પત્રબંધી (foliation) : ખડકોનો પાતળાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનો ગુણધર્મ. કેટલાક ખડકો ઓછાંવત્તાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનું લક્ષણ ધરાવતા હોય છે. કેટલાક ખડકોમાં આ લક્ષણ તેમની ઉત્પત્તિ વખતે જ તૈયાર થયેલું હોય છે, તેને પ્રાથમિક પત્રબંધી (primary foliation) કહે છે; જેમ કે, અંત:કૃત ખડકોના અંતર્ભેદન દરમિયાન સ્નિગ્ધ મૅગ્માપ્રવાહ જો વેગથી પસાર થતો હોય તો તૈયાર થતાં કેટલાંક ખનિજોને પ્રાદેશિક ખડકો સાથેની સંપર્કસપાટી નજીક, દીવાલોને સમાંતર ગોઠવાવું પડે છે. આ રીતે તૈયાર થતી પત્રબંધ-રચના ખડકની સહજાત હોવાથી પ્રાથમિક પ્રકારની ગણાય છે; જ્યારે દાબનાં પ્રતિબળોથી ઉદ્ભવતી વિરૂપતા હેઠળ તૈયાર થતા વિકૃત ખડકોમાં કેટલાંક ખનિજો અન્યોન્ય સમાંતર સ્થિતિમાં ગોઠવાતાં જાય છે. આ રીતે પરિણમતી પત્રબંધ-રચના પરિણામી પ્રકારની (secondary foliation) ગણાય છે; દા. ત., શિસ્ટ, સ્લેટ, ફિલાઇટ વગેરે. કેટલાક જળકૃત ખડકો તેમની સૂક્ષ્મ દાણાદાર કણગોઠવણીને કારણે તેમજ દબાણથી થતી ઘનિષ્ઠતાને કારણે પડવિભાજકતા કે સ્તરવિભાજકતા દર્શાવે છે, પરંતુ તેને વિકૃત ખડકોમાં જોવા મળતી પત્રબંધ-રચના સાથે સરખાવી શકાય નહિ. આમ પત્રબંધી ખડકસહઉત્પત્તિજન્ય કે ખડકપશ્ચાત્ઉત્પત્તિજન્ય હોઈ શકે. ટૂંકમાં, પત્રબંધી એ વિશેષે કરીને વિકૃત ખડકોમાં જોવા મળતી એવા પ્રકારની પરિણામી સંરચના છે, જેમાં સમતલીય ખનિજો સમાંતર સ્થિતિમાં ગોઠવાયેલાં હોય છે. વારાફરતી આછા-ઘેરા રંગવાળાં ચપટાં થયેલાં ખનિજોથી બનેલા કેટલાક નાઈસ ખડકો પણ ક્યારેક પત્રબંધીવાળાં પડોથી ગોઠવાયેલા હોય છે.
ખડકસંભેદ (rock-cleavage) અને શિસ્ટોઝ સંરચના(schistose structure)નો પણ પત્રબંધી પર્યાયમાં સમાવેશ કરી શકાય. સમાંતર પડોમાં વિભાજકતાનું વલણ ધરાવતા અને એ રીતે છૂટા પડી શકવાના ખડકોના ગુણધર્મને ખડકસંભેદ કહેવાય છે. આ પ્રકારની સંરચના પરિણામી ઉત્પત્તિજન્ય હોય છે. ખડકોમાં વિવિધ પ્રકારની વિભાજનશીલતા (સંભેદ) જોવા મળે છે. મોટા ભાગની વિભાજનશીલતા સ્તરસમાંતર હોય છે. તો કેટલીક નમન સ્થિતિવાળી પણ હોય છે. શિસ્ટવત્ સંરચનાને તદ્દન નજીક નજીક ગોઠવાયેલી વિભાજનશીલતાના પ્રકાર તરીકે ઘટાવી શકાય. પ્રાદેશિક વિકૃતિ હેઠળ પર્યાપ્ત પ્રમાણમાં જેમનું પુન:સ્ફટિકીકરણ થયું હોય એવા શિસ્ટ જેવા વિકૃત ખડકોમાં તે વિકસતી હોય છે. તફાવતની દૃષ્ટિએ જોતાં, સ્લેટમાં જોવા મળતી પરિણામી પત્રબંધીને સ્લેટ-સંભેદ કહેવાય; જ્યારે એવી જ સંરચના જો અબરખ-શિસ્ટમાં હોય તો તેને શિસ્ટોઝ સંરચના કહેવાય. ક્યારેક વચગાળાની સ્થિતિ પણ તૈયાર થતી હોય છે ત્યારે કક્ષાભેદ મુજબ નામ આપી શકાય. શિસ્ટમાં આખોય ખડકજથ્થો એકસરખી સમાંતર સ્થિતિવાળાં પડોથી બનેલો હોય છે, જ્યારે નાઈસમાં આછા-ઘેરા રંગવાળાં ખનિજોના વારાફરતી પટ્ટા હોય છે, જેમાં ઘેરા રંગવાળાં પડ પત્રબંધીવાળાં હોઈ શકે છે.
ખડક-સંભેદ અને શિસ્ટોઝ સંરચનાનાં નમન અને સ્તરનિર્દેશન પ્રસ્તરખડકોના વલણ મુજબનાં જ હોય છે. સંભેદ-સપાટીમાં કલ્પેલી ક્ષિતિજસમાંતર રેખાની દિશા તેની સ્તરનિર્દેશન દિશા બને છે, ક્ષિતિજસમાંતર તલસપાટી સાથે સંભેદસપાટી જે ખૂણો બનાવે તે તેનો નમનકોણ ગણાય છે. નમનદિશા અને સ્તરનિર્દેશન દિશા અહીં પણ અન્યોન્ય કાટખૂણે જ હોય છે.
ક્ષેત્રઅભ્યાસ માટે પત્રબંધી અને ખડકસંભેદના આ વલણની વિશિષ્ટ સંજ્ઞાઓ નિયત કરેલી છે, જે સ્તરરચનાની સંજ્ઞાઓથી જુદી પડે છે. સંજ્ઞાઓ આ પ્રમાણે છે :
પ્રકારો : 1. સ્લેટ–સંભેદ (slaty cleavage) : સ્લેટ ખડકમાં વિશિષ્ટપણે જોવા મળતી સૂક્ષ્મ વિભાજકતાને સ્લેટ-સંભેદ તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકમાં રહેલાં અબરખ કે ક્લોરાઇટ જેવાં ચપટાં કે દબાયેલાં ગોલકઆકાર ખનિજો અન્યોન્ય સમાંતર ગોઠવાયેલાં હોવાથી આ પ્રકારની વિભાજકતા ઉદ્ભવે છે. સ્લેટ અને ફિલાઇટ જેવા સ્લેટ-સંભેદ્ઘારક ખડકો તેમના આ સમાંતર સૂક્ષ્મવિભાજકતાના વિશિષ્ટ ગુણધર્મને કારણે સરળતાથી પાતળાં પડોમાં છૂટા પાડી શકાય છે; દા. ત., લખવા માટેની કુદરતી સ્લેટ. સ્લેટ અને ફિલાઇટમાં આ લક્ષણ નરી આંખે સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના લગભગ સમાનાર્થી પર્યાયો ગણાય છે, પરંતુ શિસ્ટોઝ સંરચનામાં ખનિજોનું પુન:સ્ફટિકીકરણ વધુ પ્રમાણમાં થયેલું હોય છે, જ્યારે સ્લેટમાં તે પ્રમાણ ઓછું હોય છે. આ બંને લક્ષણો જે સ્તરરચના સાથે સંકળાયેલાં હોય તેને સમાંતર ન પણ હોય. ગેડીકરણ પામેલા સ્લેટ સ્તરના સ્તરભુજમાં રહેલો સંભેદ, સ્તરરચના (bedding) અને ગેડઅક્ષીય તલસપાટી(fold-axial plane)ને સમાંતર હોઈ શકે છે, પરંતુ ગેડના શીર્ષ અને ગર્ત જેવા વળાંકવાળા ભાગમાં તે માત્ર સ્તરસમાંતર રહે છે, અક્ષીય તલને સમાંતર નહિ.
મોટા ભાગનો સ્લેટસંભેદ, દાબવિકૃતિજન્ય વિરૂપતાની અસર હેઠળ આવેલા ખડકોમાંનાં ખનિજો ખેંચાઈને, દબાઈને અન્યોન્ય સમાંતર ગોઠવાવાની સ્થિતિને કારણે ઉદ્ભવે છે. ખડકસ્તરો પર લાગતાં મહત્તમ દાબનાં પ્રતિબળો જે દિશામાં કાર્યશીલ હોય તેનાથી લંબદિશામાં ખનિજોને ચપટાં થઈને ગોઠવાવું પડે છે, અર્થાત્, દાબની દિશામાં ખડકસ્તર પાતળો બને છે, જ્યારે તેથી લંબદિશામાં ખનિજો ચપટાં કે લંબગોલકીય બને છે, વળી બધાં ખનિજો સમાંતર એકદિશાકીય સ્થિતિમાં ગોઠવાતાં જતાં હોય છે. સ્લેટ-સંભેદ ઉદ્ભવવા માટેનાં આ કારણભૂત પરિબળો છે.
2. ફાટ–સંભેદ (fracture cleavage) : ફાટ-સંભેદ એ ખરું જોતાં તો ઘનિષ્ઠપણે ગોઠવાયેલા સાંધા (joints) જ છે. સ્લેટ-સંભેદમાં ખનિજો એક જ દિશામાં એકબીજાને સમાંતર ગોઠવાયેલાં હોય છે, જ્યારે ફાટ-સંભેદમાં તે એ રીતે ગોઠવાયેલાં હોતાં નથી; તેથી બંને પ્રકારો વચ્ચેનો તફાવત પારખી શકાય છે. બે સંભેદસપાટી વચ્ચેનું અંતર સામાન્ય રીતે થોડાક મિમી. કે સેમી. જેટલું હોય છે, જે માપી શકાય છે; આથી વધુ અંતર હોય તો તે માત્ર સાંધા બની રહે છે. સંભેદ ગણાતો નથી.
એક રીતે જોતાં, ફાટ-સંભેદ એ વિરૂપણઘટના(shear phenomenon)ની અસર હેઠળ ઉદ્ભવતી વિરૂપક ફાટ ગણી શકાય, જેમાં ફાટનો નમનકોણ મહત્તમ મુખ્ય પ્રતિબળ અક્ષથી 30° જેટલો હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ફાટ-સંભેદ FF´ કે F´´F´´´ને સમાંતર તલસપાટીમાં વિકસી શકે છે, પરંતુ આ બે પૈકી એક જ શ્રેણીને સમાંતર વિકાસ પામેલી હોય છે.
3. વિરૂપક–ખસેડ સંભેદ (shear cleavage) : આ પ્રકારનો સંભેદ સળ-સંભેદના સમાનાર્થી પર્યાય તરીકે ગણાતો હોવા છતાં તે ફાટ-સંભેદને વધુ મળતો આવે છે; તફાવત માત્ર એટલો જ છે કે તેમાં સંભેદ-સપાટી પર થોડોક ખસેડ થતો હોય છે; અર્થાત્, તેમાં વિરૂપણ અસરથી તૂટેલા વિભાગો વળીને ઉપરનીચે ખસે છે, જે આ સાથેની આકૃતિ પરથી સ્પષ્ટ બની રહે છે. વિપરીત સ્તરભંગ જેમ તેની અસર દેખાય છે.
