પતિયાલા : ભારતની વાયવ્ય દિશાએ પંજાબ રાજ્યના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 38 47´ ઉ. અ.થી 39 41´ ઉ. અ. અને 115 58´ પૂ. રે.થી 116 54´ પૂ. રે.ની આસપાસ આવેલો જિલ્લો. જેની ઉત્તરે ફત્તેહગઢ, સાહિબ અને મોહાલી જિલ્લા, પશ્ચિમે ફત્તેહગઢ, સાહિબ અને સંગરુર જિલ્લા, પૂર્વે હરિયાણા રાજ્યના અંબાલા અને પંચકુલા, ઈશાને હરિયાણા રાજ્યનો કુરુક્ષેત્ર જિલ્લો તેમજ અગ્નિએ હરિયાણા રાજ્યનો કૈથાલ જિલ્લો સીમા રૂપે આવેલા છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 278 મીટર ઊંચાઈએ આવેલો છે.
લાખો વર્ષોથી નદીઓ દ્વારા થતા કાંપ-નિક્ષેપને કારણે આ મેદાનમાં કાંપ-માટીનું પ્રમાણ અધિક છે. અહીં જોવા મળતા સ્તરોની જાડાઈ દરેક જગ્યાએ એકસરખી નથી. અહીં શિવાલિકની ટેકરીઓ જોવા મળે છે. આ ભૂમિ ખેતી માટે ખૂબ ઉત્તમ ગણાય છે
અહીંથી પસાર થતી ઘાઘરા નદી જે ચોમાસા દરમિયાન પાણીનો જથ્થો ધરાવે છે. વર્ષાઋતુમાં જો વરસાદ વધુ પડે તો ગ્રામ્ય વિસ્તારોમાં આ નદીના પૂરને કારણે માઠી અસર પણ થાય છે. પરિણામે ખેતીકીય પાક, પશુધન અને માનવીને પારાવાર નુકસાન પહોંચે છે. ઘાઘરા નદીની સહાયક નદીઓમાં ટંગરી નદી, પતીઆલા-વાલી નદી, સીરહિન્દ ચો(choe) અને જાંબુવાલી ચો છે. આ સિવાય સમતળ ભૂપૃષ્ઠને કારણે ભાકરા કૅનાલ દ્વારા પણ પાણીપુરવઠો મળે છે.
અહીંની આબોહવા અર્ધ-શુષ્ક સ્ટેપી પ્રકારની કહી શકાય. મે મહિના(ઉનાળા)માં 24સે.થી 41 સે. તથા જાન્યુઆરી(શિયાળા)માં સરેરાશ તાપમાન 6 સે.થી 23 સે. જોવા મળે છે. વર્ષ દરમિયાન વરસાદ 250 મિમી.થી 1000 મિમી. પડે છે.
અર્થતંત્ર : અહીંની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે, જેને ‘ભાબર’ કહે છે. આ જમીનમાં નાઇટ્રોજન અને જૈવિક પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે નાઇટ્રોજનનાં તત્ત્વો અલ્પ પ્રમાણમાં હોય છે. અહીં ઘઉં, શેરડી, તલ વગેરેની ખેતી કરવામાં આવે છે. આ સિવાય કપાસ, મકાઈ અને ચણાની પણ ખેતી થાય છે.
ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં યાંત્રિક ઓજારો જેમાં જમીન ખેડવાનાં, વાવણી માટેનાં, લણણી કરવાનાં યંત્રો બનાવવાના ઉદ્યોગો ખીલ્યા છે. દવાનો છંટકાવનાં સાધનો, સાઇકલ બનાવવાના, ટ્રૅક્ટરો બનાવવાના એકમો જિલ્લામાં આવેલા છે. અનાજ છડવાનાં યંત્રો અને ડેરીને લગતાં યંત્રો બનાવવાના એકમો આવેલા છે. કૃષિના રોગોનો સામનો કરવા માટે દવા બનાવવાના એકમો પણ આવેલા છે. સુતરાઉ કાપડ, ઊની વસ્ત્રો બનાવવાની ફૅક્ટરીઓ આવેલી છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1, 64, 71 પસાર થાય છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો અને જિલ્લા માર્ગો પણ આવેલા છે. ઉત્તર રેલવે વિભાગનું મુખ્ય જંકશન છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,218 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 18,95,686 છે. સાક્ષરતાનું પ્રમાણ 75.28% છે જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 880 મહિલાઓ છ, જે સમાજ માટે ગંભીર વિષય બન્યો છે. પછાત જાતિનું પ્રમાણ 24.55% છે. અહીં મહત્તમ બોલાતી પંજાબી ભાષાનું પ્રમાણ 89.61% છે. જ્યારે હિન્દી અને સરાઈકી ભાષાનું પ્રમાણ અનુક્રમે 7.79% અને 1.24% છે. આ જિલ્લાને વહીવટી દૃષ્ટિએ કુલ પાંચ તાલુકામાં વિભાજિત કરેલ છે.
પતિયાલા (શહેર) : પંજાબ રાજ્યના પતિયાલા જિલ્લાનું વસ્તીની દૃષ્ટિએ ચોથા ક્રમે આવતું શહેર અને જિલ્લામથક.
