પતરંગો (Bee Eater) : ભારતનું નિવાસી પંખી. તેનું કદ આમ તો લીલી ચકલી જેવું, 17 સેમી.નું ગણાય; પરંતુ એની ઝીણી પાતળી વળેલી ચાંચ અને પૂંછડી સહેજ લાંબી હોવા ઉપરાંત એનાં વચલાં બે પીંછાં લોખંડના કાળા તાર જેવાં હોવાથી તેની પૂરી લંબાઈ લગભગ 22 સેમી. જેટલી થાય છે. તે દેખાવે ગિલ્લી જેવું હોય છે. તેનું વૈજ્ઞાનિક નામ મિરોપ્સ લેશ્ચેનૌલિલ છે.
તેનો રંગ પોપટની જેમ લીલો જ હોય છે અને ખભા પાસે પીઠ પર ચળકતો તાંબાવરણો નારંગી પીળો રંગ હોવાથી તે બહુ સુંદર લાગે છે. તેની દાઢી અને ગળું, લીલાશ પડતા વાદળી રંગનાં; ગળાના આગલા ભાગે કાળો કાંઠલો અને આંખમાં આંજણ જેવી પાછળ લંબાતી કાળી રેખા હોય છે, જે ચાંચ સાથે ભળી જાય છે. તેની આંખ લાલ, ચાંચ કાળી અને તેના પગ રતૂમડા રાખોડી અને ટૂંકા હોય છે. લાંબા તાર જેવાં પીંછાં એને ઓળખવાની ખાસ નિશાની છે.
ઝાડની ડાળીને છેડે કે તારનાં દોરડાં પર એકાકી કે 5-7ના ટોળામાં બેસી ઊડી ઊડીને જીવાત પકડે છે. ઊડે ત્યારે હવામાં તરતા પતંગની યાદ અપાવે છે. જીવાત પકડવા જાતજાતની ગુલાંટો અને અણધાર્યા વળાંકો ખાતા પતરંગાને જોવો તે એક લહાવો છે. તેના ખોરાકમાં મચ્છર, માખી, મધમાખી, વાણિયા કે ભમરા જે અડફેટમાં આવે તેને પકડી ડાળી કે તાર પર પટકી પટકીને તે સ્વાહા કરી જાય છે. તે શિયાળામાં ટોળાબંધ જોવા મળે છે.
ઉનાળો તેની માળા કરવાની ઋતુ છે. નદીની ભેખડ તથા કૂવાની પોચી દીવાલમાં ઊંડાં દર ખોદી ખૂબ ઊંડા માળા બનાવે છે. તેમાં 3થી 7 સફેદ ઈંડાં મૂકે છે. તે ઝાડમાં ટોળાબંધ રાતવાસો કરે છે અને ‘ટ્રી ટ્રી ટ્રી’ એવો અવાજ કરે છે. બૂચનું ઝાડ તેને વધુ પ્રિય હોય છે.
એનું ‘પતરંગો’ નામ હિંદી છે. અંગ્રેજીમાં તેને ‘ગ્રીન બી-ઇટર’ કહે છે. રાજ્યમાં જોવા મળતી પતરંગાની અન્ય જાતોમાં વાદળી પૂંછડીવાળા (blue-tailed) અને નીલકપોલ પતરંગા(blue cheeked bee-eater)નો સમાવેશ થાય છે. તેમાંનો પહેલો કદમાં મોટો હોય છે અને વ્યાપકપણે જોવા મળે છે. નીલકપોલ પતરંગો ઓછો જોવા મળે છે. તેનું કદ 30 સેમી.નું, દાઢી પીળી, છાતી કાટ જેવી રાતાં ધાબાંવાળી અને કપોલ વાદળી હોય છે.
બળદેવભાઈ કનીજિયા