પરવાળાંના ટાપુઓ : પરવાળાંના ખરાબાઓ(coral reefs)માંથી ઉદ્ભવેલા ટાપુઓ. સામાન્ય રીતે આવા પ્રવાળખડકોની શ્રેણીઓ ઉષ્ણ-ઉપોષ્ણ કટિબંધના પ્રાદેશિક વિભાગોના સમુદ્રોમાં, વિશેષે કરીને પ્રશાંત મહાસાગરમાં, વધુ પ્રમાણમાં જોવા મળે છે. બધી મળીને આવી શ્રેણીઓ લગભગ 8 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ પરના ખડકોમાંથી મોટે ભાગે નદીઓ દ્વારા થતા ધોવાણને કારણે તથા સમુદ્ર-મહાસાગરના જળમાં ઉમેરાતો રહેતો તેના કૅલ્શિયમ કાર્બોનેટનો સૂક્ષ્મકણનિક્ષેપ પરવાળાંના ટાપુઓના નિર્માણ માટે જવાબદાર ગણાય છે. કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલી આ ભવ્ય ટાપુશ્રેણીઓનું નિર્માણ પરવાળાંના નામે ઓળખાતા કવચ-આવરણધારી જીવો તથા કૅલ્શિયમના રસનો સ્રાવ કરતા અસંખ્ય પોલીપ દ્વારા થતું રહે છે. આ પ્રકારનો સ્રાવ આવાં પ્રાણીઓ પોતાના દેહની આજુબાજુ કૅલ્શિયમ આવરણ રૂપે આચ્છાદિત કરે છે. પરવાળાંમાં ઈંડાં કે મુકુલન (budding) મારફતે પ્રજનન થતું રહે છે. અસંખ્ય આચ્છાદનોથી વિવિધ આકારોની રચના થાય છે. સમુદ્રજળમાં ઘોળાયેલા રહેતા કૅલ્શિયમ કાર્બોનેટને ખેંચીને પોલીપ પોતાના દેહની આજુબાજુ સ્રાવ દ્વારા પવાલાંના આકારની રચનાઓ ઊભી કરે છે. પ્રવાળખડકો આ રીતે બને છે.
જેમ જેમ પ્રવાળખડકોનો વિસ્તાર વધતો જાય છે તેમ તેમ ઉપર તરફ પણ તે વિકસતા જાય છે. નીચે તરફનાં જૂનાં થયેલાં પરવાળાં મરી જાય છે, પરંતુ તેમણે બનાવેલાં માળખાં ખરાબાઓ તરીકે રહી જાય છે. ખરાબાઓની ઉપર અને આસપાસ તેમના વંશજો વિકસતા રહે છે અને તેમના દ્વારા નવી ને નવી શ્રેણીઓની રચના થતી રહે છે. જૂનાં થયેલાં મૃત પરવાળાંનાં માળખાં કઠણ ચૂનાખડકોના રૂપમાં જળવાઈ રહે છે. જેમ જેમ તે સમુદ્રસપાટીની નજીક આવે છે તેમ તેમ તેમનો ઊર્ધ્વમુખી વિકાસ અવરોધાય છે; કારણ કે ખુલ્લા વાતાવરણમાં તે જીવિત રહી શકતાં નથી. સમુદ્રની ઊંડાઈ અને તાપમાનની પરવાળાંનાં વિકાસ અને વિસ્તરણ પર ઘણી અસર પડે છે. પ્રવાળખડકો નિર્માણ કરવાવાળા જીવો કેવળ એવી સ્થિતિ પર જ જીવંત રહી શકે છે, જ્યાં પાણી પ્રમાણમાં સ્વચ્છ હોય, છીછરું હોય અને અમુક પ્રમાણમાં હૂંફાળું રહેતું હોય. સામાન્ય રીતે પ્રવાળવિકાસ માટે 20o સે. થી ઓછું નહિ એવું તાપમાન તથા 60 મીટરથી ઓછી ઊંડાઈવાળો છીછરો વિભાગ ખૂબ જ અનુકૂળ પડે છે.
પ્રકારો : પરિસ્થિતિની અનુકૂળતા અને આકારોની ભિન્નતા મુજબ પરવાળાંના ટાપુઓને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરેલા છે : (1) અભિતટીય પ્રવાળખડકો, (2) અવરોધક પ્રવાળખડકો અને (3) કંકણાકાર પ્રવાળદ્વીપો.
ઉપયોગ : પરવાળાંનો ઉપયોગ આભૂષણોમાં થાય છે. તેમનું બાહ્ય આવરણ કાઢી નાખી અંદરના કઠણ કેન્દ્રીય ભાગને ચમક-ઓપ આપવાથી ખૂબ જ દીપી ઊઠે છે. સ્થાનભેદે તેમ જ બંધારણભેદે તે શ્વેત, પીળા, ગુલાબી, લાલ, ભૂરા કે કાળા રંગોમાં મળે છે. તેમની વિશિષ્ટ ઘનતા (2.68) અને કઠિનતાને કારણે તેમને મણકાનું કે અન્ય સ્વરૂપો આપી શકાય છે. તેમના પર મીઠાના મંદ તેજાબનું ટીપું નાખવાથી CO2ના પરપોટા નીકળે છે. આ કસોટી દ્વારા કુદરતી અને કૃત્રિમ પરવાળાં વચ્ચેનો ભેદ પારખી શકાય છે. આયુર્વેદિક ઔષધોમાં પણ તેનો ઉપયોગ થાય છે.
અવરોધક પરવાળાંના ટાપુઓએ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં પ્રશાંત મહાસાગરમાં વિશાળ વિસ્તાર આવરી લીધેલો છે. તે ‘ગ્રેટ બૅરિયર રીફ’ નામથી ઓળખાય છે. ભારતમાં કચ્છના અખાતમાં તેમ જ અરબી સમુદ્રની દક્ષિણે માલદીવ ટાપુઓની નજીક પરવાળાંનાં જૂથ જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા