પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ (જ. 6 ડિસેમ્બર 1898, કંડારી, મિયાંગામ પાસે; અ. 23, ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ગુજરાતી લેખક. બાલસાહિત્યમાં વિશેષ રુચિ. મૂળ ગામ ભાદરણ પાસે બામણગામ. ચરોતરની લેઉવા પાટીદાર જ્ઞાતિ. માતા અંબાબહેન. પિતા ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં લીધું. વડોદરા સયાજી હાઈસ્કૂલમાં છઠ્ઠું ધોરણ પૂરું કરે તે પહેલાં પારિવારિક પ્રતિકૂળતાએ અભ્યાસ છોડી દેવો પડ્યો. વચમાં, 1919માં, ઠીકરિયા (પાદરા) ગામનાં સુમતિબહેન સાથે લગ્ન કર્યાં.
પ્રારંભથી વાચનલેખન પ્રત્યે અનુરાગ. તેમનું પહેલું પુસ્તક ‘શિશુ સદ્બોધ’ 1913માં તેમની 15 વર્ષની વયે, બહાર પડ્યું. અભ્યાસ છોડ્યા પછી વડોદરામાં રમણલાલ નાનાલાલ શાહના બાલમાસિક ‘બાલજીવન’માં વ્યવસ્થાપક તરીકે જોડાયા. અહીંનું વાતાવરણ તેમને બાલસાહિત્યમાં વિશેષ રુચિ ઉત્પન્ન કરનાર નીવડ્યું. તેમને બાલસાહિત્યના લેખન-પ્રકાશન ક્ષેત્રે પ્રશિક્ષણ પણ મળ્યું. બીજી બાજુ, પત્ની સુમતિને ઘેર અક્ષરજ્ઞાન આપી બાલસાહિત્યમાં રસ લેતાં કર્યાં. નાગરદાસે બાલસાહિત્યનો વિપુલ ફાલ આપ્યો, તેમાં સુમતિબહેનનું પ્રદાન નોંધપાત્ર છે. થોડા સમયમાં મુંબઈ જઈ માળવી રણછોડદાસની કંપનીમાં જોડાયા. નિવાસ મલાડમાં રાખ્યો. ત્યાંનું નિવાસસ્થાન તેમની પછીની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું. 1922થી તેમનું લેખનકાર્ય વેગથી આગળ વધ્યું. ‘દેશકીર્તન’, ‘નવવલ્લરી’ (1923), ‘સફેદ ઠગ’ (ભાષાંતર 1924), એમ એક પછી એક પુસ્તકો પ્રગટ થવા માંડ્યાં. ‘સફેદ ઠગ’ અંગ્રેજી ડિટેક્ટિવ વાર્તાનું ભાષાંતર છે. નાગરદાસને બાલસાહિત્ય સાથે ડિટેક્ટિવ વાર્તાલેખનમાં પણ રસ હતો. શેરલૉક હૉમ્સના સર્જક આર્થર કૉનન ડૉઇલ તેમના પ્રિય લેખક હતા. ઔપચારિક શિક્ષણ નહિ મળ્યાનો વસવસો કરવાને બદલે તેમણે સ્વશિક્ષણથી વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. 1925માં પત્ની સુમતિબહેન સાથે પ્રથમ બાલવાર્તાનું પુસ્તક ‘અમારી વાર્તાઓ’ પ્રગટ થયું. બીજે વર્ષે ‘અમારી બીજી વાર્તાઓ’ તથા ભાષાંતર ‘શશિકલા અને ઔર પંચાશિકા’ આવ્યાં. 1929 સુધી પ્રતિવર્ષ ઓછામાં ઓછું એક પુસ્તક એ ક્રમ ચાલ્યો. 1930થી તેમણે પોતાની ‘બાલવિનોદ ગ્રંથમાળા’ની પ્રકાશનશ્રેણીઓ હેઠળ સંખ્યાબંધ નાનાં પુસ્તકો પુષ્કળ ચિત્રો અને લિથોછાપના સુંદર રંગીન આવરણ સાથે આપવા માંડ્યાં. તેમના ચિત્રકાર જગમોહન મિસ્ત્રી હતા. તેમણે તમામ વયનાં બાળકો માટે લખ્યું. શિશુ માટેનાં પુસ્તકો વયને અનુકૂળ વિષય, મોટાં બીબાં, સરળ ભાષા અને રંગીન ચિત્રો એમ સુપેરે માવજત સાથે પ્રગટ કર્યાં. આ પુસ્તકો બહુ લોકપ્રિય થયાં. તેમની અનેક આવૃત્તિઓ થઈ. ગુજરાતની બેત્રણ પેઢીઓનાં બાળકો માટે તે ઘરઘરનું વાચન બની રહ્યાં. વચ્ચે તેમણે ‘બામણગામના પાટીદારોની વંશાવળી’ (1930) જેવો સંદર્ભગ્રંથ તૈયાર કર્યો તથા ‘ચાંદની’ વાર્તામાસિક(‘જનસત્તા’, અમદાવાદનું વાર્તામાસિક ‘ચાંદની’ નહિ)ના તંત્રી પણ રહ્યા. તેમના અવસાન પછી બાલવિનોદ પ્રકાશન ટક્યું નહિ. જોકે તેમનાં પુસ્તકોનાં પુનર્મુદ્રણ થતાં રહ્યાં.
બંસીધર શુક્લ