પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા મળતી નથી.
આ પુરાણના સૃદૃષ્ટિ, ભૂમિ, સ્વર્ગ, પાતાળ અને ઉત્તર એમ મળી કુલ પાંચ ખંડ અને 628 અધ્યાય મનાય છે. પદ્મપુરાણનાં ચાર સંસ્કરણો થયાં હોવાનું વિદ્વાનો માને છે. પ્રથમ સંસ્કરણ ધર્મસૂત્રના રચનાકાળે, અર્થાત્, ઈ. સ. પૂ. 500 લગભગ અને બીજું સંસ્કરણ બ્રાહ્મણધર્મના પુનરુત્થાન સમયે, અર્થાત્, ઈ. સ. પૂ. 100 લગભગ થયું હોવાનું મનાય છે. નારદપુરાણનો વસ્તુસંદર્ભ અન્ય પુરાણોમાં મળતો નથી અને ઉપલબ્ધ પદ્મપુરાણ ચોથું સંસ્કરણ ગણાય છે. દાક્ષિણાત્ય પદ્મપુરાણના ઉત્તરખંડમાં પદ્મપુરાણના સૃદૃષ્ટિ, ભૂમિ, પાતાલ, પુષ્કર અને ઉત્તર એટલા ખંડ ગણાવાયા છે. આ ખંડાત્મક વિભાજન વેદવ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. ગૌડીય કે બંગલા પદ્મપુરાણના ઉત્તરખંડમાં આને આદિપુરાણ કહી પંચપર્વાત્મક અને સર્વપાપનાશક કહ્યું છે. તેના સૃદૃષ્ટિ, ભૂમિ, સ્વર્ગ, પાતાલ અને ઉત્તર ખંડ નામે પાંચેય ખંડોને મુક્તિદાયક કહ્યા છે. તદુપરાંત ક્રિયાયોગ નામે એક પરિશિષ્ટ પણ છે. દેવનાગરી વાચના અનુસાર આદિ, ભૂમિ, બ્રહ્મ, પાતાળ, સૃદૃષ્ટિ અને ઉત્તર – એમ છ ખંડ છે. બૉમ્બે સંસ્કૃત સીરીઝની વાચનામાં 48,452 શ્લોકો છે. તેમાં સ્વર્ગખંડ અને ક્રિયાયોગસારના શ્લોકો ઉમેરતાં લગભગ 55,000 શ્લોકો થાય. ગૌડીય પદ્મપુરાણમાં સૃદૃષ્ટિખંડના 46, ભૂમિખંડના 103, પાતાલખંડના 112, અને ઉત્તરખંડના 174 અધ્યાયો છે. દાક્ષિણાત્ય વાચના અનુસાર સૃદૃષ્ટિખંડના 82, ભૂમિખંડના 215, પાતાલખંડના 113 અને ઉત્તરખંડના 282 અધ્યાયો છે. આ ઉપરાંત બે જૈન પદ્મપુરાણો પણ છે.
આ પુરાણમાં સૃદૃષ્ટિની પદ્માકારે કલ્પના કરી ચતુર્વિધપા વસુમતીનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ શરીરમાં પંચેન્દ્રિય છે તેમ પદ્મપુરાણના પાંચ ખંડો કલ્પવામાં આવ્યા છે. પ્રથમ સૃદૃષ્ટિખંડમાં પુલસ્ત્યકૃત સૃષ્ટ્યાદિ નામાખ્યાન અને ઇતિહાસ સાથે ધર્મકથન, પુષ્કરમાહાત્મ્ય, બ્રહ્મયજ્ઞવિધાન, વેદપાઠપરંપરા, દાન, વ્રત, શૈલજા-પાર્વતીનો વિવાદ, તારકાખ્યાન, કાલકેયાદિ દૈત્યોનો નાશ, ગ્રહગણ-અર્ચના, ધર્મ વગેરેનું વર્ણન મળે છે.
બીજા ભૂમિખંડમાં પિતામહાદિની કથા, શિવશર્મકથા, સુવ્રતવૃત્તાંત, પૃથુવૈન્યોપાખ્યાન, ધર્મોપાખ્યાન, પિતૃશુશ્રૂષા, નહુષવૃત્તાંત, યયાતિચરિત, ગુરુ અને તીર્થનિરૂપણ, રામ અને જૈમિનિ સંવાદ, અશોકસુંદરી-કથા, કામદેવોપાખ્યાન, ચ્યવનવૃત્તાંત, સિંહાખ્યાન વગેરે સૂત-શૌનકસંવાદ રૂપે મળે છે.
ત્રીજા સ્વર્ગખંડમાં સૌતિ-ઋષિસંવાદ, બ્રહ્માંડની ઉત્પત્તિ, ભૂમિ ઉપરનાં તીર્થો, નર્મદાની ઉત્પત્તિ, નર્મદાતીરે તીર્થો, કુરુક્ષેત્રાદિ તીર્થો, કાલિન્દીપુણ્યકથા, કાશીમાહાત્મ્ય, ગયામાહાત્મ્ય, પ્રયાગમાહાત્મ્ય, વર્ણાશ્રમધર્મ, કર્મયોગ, વ્યાસ-જૈમિનિ-સંવાદ, સમુદ્રમંથન-વૃત્તાંત, વ્રતાખ્યાન વગેરે રજૂ થયાં છે.
ચોથા પાતાલખંડમાં રામાશ્વમેધ, રામનો રાજ્યાભિષેક, અગસ્ત્યનું આગમન, પૌલસ્ત્યચરિત, અશ્વમેધોપદેશ, વિભિન્ન રાજકથા, જગન્નાથોપાખ્યાન, વૃંદાવનમાહાત્મ્ય, કૃષ્ણની અવતારલીલા, માઘસ્નાન, દાનપૂજાફલ, ધરણી-વરાહ-સંવાદ, યમ-બ્રાહ્મણકથા, કૃષ્ણ-સ્તોત્ર, દ્ઘીચિવૃત્તાંત, શિવમાહાત્મ્ય, પુરાણપ્રશંસા, ગૌતમાખ્યાન, શિવગાથા, ભરદ્વાજાશ્રમ, કલ્પાન્તરી રામકથા વગેરે વૃત્તાંત મળે છે.
પાંચમા ઉત્તરખંડમાં શિવ-ગૌરીવૃત્તાંત, જાલન્ધરકથા, સગરોપાખ્યાન, ગંગા-પ્રયાગ-કાશી-ગયાનાં માહાત્મ્યો, એકાદશી-માહાત્મ્ય, વૈષ્ણવધર્મ-પ્રશંસા, વિષ્ણુસહસ્રનામ, વ્રતમાહાત્મ્ય, માઘસ્નાનફળ, જંબુદ્વીપ તીર્થમાહાત્મ્ય, સાભ્રમતીમાહાત્મ્ય, નૃસિંહોત્પત્તિ, દેવશર્મકથા, ગીતામાહાત્મ્ય, શ્રીમદ્ભાગવતમાહાત્મ્ય, ઇન્દ્રપ્રસ્થમાહાત્મ્ય, રામશતનામ, ભૃગુપરીક્ષા વગેરે વિગતે વર્ણવાયાં છે. ઉત્તરખંડ નામાભિધાન અને વિષય-સંકુલતા તેના પરવર્તી સ્વરૂપનાં દ્યોતક છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ આ પુરાણ સવિશેષ મહત્ત્વ ધરાવે છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા