પરમેશ્વરન પિ.

February, 2026

પરમેશ્વરન પિ. (જ. 18 સપ્ટેમ્બર 1927, કેરળ; અ. 9 ફેબ્રુઆરી 2020, મ્યાનમાર) : વિદ્વાન, મહાન વિચારક તથા સમર્પિત સામાજિક કાર્યકર્તા.

તેમણે સ્નાતકની ડિગ્રી યુનિવર્સિટી કૉલેજ, તિરુઅન્તપુરમથી  પ્રાપ્ત કરેલી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને તેમને રાજ્ય સંગઠન સચિવપદે નિયુક્ત કરીને કેરળમાં ભારતીય જનસંઘના કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી.  1968માં જનસંઘના અખિલ ભારતીય મહાસચિવ અને ત્યારબાદ એના અધ્યક્ષ બનેલા.

1977માં પરમેશ્વરન રાજનીતિક્ષેત્રમાંથી સામાજિક ચિંતન તથા વિકાસક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. ચાર વર્ષ સુધી દીનદયાલ શોધ સંસ્થાન, નવી દિલ્હીના નિદેશક રહેલા. 1982માં શોધ તથા અધ્યયન દ્વારા રાષ્ટ્રના પુનર્નિર્માણના ઉદ્દેશની સાથે ‘ભારતીય વિચાર કેન્દ્રમ્’ નામની સંગઠનની સ્થાપના કરેલી. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના અખિલ ભારતીય અધ્યક્ષ રહી ચૂક્યા છે.

પરમેશ્વરન સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક વિષયો પર લેખ તથા પુસ્તકો લખતા હતા. પ્રતિભાશાળી વક્તા હતા. 1993માં શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આપેલા અભિભાષણની શતાબ્દી સમારોહમાં વ્યાખ્યાન આપી ચૂક્યા છે. ભારતીય દર્શનશાસ્ત્ર તથા સમાજ પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમજ ‘કેસરી’ તથા ‘મંથન’ પત્રિકાઓના સંપાદનનું કાર્ય પણ સંભાળ્યું હતું. માસિક પત્રિકા ‘યુવા ભારતી’ તથા ત્રૈમાસિક ‘વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા’ના સંપાદકનું કાર્ય પણ સંભાળતા હતા.

પરમેશ્વરનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં કૉલકાતાની બડા બાજાર લાઇબ્રેરી દ્વારા ‘ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દાર પુરસ્કાર’ (1997), ‘અમૃતા કીર્તિ પુરસ્કારમ્’ (2002), કેરળ સરકાર દ્વારા ‘વૈજનાનિકા સાહિત્ય’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (2004) અને પદ્મવિભૂષણ (2018) વગેરેનો સમાવેશ થાય છે.

કનુભાઈ શાહ