પરમેશ્વર એસ.

February, 1998

પરમેશ્વર એસ. (. 1877; . 15 જૂન 1949) : મલયાળમ લેખક. રૂઢિચુસ્ત તમિળ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. નાનપણથી જ સંસ્કૃત શીખવા માંડ્યું. બી.એ.માં ફિલૉસૉફી વિષય લઈને પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને પછી સ્નાતકોત્તર અધ્યયન એમણે મલયાળમ અને તમિળમાં કર્યું. એમણે એલએલ.બી.ની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો હતો. એ પછી એ ત્રાવણકોર રાજ્યની નોકરીમાં જોડાયા અને મહેસૂલ-અધિકારી તરીકે નિવૃત્ત થયા. થોડો સમય એમણે ત્રાવણકોર સરકારમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી. ત્રાવણકોર યુનિવર્સિટીમાં એમણે પુરાતત્ત્વ-વિભાગના અને પ્રાચ્ય-વિદ્યાકેન્દ્રના વડા તરીકે કામ કર્યું. સમસ્ત કેરળ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી.

એ બાર વર્ષના હતા ત્યારથી એમણે કાવ્યલેખન શરૂ કરેલું. એમણે પ્રારંભિક લખાણોમાં કેરળના કેરળ વર્મા જેવા પ્રશિષ્ટ લેખકોનો પ્રભાવ ઝીલ્યો છે. સંસ્કૃત સાહિત્યના અધ્યયનથી એ ચંપૂ અને મહાકાવ્ય લખવા પ્રેરાયા હતા. એમનું ‘સુમતોત્ત્વહન ચંપૂ’ (1908) સંસ્કૃત ચંપૂકાવ્યોને દૃષ્ટિ સમક્ષ રાખીને રચાયું છે. એ કાવ્યમાં ઇન્દ્રપ્રસ્થના પૃથ્વીરાજની કરુણ સ્થિતિનું નિરૂપણ છે. ‘ઉમાકેરલમ્’ (1913) 19 સર્ગમાં રચાયેલું મહાકાવ્ય છે. એમાં કેરળના ઇતિહાસના અંધકારયુગનું દર્શન છે. તેમાં રાજાપ્રજાનો સંઘર્ષ, બાહ્ય આક્રમણ વગેરે પ્રસંગોનું રસપ્રદ નિરૂપણ છે. તેમાં એમની ઉચ્ચ કવિત્વશક્તિનો પરિચય મળે છે. કાવ્યના કરુણવર્માના પ્રણયસંચયને કુશળતાથી ગૂંથી લીધો છે.

આ મહાકાવ્યમાં સંસ્કૃત મહાકાવ્યનાં બધાં લક્ષણો જળવાયાં છે. એ રચ્યા પછી એમને લાગ્યું કે આજનું વાતાવરણ મહાકાવ્યોને અનુકૂળ નથી અને ઊર્મિકાવ્યો, પ્રણયકાવ્યોમાં કાવ્યરસિકોને વધારે રસ છે. તેથી એમણે ઊર્મિકાવ્યો તથા પ્રણયકાવ્યોની તથા ટૂંકાં કથનાત્મક કાવ્યોની રચના કરી. આ પ્રકારના ત્રણ કાવ્યસંગ્રહો ‘કર્ણદુ:શાસનમ્’ (1928), ‘પિંગળા’ (1929) અને ‘ભક્તિદીપિકા’ (1933) પ્રગટ થયા છે.  એમણે સંખ્યાબંધ ઊર્મિકાવ્યો લખ્યાં છે, જે નવ કાવ્યગ્રંથોમાં પ્રગટ થયાં છે.

પરમેશ્વર સંશોધક પણ હતા. એમણે પ્રાચીન ભોજપત્રો પર લખાયેલી કૃતિઓનું સંશોધન કરી ટીકાટિપ્પણી સાથે  પ્રગટ કરી છે. એ ક્ષેત્રમાં એમનું મલયાળમ સાહિત્યને યશસ્વી પ્રદાન છે.

ચન્દ્રકાન્ત મહેતા