પટેલ, ભૂપેન્દ્ર (જ. 15 જુલાઈ 1962, અમદાવાદ) : ગુજરાતના 17મા મુખ્યમંત્રી. ઘાટલોડિયાની બેઠક પરથી ધારાસભ્ય. ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15મી જુલાઈ 1962ના રોજ અમદાવાદના કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એ સમયગાળામાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. ભાજપમાં સક્રિય થયા બાદ તેઓ મેમનગર નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા. 1999થી 2000 દરમિયાન તેઓ મેમનગર નગપાલિકાના પ્રમુખ બન્યા હતા. 2008થી 2010 દરમિયાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચૅરમૅન રહ્યા હતા. 2015થી 2017 દરમિયાન ભૂપેન્દ્રભાઈ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટી(ઓડા)ના ચૅરમૅન હતા.
તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન પણ રહી ચૂક્યા છે. 2017માં ઘાટલોડિયાની બેઠક પરથી પહેલી વખત તેમણે ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. એ ચૂંટણીમાં તેમણે 1.17 લાખ મતોથી વિજય મેળવ્યો હતો.
11મી સપ્ટેમ્બર, 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું તે પછી 12મી સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ હતી. 13મી સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
તેઓ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનમાં શ્રદ્ધા રાખે છે. કિશોરાવસ્થાથી નિયમિત દાદાવાણીનું શ્રવણ કરે છે.
ભૂપેન્દ્ર પટેલ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે. તે ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનપદે પણ તેઓ સક્રિય છે.
વ્યવસાયે બિલ્ડર રહેલા ભૂપેન્દ્ર પટેલને ક્રિકેટ અને બૅડમિન્ટન જેવી રમતોમાં રુચિ છે.
હર્ષ મેસવાણિયા