પરાજય : કોઈ એક પક્ષના હાથે બીજા પક્ષની હાર કે તેનો માનભંગ. સામાન્ય રીતે યુદ્ધમાં સંડોવાયેલા પક્ષોમાંથી જ્યારે કોઈ એક પક્ષ બીજા પક્ષને પરાસ્ત કરી તેના પર પોતાનું વર્ચસ સ્થાપે છે ત્યારે વર્ચસ સ્વીકારનાર પક્ષનો પરાજય થયો એમ કહેવાય. મોટાભાગના કિસ્સાઓમાં પરાજિત પક્ષ બીજા પક્ષની સામે શરણાગતિ સ્વીકારે છે અને ત્યારે તેમની વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષનો એટલે કે યુદ્ધનો અંત આવે છે. અલબત્ત, કેટલીક વાર એવું પણ બને છે કે યુદ્ધમાં સંડોવાયેલા પક્ષોમાંથી વિજય તરફ કૂચ કરનાર એક પક્ષ પોતાનાં અમુક કારણોસર અથવા આંતરરાષ્ટ્રીય રાજકીય દબાણને વશ થઈ એકતરફી યુદ્ધબંધી જાહેર કરે છે; દા. ત., 1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનને સંપૂર્ણપણે પરાજિત કરવાને બદલે એકતરફી યુદ્ધબંધી જાહેર કરી યુદ્ધનો અંત આણ્યો હતો. તેવી જ રીતે તે પૂર્વે 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે પાંચ દિવસના જંગ પછી ચીને સ્વેચ્છાથી પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું હતું. આવા કિસ્સાઓમાં કયા પક્ષનો વિજય થયો અને કયા પક્ષનો પરાજય થયો તેનો ઔપચારિક નિર્ણય કરાતો નથી. તેનાથી જુદું, જ્યારે કોઈ એક પક્ષ બીજા પક્ષને હાર સ્વીકારવાની ફરજ પાડે છે અને જ્યારે પરાજિત પક્ષ વિજયી બનેલ પક્ષની સામે માત્ર શરણાગતિ જ નહિ પરંતુ વિજયી બનેલ પક્ષે નક્કી કરેલ શરતો સ્વીકારવાનું અને તેનો અમલ કરવાનું સંધિ દ્વારા કબૂલ કરે છે ત્યારે વિજયી કોણ અને પરાજિત કોણ તે ચોક્કસપણે અને અધિકૃત રીતે નક્કી થાય છે. દા. ત., પ્રથમ અને બીજાં વિશ્વયુદ્ધો(1914-18 અને 1939-45)માં મિત્ર રાષ્ટ્રોએ જર્મનીને હાર આપ્યા પછી તેની સાથે થયેલ સંધિ મુજબ જર્મનીને કેટલીક કપરી શરતો સ્વીકારવી પડી હતી; એટલું જ નહિ, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવનાર મિત્ર રાષ્ટ્રો દ્વારા જર્મની અને જાપાનના કેટલાક રાજકીય અને લશ્કરી અધિકારીઓ સામે યુદ્ધ-આક્રમણના ગુના હેઠળ ખાસ નિમાયેલી લશ્કરી અદાલત સમક્ષ ખટલો ચલાવવામાં આવ્યો હતો અને ગુનેગાર સાબિત થયેલા અધિકારીઓને સજા પણ કરવામાં આવી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તે વખતના પૂર્વ પાકિસ્તાન પર કબજો જમાવી બેઠેલા પાકિસ્તાની લશ્કરનો સત્તર દિવસના યુદ્ધ પછી પરાજય થતાં પાકિસ્તાની સેનાપતિ લેફ્ટનન્ટજનરલ નિયાઝીએ યુદ્ધની રીતરસમ મુજબ ભારતના સેનાપતિ સમક્ષ ઔપચારિક રીતે શરણાગતિ સ્વીકારી હતી અને તેના પરિણામ રૂપે જ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગલાદેશનો ઉદય થયો હતો.
સશસ્ત્ર સંઘર્ષ કે યુદ્ધમાં થયેલ પરાજયના કેટલાક ઇતિહાસપ્રસિદ્ધ દાખલાઓમાં મહાભારતમાં વર્ણવેલ પાંડવોના હાથે કૌરવોનો, રામાયણમાં વર્ણવેલ રામના હાથે રાવણનો, સિકંદર સામે પોરસનો, સમ્રાટ અશોકના હાથે કલિંગના રાજાનો, શાહબુદ્દીન ઘોરીના હાથે પૃથ્વીરાજ ચૌહાણનો, પાણિપતના યુદ્ધમાં બાબરના હાથે ઇબ્રાહીમ લોદીનો, ચંગીઝખાન દ્વારા ચીનના કિન સામ્રાજ્યના શાસકોનો, જાપાન દ્વારા રશિયામાં ઝારનો, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો દ્વારા જર્મનીનો તથા બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રો દ્વારા જર્મની, ઇટાલી અને જાપાનનો, નવપ્રસ્થાપિત રાષ્ટ્ર ઇઝરાયલ દ્વારા આરબ રાષ્ટ્રોનો વગેરે પરાજયોનો સમાવેશ કરી શકાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે