પતંગ : પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા સૈકામાં ગ્રીક વિજ્ઞાની એરોક્રાઇટસને સૂઝ્યો હતો; પણ પતંગ ચગાવવાની રમત, ત્યારપછી 100 વર્ષે ચીનના લોકોએ શરૂ કરી.
પતંગના ઘણા પ્રકાર છે અને તેની બનાવટ તથા કદને અનુલક્ષીને તેનાં વિવિધ નામ પડેલાં છે. સૌથી નાનો પતંગ તે ‘ફુદ્દી’ અને તેનાથી મોટા પતંગ અનુક્રમે ‘પાવલો’, ‘અડધિયો’, ‘પોણિયો’ અને ‘આખિયો’ – એ નામે ઓળખાય છે. પતંગની આસપાસ તેની ચારેય કિનારીએ દોરી નાખી પતંગનો કાગળ તે દોરી પર ચોટાડી દે છે. તેવા પતંગને ‘દોરીદાર’ પતંગ કહે છે. પતંગ સુશોભિત દેખાય એટલા માટે કેટલીક વખત તે એક જ રંગના કાગળનો ન બનાવતાં જુદા જુદા રંગના અનેક કટકાનો બનાવવામાં આવે છે. આવા પતંગને તેના દેખાવ પ્રમાણે ‘અટા-પટાદાર’, ‘ડોબદાર’, ‘મથ્થાદાર’ – એવાં જુદાં જુદાં નામ અપાય છે.
દિવાળી પૂરી થઈ કે પતંગની મોસમ શરૂ થાય છે તે ઠેઠ મકરસંક્રાતિ સુધી ચાલે છે. પતંગ ચગાવવાનો શોખ ગુજરાતમાં જ નહિ, અન્ય રાજ્યોમાં તેમજ અન્ય દેશોમાં પણ છે. બંગાળમાં દુર્ગાપૂજાથી માંડી વિશ્વકર્માપૂજા દરમિયાન, પંજાબમાં વસંતપંચમીથી હોળી સુધી, તમિળનાડુમાં પોંગલ (નૂતન વર્ષ) દરમિયાન, ઉત્તરપ્રદેશમાં શ્રાવણ મહિનામાં તો મહારાષ્ટ્રમાં દશેરા પહેલાં પતંગો ચગતી હોય છે.
પતંગ ચગાવવા માટેનો દોર સારો, વળદાર અને મજબૂત હોવો જોઈએ. રીલનો સાદો દોરો ચાલે. પેચ લડાવવાના હોય ત્યારે દોરીને, ખેળમાં કાચનો ભૂકો નાખી બનાવેલ લૂગદી ચોપડી, માંજો બનાવવામાં આવે છે અને નળિયાના કે પથ્થરના કટકા પર સરખી રીતે વીંટીં ગોળ યા નારિયેળ આકારનું પિલ્લું બનાવવામાં આવે છે. દોર ગૂંચવાઈ ના જાય એટલા માટે તેને લાકડાની અગર વાંસની ફીરકી પર વીંટવામાં આવે છે.
પતંગને મેદાન, અગાસી યા છાપરા પરથી ઉડાડી શકાય છે. પતંગને કન્ના બાંધ્યા પછી કન્નાના ઉપરના બેવડા છેડા સાથે પિલ્લું યા ફીરકીના દોરનો છેડો બાંધી, દોર હાથમાં રાખી, પવનની દિશામાં ઉડાડવામાં આવે છે. ઊડતા પતંગની દિશા બદલવા માટે પતંગને યોગ્ય સ્થિતિમાં લાવીને ખેંચવાના કૌશલ્યને ‘પતંગ કતરાવવો’ કહે છે. પતંગ ખેંચીને નીચેની દિશામાં લાવવાના કૌશલ્યને ‘ગોથ મારવી’ કહે છે. દોરને ધીમે ધીમે છોડતાં હાથ વડે ગોળ ગોળ ફેરવી પતંગનેય ગોળાકારે ફેરવવાના કૌશલ્યને ‘લોટાવવો’ કહે છે. ઉડાડેલો પતંગ કોઈ કારણે સમતોલ ના રહે તથા વધારે વજન હોય તે બાજુ નમી પડતો હોય ત્યારે તે ‘ગિન્નાય છે’ અને ગોળ ગોળ ફરી જતો હોય ત્યારે તે ‘ગોથ ખાય છે’ એમ કહેવાય છે.
પતંગ ઉડાડ્યા પછી નજીક ઊડતા પતંગ સાથે પેચ લડાવવામાં આવે છે. કેટલાક ખેંચીને સામાવાળા પતંગને કાપી નાંખે છે, તેને ‘ખેંચકાપ’ કહે છે. પેચ લડાવતાં મોટે ભાગે ‘સહેલ’ આપવાનો રિવાજ વિશેષ રૂઢ છે. ‘સહેલ’ આપવા દોરને ઢીલો મૂકવામાં આવે છે. તેના બે પ્રકાર છે : ‘લોટતી સહેલ’ અને ‘ઊડતી સહેલ’. ઉતરાણના દિવસો દરમિયાન સૂરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાં પતંગના પેચ લડાવવાની સ્પર્ધાઓ યોજાય છે અને તે અત્યંત પ્રેક્ષણીય તથા લોકપ્રિય બની રહી છે.
ચિનુભાઈ શાહ