પરાનુભૂતિ : સાંપ્રત સંદર્ભમાં મનોવિજ્ઞાનમાં ‘સમાન અનુભૂતિ’ના પર્યાય તરીકે પ્રયોજાતો પારિભાષિક પર્યાય. અંગ્રેજીમાં તેના માટે ‘Empathy’ શબ્દ છે, જે મનોવિજ્ઞાનની પારિભાષિક સંજ્ઞા છે. ‘પરાનુભૂતિ’ એટલે બીજાને સ્થાને પોતાને મૂકી તેની લાગણીઓ, ઇચ્છાઓ, વિચારો અને પ્રતિક્રિયાઓ પોતાનાં હોય તેમ સમજી તે જ રીતે અનુભવવાની ક્ષમતા. ‘પરાનુભૂતિ’ શબ્દનો પ્રયોગ 20મી સદીની શરૂઆતમાં સૌપ્રથમ વાર ‘સહાનુભૂતિ’ને સ્થાને કરાયો. ‘પરાનુભૂતિ’ શબ્દ તેની કેટલીક લાક્ષણિકતાઓની બાબતમાં ‘સહાનુભૂતિ’થી જુદો પડે છે. ‘પરાનુભૂતિ’ દ્વારા વ્યક્તિ બીજા સાથે સક્રિય રીતે તાદાત્મ્યનો અનુભવ કરે છે. તેમાં તે બીજાની લાગણી ઊંડાણથી અને તીવ્રતાથી અનુભવે છે, જે તેને સામી વ્યક્તિ સાથે સક્રિય રીતે જોડે છે. કેટલીક વખત કોઈ પાત્ર ભજવતો કલાકાર તે પાત્ર જોડે એટલો ઓતપ્રોત થઈ જાય કે તે પાત્ર પોતે જ જીવવા લાગે !
અમેરિકન માનવતાવાદી મનોવૈજ્ઞાનિક કાર્લ રૉજર્સ દ્વારા ‘પરાનુભૂતિ’(empathy)નો ઉપયોગ સલાહ-પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ રીતે કરાયો છે. તેમના મતાનુસાર સલાહ-પ્રક્રિયામાં સલાહકારની તાલીમ દરમિયાન સલાહકારમાં ‘પરાનુભૂતિ’નું કૌશલ્ય સભાનતાપૂર્વક વિકસાવવું જોઈએ, જે સલાહ-પ્રક્રિયામાં અસરકારક બની શકે.
ભારતીય દર્શનોમાં પરાનુભૂતિના ભાવને સર્વભૂતાનુકંપા જેવા શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ‘સર્વભૂતાનુકંપા’ એટલે સર્વ જીવો માટેની અનુકંપા. આમાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ અને મનુષ્ય બધાંનો સમાવેશ થઈ જાય છે.
વિખ્યાત તત્ત્વચિંતક સૉક્રેટિસે જણાવ્યું છે કે આવી અનુભૂતિ એટલે કે પરાનુભૂતિ કેળવવામાં કુટુંબજીવનનો બહુ મહત્ત્વનો ફાળો હોય છે. જે વ્યક્તિએ કુટુંબજીવનમાં ભાઈભાંડુઓ, માતાપિતાના પ્રેમનો અનુભવ કર્યો હોય તે વ્યક્તિ સહેલાઈથી સમાજપ્રેમ અને દેશપ્રેમ જેવી ભાવના વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.
મેસ્લો (Maslow) અને કાર્લ રૉજર્સ (Carl Rogers) જેવા આધુનિક માનવતાવાદી મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસ જન્મથી જ આવી સારપ-અનુકંપા-પરાનુભૂતિ લઈને જન્મ્યો હોય છે અને કુટુંબ, સમાજ અને સાથીદારો તેના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે.
બીજાની માનસિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરતા સલાહકારો અને મનોવિશ્ર્લેષકોએ ખાસ તાલીમ લઈને પરાનુભૂતિનું માનસિક વલણ કેળવવું જરૂરી છે.
સાધના પરીખ