આ શહેર 30 19´ ઉ. અ. અને 76 24´ પૂ. રે. પર આવેલું છે. શહેરનો વિસ્તાર 160 ચો.કિમી. અને બૃહદ શહેરનો વિસ્તાર 366.66 ચો.કિમી. છે. જે સમુદ્રની સપાટીથી આશરે 257 મીટરની ઊંચાઈ ધરાવે છે. શહેરની વસ્તી (2011 મુજબ) 7,63,280 છે, જ્યારે બૃહદ શહેરની વસ્તી (2011 મુજબ) 8,20,000 છે. આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 86% છે. અહીં હિન્દુ, શીખ, મુસ્લિમ, ક્રિશ્ચિયન લોકો રહે છે. જેમની ટકાવારી અનુક્રમે 57.22%, 39.96%, 1.87% અને 0.41% છે.
આ શહેરની આબોહવા અર્ધ-શુષ્ક સ્ટેપી પ્રકારની ગણાય છે. ઉનાળામાં મે-જૂન માસનું સરેરાશ તાપમાન 38 સે. જ્યારે શિયાળામાં ડિસેમ્બર-જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 6 સે. કહી શકાય. વર્ષાઋતુમાં વરસાદ આશરે 200થી 250 મિમી. પડે છે.
આ શહેર એક સમયે દેશી રાજ્યનું રાજધાનીનું મથક હતું. આજે તે વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર છે. ખેતીકીય પેદાશોનું અને ડેરી પેદાશોનું મોટું બજાર છે. તે ઉપરાંત અહીં વણાટકામ, કપાસનું જિનિંગ અને આસવન (distilling) થાય છે. ટ્રૅક્ટરો બનાવવાના, કૃષિઓજારો બનાવવાના, રાસાયણિક દવાઓ, ખાતર બનાવવાના, સુતરાઉ કાપડ અને ઊની કાપડ બનાવવાના એકમો અહીં આવેલા છે. રમતગમતનાં સાધનો બનાવવાનાં કારખાનાં શહેરની આસપાસ આવેલાં છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્યના ધોરી માર્ગ અને જિલ્લા માર્ગોનું ગીચ જાળું અહીં આવેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1, 64 આ શહેરમાંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગો અહીં આવેલા છે. આ શહેર રાજ્યનાં મોટા ભાગનાં શહેરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલું છે. પતિયાલા રેલવે વિભાગમાં પતિયાલા રેલવે જંકશન આવે છે. અહીં હવાઈ મથક આવેલું છે પણ તે કાર્યરત નથી. નજીકનું હવાઈ મથક ચંડીગઢ હવાઈ મથક છે, જે શહેરથી 62 કિમી. દૂર છે.
ભારત સ્વતંત્ર થયું ત્યારથી પંજાબ રાજ્યમાં શિક્ષણક્ષેત્રે આ શહેરનું સ્થાન આગવું છે.
અહીં જગત ગુરુ નાનક દેવ પંજાબ સ્ટેટ ઓપન યુનિવર્સિટી, થાપર ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ટૅકનૉલૉજી, એલ. એમ. થાપર સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ, રાજીવ ગાંધી નૅશનલ યુનિવર્સિટી ઑફ લૉ, ગવર્નમેન્ટ મોહિન્દર કૉલેજ, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, પતિયાલા વગેરે સંસ્થાઓ આવેલી છે. પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ખાનગી અને રાજ્ય સરકાર હસ્તકની પણ છે. રમતગમત ક્ષેત્રની અનેક સંસ્થાઓ આવેલી છે. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૉર્ટ્સ સંસ્થા અહીં છે.
આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં શ્રી શક્તિ દેવી મંદિર, જેની સ્થાપના 1932માં મહારાજા ભૂપેન્દ્રસિંગે કરી હતી. રાજ રાજેશ્વરી મંદિર, જ્યાં ભક્તો દાળ, મીઠાઈ, શ્રીફળ, બંગડીઓ, ચૂની તેમજ બકરી, મરઘી અને દારૂનો ભોગ ચઢાવે છે. નવરાત્રિમાં આશરે 60,000 દારૂની બાટલીઓ ચઢાવાય છે. બહાદુરગઢનો કિલ્લો, ઑલ્ડ મોતીબાગ પૅલેસ, બરદારી ગાર્ડન, ગુરુદ્વાર, દુઃખનિવારણ સાહિબ વગેરે આવેલાં છે. પતિયાલાના જાણીતા ગેટમાં દર્શની ગેટ, સનૌરી ગેટ, લાહોરી ગેટ, શેરાવાલા ગેટ, સૂનામી ગેટ, તોપખાના ગેટ, રાજેન્દ્ર ગેટ વગેરે છે.
પતિયાલા નામ વિશે એમ માનવામાં આવે છે કે પતિયાલા જેમાં સ્થાનિક શબ્દ પતિ એટલે ‘વર’ આલા એટલે ‘મહાન’ એમ થાય. આ શહેરની સ્થાપના 1763માં આલા સિંગે કરી હતી. જે પહેલા ‘કીલા મુબારક’ તરીકે ઓળખાતો હતો. 1761માં મરાઠાઓએ અફઘાનીઓને શિકસ્ત આપી હતી. પતિયાલા રાજ્યએ અફઘાન દુરાની સમ્રાટો, મરાઠા અને શીખોને હંફાવ્યા હતા. 1808માં પતિયાલાના રાજાએ બ્રિટિશરો સાથે સુમેળ સાધીને મહારાજા રણજિતસિંહને હરાવ્યા હતા. ત્યારબાદ પતિયાલાનો દોર કરમસિંગ, નરેન્દ્રસિંગ, રાજેન્દ્રસિંગ, ભૂપેન્દ્રસિંગ અને પદવિન્દ્રસિંગના હાથમાં રહ્યો હતો. 1948માં ભારત સરકારે પતિયાલાને અલગ રાજાશાહી રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી