક-કણરચનામાં ફેરફાર થાય છે અને સંરચના વિકસે છે. બૅસાલ્ટિક મેગ્મામાં આકસ્મિક પ્રવિષ્ટ થતો ક્વાટર્ઝ પાયરૉક્સીન કણોના પ્રક્રિયાવિભાગથી ઘેરાયેલો જોવા મળે ત્યારે આવી સંરચનાનું માળખું ઊભું કરે છે.
બીજી રીતે પણ આવી સંરચના વિકસી શકે છે. નજીક નજીક રહેલાં ઘન ખનિજો પર અભિસરણ પામતાં પ્રવાહીઓ પ્રક્રિયા કરે તો ખનિજોની વચ્ચેનો સંપર્ક-કિનારીવાળો વિભાગ અસર પામે છે.
ખનિજોની કિનારી પરના પ્રક્રિયાપટને ‘પ્રક્રિયા-કિનારી’ (reaction rim) કહેવાનું વધુ યોગ્ય છે. પ્રક્રિયા-કિનારીને કિરીટ (corona) ત્યારે કહેવાય જ્યારે પ્રાથમિક મેગ્માજન્ય પ્રક્રિયા થઈ હોય. ‘પરિવેષ્ટિત કિનારી’ ત્યારે કહેવાય જ્યારે પરિણામી ખનિજ બન્યું હોય અથવા મૂળ મેગ્મા સાથે કોઈ સંબંધ ન હોય. કિરીટ-સંરચનામાં જૂનું ખનિજ કેન્દ્ર (nucleus) તરીકે રહે છે; જેમ કે, નોરાઇટ કે ગૅબ્બ્રોમાંનું ઑલિવિન, જેની આજુબાજુ પાયરૉક્સીનનો દાણાદાર કે વિકેન્દ્રિત કે રેસાદાર પ્રક્રિયાવિભાગ બનેલો હોય છે.
પ્રાથમિક કિરીટ-સંરચના અને પરિણામી પરિવેષ્ટિત કિનારી વચ્ચેનો તફાવત સમજવાનું ક્યારેક મુશ્કેલ થઈ પડે છે. આ માટે વચ્ચેના અર્થવાળો ‘પ્રક્રિયા-કિનારી’ જેવો પર્યાય વધુ યોગ્ય બની રહે. ઑલિવિન, હાયપરસ્થીન અને ગાર્નેટની આજુબાજુ પાયરૉક્સીન કે ઍમ્ફિબૉલ દ્વારા પ્રક્રિયા-કિનારી વિકસે છે, જેમાં ફેલ્સ્પાર કે મૅગ્નેટાઇટ/પિકોટાઇટ જેવાં સ્પાઇનેલ બને છે.
ગિરીશભાઈ પંડ્યા