પટેલ, બાલકૃષ્ણ (. 1925, અમદાવાદ; . 2004, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અમૂર્ત ચિત્રકાર. તેમની ચિત્રકલાની તાલીમની શરૂઆત કલાગુરુ રવિશંકર રાવળ પાસે ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં થઈ હતી. આ પછી સમવયસ્ક ચિત્રકાર શાંતિ દવે સાથે થોડો સમય અમદાવાદમાં એક જ સ્ટુડિયોમાં કામ કર્યું. 1950માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે પાસે અવૈધિક તાલીમ લીધી. પોતે ફૅકલ્ટીમાં વિધિસર નામ નોંધાવ્યું નહિ, તેથી ડિપ્લોમા કે ડિગ્રી લઈ શક્યા નહિ. ત્યારબાદ તેઓ અમદાવાદ આવી સ્થિર થયા અને તેમણે અમદાવાદમાં અમૂર્ત કલાના ક્ષેત્રે પગરણ શરૂ કર્યાં. તેમની અમૂર્ત કલાની ઉપાસનાને કારણે તેમના આદ્યગુરુ રવિશંકર રાવળ ખફા હતા. પીરાજી સાગરા અને જેરામ પટેલની સાથે આધુનિક કલાને અમદાવાદમાં ઉત્તેજન આપવામાં બાલકૃષ્ણ પટેલ પણ પાયાના કલાકાર રહ્યા હતા.

બાલકૃષ્ણ પટેલ

તેઓ આધુનિક કલાની અમૂર્ત શાખામાં પણ એક વિશિષ્ટ પ્રશાખા – લઘુતમ કે અલ્પ ચિત્રણમાં કામ કરે છે. તેને અંગ્રેજીમાં ‘મિનિમલિસ્ટ આર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. અત્યંત આછા, મધુર, સૌમ્ય અને ઋજુ રંગો વડે તેઓ શાંત રસનું ઉદ્દીપન કરતા. તેમાં આંખને ઝટકો આપે તેવી ભડકીલી રંગ-આયોજના નથી હોતી. એકાદ-બે અત્યંત પાતળી સીધી રેખાઓ, બે-ત્રણ વર્તુળ અને બેત્રણ બિંદુઓ વડે તેઓ ચિત્રમાં એક અત્યંત સૂક્ષ્મ સંવાદ રચે છે. પહેલી નજરે જોવાલાયક કાંઈ દેખાય જ નહિ તેવો અનુભવ દર્શકને થાય, પણ થોડી વાર સુધી ચિત્ર જોયા કર્યા બાદ જ આછા રંગો તથા પાતળાં રેખા-બિંદુઓ અને વર્તુળોનાં સૂક્ષ્મ સંતુલનો ધ્યાન પર આવે. આસપાસ જિવાતા જીવનથી તેમની કલા સંપૂર્ણ અલિપ્ત રહેતી. એ વાતને તેઓ પોતે પણ સમર્થન આપતા. તેમની કલા સાંપ્રત જીવન કે પોતાના અંગત જીવનના આનંદ, ઉદ્વેગ કે સંઘર્ષ-તકલીફને ચિત્રોમાં નથી ઉતારતી. આ દૃષ્ટિએ તેમની કલા નિજાનંદ માટે જ પ્રયોજાઈ જણાય છે. તેમની ચિત્રકલા તેના શુદ્ધ અમૂર્ત સ્વરૂપને કારણે ઔપચારિક (formal) કક્ષામાં મુકાય છે. તેમણે અમદાવાદમાં સાબરમતીના પટમાં રેતી વડે કામચલાઉ શિલ્પો પણ બનાવેલાં. તેમણે અરવિંદ અને કૅલિકો મિલ્સમાં કેટલાંક વરસ ટેક્સ્ટાઇલ ડિઝાઇનર તરીકે પણ સેવા આપી હતી. રાષ્ટ્રીય કક્ષાએ બાલકૃષ્ણ પટેલનું નામ 1950થી 1960 સુધીમાં ટોચની ગણતરીમાં મુકાયું અને 1957માં કેન્દ્રીય લલિતકલા અકાદમીનો મેરિટ ઍવૉર્ડ તથા રાષ્ટ્રપતિનો નૅશનલ ઍવૉર્ડ 1969 અને 1978માં – એમ બે વાર પ્રાપ્ત થયો.

બાલકૃષ્ણ પટેલે અન્ય કલાઓમાં પણ પોતાની શક્તિ પ્રયોજી છે. કવિતા લખવા ઉપરાંત વર્ષોથી વિવિધ નાટકો અને સીરિયલમાં અભિનય આપ્યો હતો. તેમાં લાભશંકર ઠાકરના ઍબ્સર્ડ નાટક ‘મનસુખલાલ મજીઠિયા’નો અભિનય નોંધપાત્ર ગણી શકાય. જુવાનીમાં સતત બે દાયકા કુસ્તીમાં સક્રિય રહી ગુજરાત રાજ્યના મિડલ વેઈટ ચૅમ્પિયન પણ તેઓ રહી ચૂક્યા હતા.

અમિતાભ મડિયા