પટ્ટણી, ચંપકરાય (જ. 1897; અ. 1958) : મૂક ચલચિત્રોના જમાનામાં રાજકોટ ખાતે ખ્યાતનામ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપનાર બે ભાઈઓ પૈકીના એક. ચંપકરાયે છબિકાર (સિનેમૅટગ્રાફર) તરીકે ભારે નામના મેળવી હતી. પ્રથમ ચલચિત્ર ‘સમુદ્રમંથન’માં તેમણે અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં ખાસ પ્રભાવક યુક્તિઓ(special effects)નો જે રીતે ઉપયોગ કર્યો હતો એ જોઈને ઇંગ્લૅન્ડની ખ્યાતનામ રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીએ 1925માં તેનું માનાર્હ સભ્યપદ ચંપકરાયને આપ્યું હતું. આ બહુમાન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા.
ચંપકરાયના પિતા કાનજીભાઈ પટ્ટણી કોટડા-સાંગાણી રજવાડાના રાજવૈદ્ય હતા. ભાવનગર રાજ્યના ખ્યાતનામ દીવાન પ્રભાશંકર પટ્ટણી તેમના ભત્રીજા હતા. પ્રભાશંકર પટ્ટણી તથા લંડન અભ્યાસ કરવા ગયેલા તેમના પુત્ર અનંતરાયે ચંપકરાય પટ્ટણી તથા તેમના મોટા ભાઈ વજેશંકર પટ્ટણીનો છબિકલા તથા સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ જોઈને તેમને ચલચિત્રો નિર્માણ કરતી સંસ્થા સ્થાપવા પ્રેરિત કર્યા હતા અને તે માટે આર્થિક સહાય પણ કરી હતી.
અનંતરાયે લંડનથી તેમને એક ‘મૂવી કૅમેરા’ મોકલતાં તેમને પોતાની આવડત બતાવવાનો મોકો મળ્યો. દરમિયાનમાં વજેશંકરે એક ચલચિત્રની પટકથા લખતાં, સૌના સહિયારા પ્રયાસોથી, 1923માં રાજકોટ-ગોંડલ રોડ પર લોધાવડ ગામ પાસે ‘સૌરાષ્ટ્ર સિનેમૅટગ્રાફ કંપની’ અસ્તિત્વમાં આવી. 1926 સુધીમાં કંપની ખોટમાં ગઈ. તેથી તેને ‘લિમિટેડ’ બનાવીને ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની લિમિટેડ’ એવું નામ આપવામાં આવ્યું. આ કંપનીના નેજા હેઠળ નવ કથાચિત્રો અને એટલી જ સંખ્યામાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ થયું. આ ચિત્રો પૈકી એકાદ-બે ચિત્રોને બાદ કરતાં તમામ ચિત્રોનું છાયાંકન ચંપકરાય પટ્ટણીએ કર્યું હતું. ખાસ કરીને ‘સ્પેશિયલ ઇફેક્ટ્સ’નો ઉપયોગ કરવામાં તેમણે ભારે નામના મેળવી હતી. ‘સમુદ્રમંથન’ ઉપરાંત જે અન્ય કથાચિત્રોમાં ચંપકરાયે છાયાંકન કર્યું, તે આ મુજબ છે : ‘શરીફ બદમાશ’ (1924), ‘સનમની શોધમાં’ (1925), ‘કલાબાજ આશિક’ (1926), ‘મોહબ્બત યા મુસીબત’ (1927), ‘સંસાર’ (1927), ‘પ્રેમ અને વાસના’ (1928) તથા ‘સુધરેલો શૈતાન’ (1929).
હરસુખ થાનકી