પઠારે, રંગનાથ (જ. 1950, જવાલે, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમની ઉત્તમ નવલકથા ‘તામ્રપટ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. તથા એમ. ફિલ.ની પદવીઓ મેળવી છે. 1973થી તેઓ અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ મરાઠી ઉપરાંત હિંદી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવે છે.
તેમણે 8 નવલકથાઓ, 6 વાર્તાસંગ્રહો અને 2 વિવેચનાત્મક નિબંધ-સંગ્રહ પ્રગટ કર્યાં છે. ‘નામુષ્કીચે સ્વગત’, ‘દુખા: ચે શ્વાપદ’, ‘તામ્રપટ’, ‘હારણ’, ‘ચક્રવ્યૂહ’ અને ‘રથ’ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે.
તેમને કુલ 16 પુરસ્કારો મળ્યા છે. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય વાઙ્મય પુરસ્કાર, શ્રી દા. પાનવલકર પુરસ્કાર, મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદનો વા. મા. જોશી પુરસ્કાર, વી. એસ. ખાંડેકર પ્રતિષ્ઠાન પુરસ્કાર તથા મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કારનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તામ્રપટ’માં સ્વાતંત્ર્યોત્તર કાળનું એક દસ્તાવેજીકરણ છે. આ કૃતિમાં મૂલ્યવાન સામાજિક દર્શન છે. તેમાં સામાજિક પરિવર્તનનું અત્યંત ચોક્કસ ચિત્રાંકન છે. તેમની વર્ણનશક્તિ અહીં જટિલ વિષયવસ્તુની સંતુલિત ગૂંથણીમાં પ્રગટ થાય છે. આ કારણે રાજનૈતિક-સામાજિક નવલકથા રૂપે આ કૃતિ ભારતીય નવલકથા-સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા