પદ્માવત (આશરે 1540) : હિંદીના સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીરચિત પ્રેમાખ્યાન. તેને પ્રેમાખ્યાન પરંપરાનું શ્રેષ્ઠ કાવ્ય ગણવામાં આવે છે. તેની સંપૂર્ણ રચના દોહા-ચોપાઈમાં છે. એની શૈલી ફારસીની મસનવી શૈલીને મળતી આવે છે. તેમાં કુલ 657 ખંડ છે.
કાવ્યમાં ચિતોડના રાજા રત્નસેન તથા સિંહલની રાજકુમારી પદ્માવતી વચ્ચેનો પ્રેમ, તેમનાં લગ્ન તથા ત્યારપછીના દામ્પત્યજીવનનું ચિત્રણ છે. કથાવસ્તુના બે ખંડો છે : રત્નસેન અને પદ્માવતીનાં લગ્ન સુધીનો પૂર્વાર્ધ અને બાકીનો ઉત્તરાર્ધ. ચિતોડના રાજા રત્નસેન હીરામન તોતા પાસેથી સિંહલની રાજકુમારી પદ્માવતીના સૌંદર્ય વિશે જાણ્યા પછી તેને પ્રાપ્ત કરવાની ઉત્કંઠાથી યોગીનો વેશ ધારણ કરી સિંહલ જવા માટે પર્વતો, સમુદ્રો અને ગાઢાં જંગલોનો પ્રવાસ ખેડે છે અને સિંહલ પહોંચી પદ્માવતી સાથે લગ્ન કરી પાછો તે ચિતોડ આવે છે. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને ચિતોડ પર આક્રમણ કર્યું. બાદશાહ દર્પણમાં પદ્માવતીનું પ્રતિબિંબ નિહાળી તેના પર મુગ્ધ થઈ ગયો. તેને વશ કરવા માટે બાદશાહ રત્નસેનને કપટથી કેદ પકડે છે, પરંતુ પાછળથી તેના માણસો તેને છોડાવી જાય છે. બાદશાહ સાથેના યુદ્ધમાં રત્નસેનનું મૃત્યુ થતાં તેની બંને પત્નીઓ બાગમતી અને પદ્માવતી સતી થાય છે.
આ કથાવસ્તુમાં સિંહલદ્વીપ સાથે સંકળાયેલ કથાવાર્તા કાલ્પનિક છે જ્યારે ચિતોડ સાથે સંકળાયેલ વસ્તુ ઐતિહાસિક હોય તેમ લાગે છે. ચિતોડ અને અલાઉદ્દીનના પ્રસંગો ઇતિહાસ પર નિર્ભર છે જ્યારે પદ્માવતીને લગતા પ્રસંગો લોકવાયકા પર આધારિત છે.
‘પદ્માવત’માં વસ્તુ-ગૂંથણી તથા ઘટનાઓના ક્રમવિસ્તાર અને વિકાસ સરસ છે. આ રચનાનો મુખ્ય ઉદ્દેશ પ્રેમસાધનાનું સમ્યક પ્રતિપાદન કરવાનો છે. પદ્માવતીને પ્રાપ્ત કરવા માટે રાજા રત્નસેને કરેલા પ્રયાસમાં યોગસાધના તથા પદ્માવતીની રૂપછટામાં ઈશ્વરના સૌંદર્યની અનુભૂતિ જોવામાં આવી છે, અને તેના પ્રત્યેના રત્નસેનના વ્યવહારમાં રહસ્યવાદનો નિર્દેશ છે.
‘પદ્માવત’ની રચના તળપદી અવધીમાં થઈ હોવાથી તેમાં બોલચાલની સ્વાભાવિક ભાષાના ઢાળો છે. ગૂઢ વિષયને પણ અત્યંત સરળ ભાષામાં સમજાવવામાં આવેલ છે. તે જમાનામાં પ્રચલિત ઉક્તિઓ-લોકોક્તિઓ તથા કહેવતો વગેરેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ રચના અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલી છે.
ગીતા જૈન
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે