પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ
February, 1998
પટ્ટણી, સર પ્રભાશંકર દલપતરામ (જ. 15 એપ્રિલ 1862, મોરબી; અ. 16 ડિસેમ્બર 1938, શિહોર) : ભાવનગર રાજ્યના સમર્થ દીવાન. તેમણે મોરબીમાં પ્રાથમિક શિક્ષણ અને રાજકોટમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કર્યા પછી કાયદાનો અભ્યાસ કર્યો અને સનદ પણ મેળવી; પરંતુ આજીવિકા માટે વકીલાત ન કરવાનો તેમણે સંકલ્પ કર્યો હતો.
પ્રભાશંકરનાં લગ્ન બે વાર થયાં હતાં. પ્રથમ પત્નીનું અવસાન થતાં બીજી વારનાં લગ્ન 1881માં મોરબીના રાજવૈદ વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રમા સાથે થયાં હતાં.
ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયમાં યુવરાજ ભાવસિંહજી-બીજા 1884થી 1889 સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણતા હતા ત્યારે પ્રભાશંકરે તેમના ‘કમ્પૅનિયન ટ્યૂટર’ તરીકે નોકરી સ્વીકારી. તે સમય દરમિયાન બહુ ઝડપથી ભાવસિંહજી-બીજાની ચાહના તેમણે મેળવી લીધી. ત્યારબાદ ભાવસિંહજી-બીજાની ભલામણથી થોડા સમય માટે દેવગઢ બારિયામાં રાજ્યના ‘ફૉરેસ્ટ ઑફિસર’ તરીકે નોકરી કરી અને પછીથી મોરબી રાજ્યમાં કેળવણી ખાતાના વડા તરીકે જોડાયા. એ પછી 29 જાન્યુઆરી, 1896ના રોજ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનું અવસાન થતાં ભાવસિંહજી-બીજાએ પ્રભાશંકરને ભાવનગર બોલાવી પ્રારંભે ‘પ્રાઇવેટ સેક્રેટરી’ તરીકે અને ત્યારબાદ રાજ્યના ‘મુખ્ય સેક્રેટરી’ તરીકે અને 19 ફેબ્રુઆરી, 1902માં તેમને ભાવનગર રાજ્યના દીવાનપદે નીમ્યા. તેમનાં ઉમદા કાર્યોથી ભાવનગર રાજ્યે પરિવર્તનની દિશામાં આગેકદમ માંડ્યાં. ભાવનગરને પ્રજાકલ્યાણલક્ષી આદર્શ રાજ્ય બનાવવાના સ્વપ્નનું સર્જન થયું. પરિણામે વીસમી સદીના પ્રારંભિક દાયકાથી જ ભાવનગર રાજ્યે શહેરીકરણ, આધુનિકીકરણ અને લોકતાંત્રિકીકરણની દિશામાં હરણફાળ ભરી.
પ્રભાશંકર લગભગ 17 વર્ષ સુધી ભાવનગર રાજ્યના દીવાનપદે રહ્યા. તે દરમિયાન 1909માં બ્રિટિશ સરકારે રાજ્ય અને પ્રજાની સેવાની કદર કરીને ‘સી. આઇ. ઈ.’ના ખિતાબથી તેમનું સન્માન કર્યું હતું. 1912ના ડિસેમ્બરમાં મુંબઈના ગવર્નરની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક થતાં તેમણે દીવાનપદેથી રાજીનામું આપ્યું. આ સંદર્ભે એક બાબતની નોંધ લેવી જોઈએ કે અગાઉ દેશી રાજ્યોમાં વહીવટ ચલાવવા માટે બ્રિટિશ હિંદમાંથી અધિકારીઓ પસંદ કરવામાં આવતા, ત્યારે અહીં તેનાથી ઊલટું, બ્રિટિશ પ્રાંતનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણી જેવા દેશી રાજ્યના એક ઉત્તમ અધિકારીની પસંદગી કરવામાં આવી હતી ! સર પ્રભાશંકર મુંબઈ સરકારની કારોબારી સમિતિના સભ્ય તરીકે ત્રણ વર્ષ સુધી રહ્યા. તે દરમિયાન 1915ના જૂનમાં તેમને ‘કે. સી. એસ. આઇ.’નો ઇલકાબ આપવામાં આવ્યો.
1915ના ઑગસ્ટમાં તેઓ મુંબઈ સરકારની કારોબારી સમિતિમાંથી નિવૃત્ત થયા. તે પછી થોડા સમય સુધી તેમણે બીકાનેરના મહારાજા ગંગાસિંહજીના સલાહકાર તરીકે કાર્ય કર્યું. 1917ના ફેબ્રુઆરીમાં હિંદ સરકારે તેમને વડી ધારાસભાના વધારાના સભ્ય તરીકે નીમ્યા. આ હોદ્દા ઉપર તેઓ લગભગ ચાર માસ સુધી રહ્યા. તે પછી 1917ના જૂનમાં ઇંગ્લૅન્ડમાં હિંદી વજીરની કાઉન્સિલમાં બે વધારાના હિંદી સભ્યો લેવાનું નક્કી થતાં, ભૂપેન્દ્રનાથ બસુની સાથે સર પ્રભાશંકર પટ્ટણીને પણ આ હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા. આ હોદ્દા પર તેઓ ત્રણ વર્ષ સુધી રહ્યા.
16 જુલાઈ, 1919ના રોજ મહારાજા ભાવસિંહજી-બીજાનો સ્વર્ગવાસ થતાં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીની સગીરવય દરમિયાન બ્રિટિશ સરકારે ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે ‘એક વહીવટી સમિતિ’ નીમી અને તેના વડા તરીકે ભાવનગર રાજ્યના હિતચિંતક એવા પ્રભાશંકર પટ્ટણીને નીમ્યા. આ પછી બ્રિટિશ સરકારે હિંદના ભાવિ બંધારણીય સુધારા વિશે વિચારણા કરવા માટે 1930-31માં ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદ ભરી ત્યારે તેમાં દેશી રાજ્યોના પ્રતિનિધિ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી. 1932માં તેઓ ‘રાષ્ટ્રસંઘ’ની સભામાં હિંદના દેશી રાજ્યોના પ્રતિનિધિ તરીકે જિનીવા ગયા. ત્યારબાદ ગોળમેજી પરિષદોને અંતે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1936ની આખરમાં તેઓ મુંબઈ ઇલાકાના મતદારો તરફથી હિંદ સરકારની કાઉન્સિલ ઑવ્ સ્ટેટમાં ચૂંટાયા. ડિસેમ્બર, 1937માં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને રાજ્યના ખેડૂતોના કરજની સ્થિતિ અંગે, તેમજ ઢોરઉછેર, ગ્રામોદ્યોગ અને ગ્રામ-પંચાયતો અંગેના સર્વેક્ષણનું કામ હાથ ધરવા વિનંતી કરતાં, તેમણે રેવન્યૂ કમિશનરનો પ્રમાણમાં સામાન્ય હોદ્દો સ્વીકાર્યો. આ કાર્ય કરવામાં રાજ્યનાં ગામડાંઓમાં લગભગ સવા મહિના સુધી પ્રવાસો કરીને તેમનું શરીર ક્ષીણ થઈ ગયું અને શિહોર મહાલના પ્રવાસમાં જ તેમનો સ્વર્ગવાસ થયો.
સર પ્રભાશંકર પટ્ટણીની પ્રતિભા બહુમુખી હતી. તેમણે ભાવનગર રાજ્યની નિષ્ઠાપૂર્વક સેવા કરી. રાજકુટુંબનું, રાજ્યનું અને પ્રજાનું એમ ત્રણેયનાં હિતોનુ રક્ષણ કર્યું તથા તે ત્રણેયની સેવામાં સર્વસ્વ અર્પણ કરી દીધું.
પોપટભાઈ ગો. કોરાટ