4. સળ–સંભેદ (crenulation cleavage) : દાબ-વિકૃતિની અસર હેઠળ આવતા શિસ્ટોઝ સંરચનાવાળા વિસ્તારોમાં નાની નાની ગેડ અથવા કરચલી (મિમી.થી સેમી. તરંગલંબાઈવાળી) તૈયાર થતી હોય છે. આ પ્રકારની ગેડને સળ અથવા કરચલી (wrinkles, crenulations) કહેવાય છે. આવી ગેડના બંને ભુજ યુગ્મબળને કારણે ભીંસાતા જઈને એકબીજા પર અતિગેડની જેમ ચઢી જાય છે, ગેડના ટૂંકા ભુજ વધુ પ્રમાણમાં ખેંચાતા જવાથી અક્ષીય તલસપાટી પર તૂટીને નાના પાયા પરના વિપરીત સ્તરભંગ કે ધસારા સ્તરભંગ ઉદ્ભવે છે. આમ શ્રેણીબંધ પડતી નાની નાની સ્તરભંગ સપાટીઓ સંભેદ-રચના ઉત્પન્ન કરે છે. આ પ્રકારના સંભેદમાં પહેલાં ગેડ અને પછી સ્તરભંગ થાય છે, જ્યારે વિરૂપક ખસેડ-સંભેદમાં પહેલાં સ્તરભંગ અને પછી વળાંક થાય છે બંને વચ્ચે આ જ મુખ્ય તફાવત છે. શિસ્ટોઝ સંરચનાની સમાંતર ગોઠવણીથી લંબદિશામાં લાગતું દાબનું પ્રતિબળ આ પ્રકારના સળ ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે અને તેથી અસમ સળ ઉદ્ભવે છે.
5. સ્તર–સમાંતર સંભેદ અથવા પ્રસ્તર–સંભેદ (bedding cleavage) : સ્તરરચનામાં સ્તરનિર્દેશન દિશાને સમાંતર પડતા સંભેદને સ્તર-સમાંતર સંભેદ તરીકે ઓળખાવી શકાય. એક રીતે જોતાં સ્લેટ-સંભેદને સ્તર-સમાંતર સંભેદ કહેવાય, પરંતુ સ્તરો ગેડીકરણ પામેલા હોય ત્યારે સ્તરભુજમાં રહેલ સંભેદ તો સમાંતર હોય પરંતુ તેમના શીર્ષ અને ગર્તના વળાંકભાગો પર પણ તે ગોળાકારે વળતા હોય છે ગેડની અક્ષીય તલસપાટીને સમાંતર રહેતા હોતા નથી. સ્તરરચનાને સમાંતર રહેતા સંભેદ મુખ્યત્વે આ કારણોથી તૈયાર થાય છે : (1) અક્ષનમન ગેડ (isoclinal folding), (2) પુન:સ્ફટિકીકરણ દ્વારા થતું અનુસરણ (mimetic recrystallization), (3) સ્તરરચનાને સમાંતર પ્રવાહરચના અને (4) બોજ-વિકૃતિ (load metamorphism).
જુદી જુદી દૃઢતાવાળા સ્તરોથી બનેલી સ્તર-શ્રેણીમાંના પ્રત્યેક સ્તરનાં ભૌતિક અને ખનિજીય લક્ષણો જુદાં જુદાં હોય છે. આખીય સ્તરશ્રેણી પર થતી વિરૂપતાથી દરેક સ્તર પર જુદી જુદી અસર પહોંચતી હોય છે. સ્તર બદલાતાં સંભેદ વક્રીભવન પામી શકે છે. આથી ક્ષેત્રઅભ્યાસીએ સંભેદનો પ્રકાર નક્કી કરતી વખતે કાળજી રાખવી જરૂરી બની જાય છે.
ગિરીશભાઈ પંડ્યા