પરિછિદ્રક (reamer) : દાગીનામાં પાડેલા છિદ્રને સાફ કરી (વધુ સારું પૃષ્ઠ-સમાપન મેળવી), તેનાં પરિમાણો વધુ ચોક્કસ મેળવવા માટેનું સાધન. પ્રથમ ડ્રિલિંગ કર્યા પછી પરિછિદ્રક અથવા રીમર વપરાય છે. પરિછિદ્રકમાં શારડી(ડ્રિલ)નાં પાનાં કરતાં કર્તનધારો વધારે સંખ્યામાં હોય છે; પરંતુ ડ્રિલિંગમાં ધાતુ જેટલા પ્રમાણમાં છોલાય તેના કરતાં રીમિંગમાં ઓછી છોલાય છે; કારણ કે પરિછિદ્રકમાં ધારદીઠ કર્તન ઓછું થાય છે. આને લીધે છિદ્રનાં પરિમાણો વધુ ચોક્કસ અને સપાટી સારું સમાપન કરેલી (finished) મળે છે.
શારડીની માફક પરિછિદ્રકના પણ અનેક પ્રકારો છે. તેના ખાંચા સીધા કે સર્પિલ (helical) અને મધ્યાંગ (shank) પણ સીધું કે ઢાળવાળું ટેપરવાળું (tapered, શંકુ આકારનું) હોય છે. ઓજારની ધાતુની દૃષ્ટિએ બે પ્રકારનાં પરિછિદ્રક હોય છે : (1) દ્રુતચાલ પોલાદ (હાઈ-સ્પીડ સ્ટીલ) પરિછિદ્રક, (2) કાર્બાઇડ ટોચકાવાળું પરિછિદ્રક. ઉપયોગ અને આકારની દૃષ્ટિએ પરિછિદ્રકનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય :
(1) હસ્ત-પરિછિદ્રક (હૅન્ડ-રીમર), (2) યાંત્રિક પરિછિદ્રક, (3) છિદ્રના વ્યાસમાં વધારો કરી શકે તેવું પ્રસારી (expanding) પરિછિદ્રક.
હસ્ત-પરિછિદ્રક સીધા મધ્યાંગવાળું પાનું ધરાવે છે. તેમાં આવેલ ખાંચા સીધા અથવા સર્પિલ હોય છે. તેના શૅન્ક બાજુના મથાળે આવેલા ચોરસ અંતભાગ (tang) વડે પાનાને ટેપ-રેન્ચમાં પકડાવવામાં આવે છે અને સીગરા(vice)માં રાખેલ દાગીનાના છિદ્રમાં હાથ વડે ધીરે ધીરે ફેરવવામાં આવે છે. આ પ્રકારના પરિછિદ્રકમાં છેડાનો ભાગ ટેપરવાળો (શુંડાકાર) રાખવામાં આવે છે, જેથી છિદ્રમાં શરૂઆતમાં પરિછિદ્રક ઠેરવી શકાય. આ પ્રકારના પરિછિદ્રક વડે 0.125 મિમી.થી વધારે જાડો થર કાપવો ઠીક નથી. અહીં કર્તનકાર્ય બહુ ધીમે થતું હોવાથી પરિછિદ્રક માટે ઢાળેલું પોલાદ (cast steel) અથવા પૃષ્ઠ-કઠોરીકૃત પોલાદ (case hardened steel) વપરાય છે.
યાંત્રિક પરિછિદ્રક(machine reamer)માં શૅન્ક સીધો અથવા ટેપરવાળો હોય છે અને ખાંચા પણ સીધા કે સર્પિલ હોય છે. સર્પિલ ખાંચા હોય ત્યારે ખાંચાની દિશા ડાબી બાજુની વામાવર્ત કુંડલી પ્રકારની (left hand helix) હોય છે (જમણા હાથની દિશા હોય તો પરિછિદ્રક પરિછિદ્રણ વખતે દાગીનામાં ખેંચાય છે.) ખાંચાવાળા ભાગની લંબાઈ થોડી ઓછી હોય તો તે ચકિંગ પરિછિદ્રક કહેવાય છે. તે બે પ્રકારનાં હોય છે :
(i) નળીદાર (fluted) ચકિંગ પરિછિદ્રક : આ પરિછિદ્રકમાં અપઘર્ષણ (grinding) એવી રીતે કરવામાં આવે છે કે પરિછિદ્રકની ગોળાઈમાં આવેલી બધી જ ધારો કર્તન કરી શકે. (એકલી છેડાની ધારો કર્તન કરે તેમ બનતું નથી. આમ થવાથી છિદ્રની પરિમાણ-ચોકસાઈ તેમ જ સપાટી-સમાપન વધુ સારાં મળે છે.
નળીદાર ચકિંગ પરિછિદ્રક ટરેટ લેથ, ડ્રિલિંગ મશીન તેમ જ સ્ક્રૂ-કટિંગ-મશીનમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
(2) રોઝ ચકિંગ પરિછિદ્રક : રોઝ ચકિંગ પરિછિદ્રકમાં ધારોનું ગ્રાઇન્ડિંગ એવી રીતે થયું હોય છે કે છેડા પર આવેલી ત્રાંસી ધારો જ કર્તન કરે. છેડાથી શૅન્ક તરફનો ભાગ નાનો થતો જાય છે એટલે છેડાનો જ ભાગ કર્તન કરે છે. આ રીતે જોઈએ તો રોઝ પરિછિદ્રક કર્તનકાર્ય અમુક અંશે શારડીના જેવું થયું ગણાય, કારણ કે બંનેમાં છેડે આવેલી ધારો જ કર્તન કરે છે; અલબત્ત, શારડીમાં શંકુ આકાર પર આવેલી ધારની લંબાઈ આ પરિછિદ્રકની ધારની સરખામણીમાં ઘણી વધારે હોય છે. રોઝ પરિછિદ્રક દ્વારા નળીદાર પરિછિદ્રક કરતાં કર્તન વધારે પ્રમાણમાં અને ઝડપી થાય છે. આ પરિછિદ્રક ઢાળણ(કાસ્ટિંગ)માં ખોતરણી (કોરિંગ) કરીને મેળવેલ છિદ્રોને સાફ કરવામાં વપરાય છે.
યાંત્રિક પરિછિદ્રકો ડ્રિલિંગ મશીન, લેથ કે જિગ પ્રવેધક યંત્ર (બોરિંગ મશીન) પર લગાવીને વપરાય છે.
(3) પ્રસારી પરિછિદ્રક : આ પરિછિદ્રકમાં કર્તનકારી પાનાં અલગ બેસાડેલાં હોય છે. વળી આ પાનાં મર્યાદિત ગાળામાં બહાર કે અંદર લઈ જઈ શકાતાં હોઈ મર્યાદિત ગાળામાં છિદ્રોના વ્યાસમાં ફેરફાર હોય ત્યારે પણ આ પરિછિદ્રક વાપરી શકાય છે. આકૃતિ 4માં પરિછિદ્રકનો નમૂનો દર્શાવ્યો છે. છેડે આવેલા ટેપર-સ્ક્રૂ વડે પાનાં જોઈતા પ્રમાણમાં બહાર કાઢી શકાય છે. પ્રસારી પરિછિદ્રકના ખાસ ફાયદા એ છે કે એક જ પરિછિદ્રક મર્યાદિત ગાળામાં છિદ્રોનાં જુદાં જુદાં માપ માટે વાપરી શકાય છે. પાનાને ફરીથી ઘસી, ધાર કાઢી જોઈતા માપના છિદ્ર માટે ગોઠવી શકાય છે. આ સામે તેની મર્યાદા એ છે કે તેની દૃઢતા (rigidity) ઓછી છે અને બહુ ઓછા કાપ અને કર્તન માટે તે વાપરી શકાય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