પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
February, 1998
પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ (જ. 10 ઑગસ્ટ 1918, શેલાવી, જિ. મહેસાણા; અ. 24 મે 1977) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. 1936માં મૅટ્રિક. 1940માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.. 1942માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.. 1956થી કેટલાંક વર્ષ આકાશવાણી, અમદાવાદમાં કામ કર્યું. તેઓ ભવાઈ મંડળના પ્રણેતા હતા. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે કેટલાંક વર્ષો કામ કર્યું. ‘સંદેશ’ના તંત્રીવિભાગ સાથે પણ ઘણો સમય સંકળાયેલા રહ્યા. તેઓ ફિલ્મનિર્માણમાં પણ સક્રિય હતા.
ગાંધીયુગના પ્રભાવ તળે લખતા થયેલા, પન્નાલાલ અને પેટલીકરના અનુગામી પીતાંબર પટેલ મુખ્યત્વે પ્રાદેશિક નવલકથાકાર છે. ‘રસિયો જીવ’ (1942), ‘પરિવર્તન’ (1944), ‘ઊગ્યું પ્રભાત’ (1950), ‘ખેતરને ખોળે’ (ભાગ 1-2) (1952), ‘તેજરેખા’ (1952), ‘આશાભરી’ (1954), ‘અંતરનાં અજવાળાં’ (1960), ‘ચિરંતન જ્યોત’ (1960), ‘ધરતીનાં અમી’ (1962), ‘કેવડિયાનો કાંટો’ (1965), ‘ધરતીનાં મોજાં’ (1966) વગેરે તેમની નવલકથાઓ છે. આ નવલકથાઓમાં લેખકે ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. અલબત્ત, એમનો માંગલ્યલક્ષી અભિગમ અછતો રહી શક્યો નથી. ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ દૃષ્ટિગોચર થાય છે. તેઓ એક બાજુ વાસ્તવનું આલેખન કરે છે તો બીજી બાજુ આદર્શનો ઓછાયો પણ એમની કૃતિઓ પર પડેલો જોઈ શકાય છે. એમની નવલકથાઓ ઘટનાશ્રિત છે. મુખ્ય પાત્રોને જીવંત બનાવવાની મથામણ પણ જોવા મળે છે. એમની નવલકથાઓ કથારસ તો પૂરો પાડે છે, પણ કશી તાજગીનો કે નવોન્મેષનો અનુભવ કરાવી શકે એવી, અને એમની સર્જકતાનું પ્રતિનિધિત્વ કરે તેવી નોંધપાત્ર નવલકથા તો છે ‘ખેતરને ખોળે’.
નવલકથા પછી પીતાંબરનું બીજું નોંધપાત્ર પ્રદાન નવલિકા-ક્ષેત્રે છે. એમના વાર્તાસંગ્રહો છે : ‘વગડાનાં ફૂલ’ (1944), ‘મિલાપ’ (1950), ‘શ્રદ્ધાદીપ’ (1952), ‘કલ્પના’ (1954), ‘છૂટાછેડા’ (1955), ‘શમણાંની રાખ’ (1956), ‘સૌભાગ્યનો શણગાર’ (1963), ‘નીલ ગગનનાં પંખી’ (1964), ‘રૂડા સરોવરિયાની પાળ’ (1964), ‘સતનો દીવો’ (1965), ‘ઝૂલતા મિનારા’ (1966) વગેરે. આ વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય છે. ગુજરાતી ગ્રામ-જીવન, શહેરી જીવન, સમાજ-જીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો તેમાં નિરૂપાયા છે. પાત્રો પણ વિષયવસ્તુને અનુરૂપ સમાજના વિવિધ સ્તરોમાંથી આવ્યાં છે. વાર્તાઓમાં લેખક નિરૂપણરીતિનું વૈવિધ્ય નિપજાવી શક્યા નથી. વળી એમની વાર્તાઓ મોટા ભાગે બોધાત્મક બની રહે છે અને વાર્તાતત્ત્વ કરતાં સમસ્યાનું મહત્ત્વ એમની ટૂંકી વાર્તાઓમાં વધુ હોવાની છાપ પડે છે.
પીતાંબર પટેલનાં પ્રકીર્ણ પ્રકાશનોમાં ‘ભારતનાં નવાં યાત્રાધામો’ નવી દૃષ્ટિના પ્રવાસગ્રંથ તરીકે ઉલ્લેખનીય છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. ઘણાં વર્ષો વાર્તામાસિક ‘આરામ’નું સફળ સંપાદન કરી તેમણે ટૂંકી વાર્તાના સ્વરૂપને સમૃદ્ધ બનાવવામાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