પડખવાણ (exfoliation) : ખડકની બાહ્યસપાટી પરથી પડ છૂટાં પડવાની ક્રિયા. ભૌતિક કે રાસાયણિક પરિબળોની ક્રિયા વાતાવરણમાં ખુલ્લા રહેલા ખડકો પર થાય છે. તે ઉપરાંત દૈનિક તાપમાનના ગાળા દરમિયાન વારાફરતી એ ખડકો ગરમ અને ઠંડા થતા હોય છે. એ કારણોથી ખડકોની બાહ્ય સપાટીમાં જુદા જુદા પ્રમાણમાં પ્રસરણ-સંકોચન થાય છે અને તેથી તે સપાટી ભીંગડાં સ્વરૂપે, પતરીઓ રૂપે કે કાંદાના પડની જેમ ગોળાકાર પડ રૂપે તૂટતી કે છૂટી પડતી હોય છે. આ પ્રકારના ક્રિયાવલણને પડખવાણ કહે છે. ખવાણની આ પ્રકારની ક્રિયા ભેજવાળી આબોહવાના પ્રદેશોમાં વધુ પ્રમાણમાં થાય છે. ભૂમિસપાટીની ઉપર અને નીચે કાર્બન-ડાયૉક્સાઇડનું અલ્પ પ્રમાણ ધરાવતા પાણીની પ્રક્રિયા મારફતે જટિલ સિલિકેટ ખનિજોનું જલીકરણ થાય છે, તેથી ખડકોની બાહ્ય સપાટી પ્રસરણ પામે છે. જુદી જુદી દિશાએથી જ્યાં જલપ્રવેશ થતો હોય એવા પાસપાસે જોડાયેલા ખડકભાગોના ખૂણા કે કિનારીઓ પર કદવિસ્તરણની વિશેષ અસર થાય છે અને બાહ્ય સપાટીને લગભગ સમાંતર પડખવાણની ક્રિયા શરૂ થાય છે અને ક્રમશ: વધતી જાય છે. બોજથી અને પછી બોજમુક્તિથી પણ પડખવાણ થઈ શકે છે. આમ ભૌતિક અને રાસાયણિક ક્રિયા પડખવાણ માટે જવાબદાર બની રહે છે. ગ્રૅનાઇટ અને બેસાલ્ટ બંનેમાં પડખવાણ અને તેને મળતું આવતું ગોળાશ્મ-ખવાણ (spheroidal weathering) જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા