પરાંજપે, સઇ (. 19 માર્ચ 1938, લખનૌ) : હિન્દી ચલચિત્ર-નિર્માત્રી અને દિગ્દર્શિકા. કળા અને વ્યવસાયનો સમન્વય સાધીને મનોરંજનથી ભરપૂર વિચારપ્રેરક ચલચિત્રો બનાવવામાં તે ગજબની હથોટી ધરાવે છે. પિતા ઑસ્ટ્રેલિયા ખાતે હાઈકમિશનર હોવાથી સઇનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું હતું. અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. કળાનો વારસો તેમને તેમનાં માતા શકુન્તલા પરાંજપે પાસેથી મળ્યો હતો. પોતાને જે કહેવું હોય છે તેને જરાય ભારેખમ બનાવ્યા વિના, મધ્યમવર્ગીય પરિવારોમાં બનતા રોજબરોજના પ્રસંગો સાથે સાંકળીને સાવ હળવી રીતે રજૂ કરવાની તેમની શૈલી તેમને બીજા ચિત્રસર્જકોથી જુદાં પાડી દે છે. વિષય ચાહે ગમે તે હોય, પ્રસંગો ભલે જૂના હોય, પણ સઇનો સ્પર્શ પામીને તે નાવીન્યસભર બની રહે છે. ચીલાચાલુ ચલચિત્રોમાં પીરસવામાં આવતા મસાલા વિના પણ સ્વચ્છ અને સારાં ચલચિત્રો ટિકિટબારી પર સફળ થઈ શકે છે એ તેમણે પુરવાર કરી આપ્યું છે.

તેમણે નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાંથી ગ્રૅજ્યુએશન કર્યું. તેમની કારકિર્દીની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયો, પુણેથી થઈ.

સઇ પરાંજપેનું પ્રથમ પ્રદર્શિત થયેલું ચિત્ર ‘ચશ્મે બદ્દૂર’ હતું, જેમાં ચીલાચાલુ હિંદી ચલચિત્રોની વિડંબિકા (પૅરોડી) રજૂ કરાઈ હતી, પણ એ પછી પ્રદર્શિત થયેલું ચિત્ર ‘સ્પર્શ’ ખરેખર તેમનું પ્રથમ ચિત્ર હતું. ‘સ્પર્શ’માં અંધશાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અને તેના આંતરિક દ્વંદ્વને એવી અસરકારક રીતે તેમણે રજૂ કર્યાં હતાં કે 1979ના વર્ષમાં આ ચિત્રને શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા (નસીરુદ્દીન શાહ) અને શ્રેષ્ઠ પટકથાનાં રાષ્ટ્રીય પારિતોષિકો મળ્યાં હતાં. ‘દિશા’(1993)માં તેમણે ગામડાં છોડીને શહેર ભણી કરાતા પ્રયાણની સમસ્યા રજૂ કરી હતી, તો ‘કથા’(1985)માં સસલા અને કાચબાની જાણીતી વાર્તાના આધારે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે આવડતવાળા સાચા અને દેખાડો કરનારા દંભી વચ્ચેની સ્પર્ધામાં અંતે જીત સાચાની થાય છે, છતાં સહન પણ તેમણે જ કરવું પડે છે. ‘પપીહા’(1993)માં તેમણે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના આંતરસંબંધને કેન્દ્રસ્થાને રાખ્યો હતો. ચલચિત્રો જેટલી નાટકો અને ટીવી સીરિયલોમાં પણ તેમણે સફળતા મેળવી છે. જાણીતા અભિનેતા અરુણ જોગળેકર સાથે તેમણે લગ્ન કર્યાં હતાં; પણ થોડાં વર્ષો બાદ છૂટાં પડી ગયાં હતાં.

લોકો અને જીવન સાથે નિકટનો નાતો ધરાવતાં સઇ પરાંજપેનાં સર્જનોમાં, પછી તે ચલચિત્ર હોય, નાટક હોય કે કથાશ્રેણી હોય – જીવનની ખટમીઠી વાતો જ મુખર થતી રહે છે. ‘અડોસપડોસ’ અને ‘હમ પંછી એક ડાલ કે’ જેવી તેમની ટીવી શ્રેણીઓ પણ તેનું ઉદાહરણ છે. બાળકોનાં નાટકો માટે પણ સઇએ ઘણું કામ કર્યું છે. ખાસ કરીને ‘જાદુ કા શંખ’ તેમાં નોંધપાત્ર છે. તેમને 2006માં ‘પદ્મભૂષણ’નો ઍવૉર્ડ ભારત સરકાર તરફથી એનાયત થયો છે. સઇની દીકરી વિની પરાંજપે પણ અભિનેત્રી છે.

પહેલી 7 ફિલ્મો એમણે ટેલિવિઝન માટે બનાવેલી ત્યારબાદ 14 જેટલી ફિલ્મોનું સર્જન કરેલ છે.

હરસુખ થાનકી